લખાણ પર જાઓ

મહાત્માજીની વાતો/સત્યવાન અને શિવદયાળની વાત

વિકિસ્રોતમાંથી
મહાત્માજીની વાતો
સત્યવાન અને શિવદયાળની વાત
ગાંધીજી
જીવનદોરી કિંવા દેવદૂતની વાત →



મહાત્માજીની વાતો.

સત્યવાન
અને
શિવદયાળની વાત.

પ્રકરણ ૧ લું.

“આ સંસારમાં સત્ય સિવાય બીજો કોઇ ધર્મ નથી. જેઓ લાલચોને વશ થઈ સત્ય ચુકે છે તે કદી સુખી હોતા નથી. દુનિયાની નજરે તેઓ અનેક પ્રકારની મોજમાણતા જણાય છે, પણ અંદરથી તો તેમનુ દુઃખ તેઓ જ જાણે છે, વળી દુનિયાની મોજમાં તો ચાર દીનની ચાંદનીની જેમ નાશ પામી જાય છે. ત્યારે તેમનાં દુઃખનો પાર રહેતો નથી. લાખો માણસ અસત્ય માર્ગે ચાલીને દુઃખી થાય છે તોપણ કોઇક જ સત્ય રસ્તે ચાલવાની હોંસ કરે છે. જે સત્ય રસ્તો પકડે છે તે સુખી છે. એવા સત્યવાનનાં દર્શન થવાં એ પણ ચઢતા નશીબની નિશાની છે.

“બાપા મને એવા સત્યવાનનાં દર્શન ન થાય?” શિવદયાલે પોતાના પિતા શાંતિલાલને પૂછ્યું. શાંતિલાલ રોજ સાંજે પોતાના પુત્રને ધર્મની બાબતો સમજાવતા, અને તેનું વર્તન તેમાં બરોબર રહે એ બાબત પૂરતું ધ્યાન આપતા. દીકરાના સવાલથી ખુશી થઈ તેણે જવાબ આપ્યો કે “થઈ શકે, દીકરા ! ભાગ્યમાં હોય તો.”

“પણ એ ક્યાં મળે, બાપા ” દીકરે ફરી પ્રશ્ન પૂછ્યો. “દીકરા ! હું એથી અજાણ છું, મારા નશીબમાં એવા મહાત્માના દર્શનનો લાભ નથી લખાયો. પ્રભુ તને એવો લાભ આપો એમ ઇચ્છું છું.” બાપે ગંભીરપણે જવાબ આપ્યો.

‘બાપા, મને રજા આપો. મારે સત્યવાનનાં દર્શન કરવાં છે. મારે એમની શોધ કરવી છે.”

બાપે દીકરાની ઇચ્છા દાબી ન દેતાં રજા આપીને શિવદયાલ સત્યવાનની શોધમાં નીકળી પડ્યો.


પ્રકરણ ૨ જું.


સત્યવાનના દર્શનની આતુર ઇચ્છામાં શિવદયાળ રાજમાર્ગે ને જંગલમાં ભમવા લાગ્યો. તેનું ચિત્ત સત્યવાનના વિચારમાં એટલું બધું પરોવાઇ ગયું હતું કે તેને ભુખ તરસનું ભાન રહ્યું નહીં. આવી સ્થિતિમાં ફરતાં ફરતાં એક દિવસ બપેારે તેને એક માણસ મળ્યો. તેણે ઉભા રહીને શિવદયાલને પૂછ્યું “બચ્ચા, ક્યાં જાય છે ?” શિવદયાળે ઉભા રહી જવાબ આપ્યો “હું સત્યવાનની શોધમાં જાઉં છું. મારા બાપાએ કહ્યું છે કે જે ભાગ્યશાળી હોય તેને જ સત્યવાનનાં દર્શન થાય. હું એનું ઠેકાણું જાણતો નથી, તેથી તેની શોધમાં નીકળ્યો છું.”

તે શખ્સ બોલ્યો, “બચ્યા, હું જ તે સત્યવાન છું, જેને તું શોધે છે.”

શિવદયાળ બહુજ ખુશીમાં આવી ગયો, તે બોલ્યો, “મહાત્મા ! આપ કઇ બાજુએ પધારો છો ? જો અમારી તરફ જતા હો તો મારે ઘેર પધારો, પણ જો આપને ઘેર પધારતા હો તો મને સાથે લઈ જાઓ.”

સત્યવાને કહ્યું, “હમણાં મારે કામ છે. કાલે સવારે તું મારે ઘેર આવજે, પૂર્વ દિશામાં સીધો ચાલ્યા કરીશ એટલે એક જંગલમાં તું પહોંચીશ. ત્યાં એક સાફ જગ્યામાં આરામ લઇ જે બનાવ બને તે જોજે, એ જોઇ જરા આગળ ચાલીશ કે તું એક મોટી વડીની પાસે આવીશ. તેમાં સોનાના છાપરાવાળુ ઘર છે તે મારૂં છે. ત્યાં દરવાજે હું તને મળીશ.” એટલું કહી સત્યવાન તે છોકરાની નજરથી અદૃશ્ય થઇ ગયા.


પ્રકરણ ૩ જું.


શિવલાલે દેખાડેલે રસ્તે ચાલવા માંડ્યું. ચાલતાં ચાલતાં તે જંગલમાં આવ્યો. ત્યાં એક સાફ જગ્યામાં તેણે એક મોટું વડનું ઝાડ જોયું. તેની એક ડાળીને એક દોરડું બાંધ્યું હતું. દોરડાને છેડે એક ભારે લાકડાનો ધોકો બાંધ્યો હતો. લટકતા ધોકા નીચે મધનું વાસણ રાખેલું હતું. તેનો એવો હેતુ હતો કે રીંછ વિગેરે તે ધોકાને ખસેડયા વિના મધને અડી ન શકે, ને ધોકો ખસેડે તો પાછો મધમાં આવતાં ઇજા કરે. છોકરો વિચાર કરતાં ઉભો છે. તેવામાં જંગલમાં એક કડાકો થયો અને કેટલાંક રીંછો આવતાં તેણે દીઠાં. તેમાંથી એક રીંછણ સીધી મધના વાસણ ભણી ગઇ અને તેણે પોતાના નાક વતી ધક્કો મારી ધોકો ખસેડ્યો, એટલે તેનાં ત્રણ બચ્ચાં જે તેની વાંસે વાંસે જતાં હતાં તેઓએ મધ ઉપર તલપ મારી. તેટલામાં પેલો ધોકો પાછો આવ્યો અને તેમના માથા ઉપર પડ્યો. તેઓ ચીસ પાડી ભાગી ગયાં, રીંછણ ખીજાઇને ધોકાને ફરી જોરથી ફેંક્યો. ધોકો બહુ ઉંચે ઉછળ્યો, બચ્યાં મધ પાસે ગયાં ઉંચે ઉછળેલો ધોકો જોરથી રીંછોના માથા ઉપર પડ્યો. તેમાંનુ એક બચ્ચું તુરતજ મરી ગયું. રીંછણ વધુ ખીજાઈ ધોકાને પકડી વધુ જોરથી ઉંચે ઉછાળ્યો. ધોકો ડાળીથી પણ ઉંચો ચઢ્યો. હવે રીંછણ પાછી મધ તરફ ગઇ. ધોકો ઉંચે ચઢતો ચઢતો અટક્યો તે પાછો નીચે પડવા માંડ્યો, જેમ જેમ નીચે આવતો ગયો તેમ તેમ તેની ઝડપ વધવા માંડી. અંતે બરોબર રીંછણને માથે એવા જોરથી તે પડ્યો કે રીંછણ પણ મરી ગઇ, તેનાં બચ્ચાં તેને મૂકીને નાશી ગયાં.

શીવદયાળ અજબ થતો થતો આગળ ચાલ્યો. તે વાડી અને સોનાના છાપરાવાળા ઘર પાસે આવી પહોંચ્યો. દરવાજામાં જ સત્યવાનને તેણે દીઠો. શીવદયાળને આવકાર દઇ વાડીમાં લીધો. વાડીની રચના અને ભપકો તેણે સ્વપ્નમાં પણ દીઠાં નહોતાં. સત્યવાન તેને મહેલમાં લઇ ગયા. તેમાંના ઓરડાઓ જોતો જાય ને જાણે ભુલતો જાય એવું લાગ્યું. એમ કરતાં એક બંધ ઓરડા પાસે આવ્યા. સત્યવાને કહ્યું, “દરવાજો જોયો? એને તાળું નથી, માત્ર એક સીલ છે. ઉઘાડવો હોય તો તુરત જ ઉઘડી શકે એમ છે, પણ હું તને ઉઘાડવાની ના પાડું છું. આ મહેલમાં રહીને જ્યાં ફરવું હોય ત્યાં ફરજે, માત્ર એક હુકમ પાળજે. આ બારણું ઉઘાડીશ નહીં, પણ જો ઉઘાડું તો જંગલમાં જોયું છે તે યાદ કરજે.” આટલું કહી સત્યવાન અદૃશ્ય થઈ ગયા.

શિવદયાળ એકલો રહેવા માંડ્યો. ૩૦ વરસ તેને ત્યાં થઈ ગયાં, પણ તેને તો તે ત્રણ કલાક જેવાં લાગ્યાં. આ મુદત ખલાસ થયે એક દિવસ તે સીલવાળા દરવાજા‚ પામે ફરતો હતો ત્યારે તેને વિચાર થયે!, કે “આ ઓરડામાં જવાની મનાઇ સત્યવાને શા માટે કરી હશે? હું તો અંદર જઇશ, અને તેમાં શું છે તે જોઈશ.”

બારણાને ધક્કો દઇ તેણે સીલ તોડી નાંખ્યાં અને અંદર દાખલ થયો. એ ઓરડો સઉથી સુંદર હતો અને તેની વચ્ચે સોનાની રાજગાદી હતી.

તે રાજગાદી પર ચઢી બેઠો, રાજગાદી સામે રાજદંડ પડેલો દીઠો. તે પણ તેણે હાથમાં ઝાલ્યો, જેવો તેણે રાજદંડ ઝાલ્યો કે તુરત જ ઓરડાની ચારે ભીંતો નીચે પડી ગઇ. જેથી આખી દુનિયા અને તેમાં માણસો શું કરે છે તે એને દેખાવા માંડ્યુ, “મારે ઘેર બધા કેમ છે અને દાણાનો પાક કેવો છે તે હું જોઈ શકીશ.” એવો તેને વિચાર આવ્યો. જેવી તેણે પોતાના ખેતર ભણી નજર કરી કે તેને સારો પાક જણાયો. એક ખેડુત તેમાં થઈને ગાડું હાંકતો તેણે દીઠો. પહેલાં તો તે તેને પોતાના બાપનું ગાડું લાગ્યું, પણ બરોબર તપાસતાં તે તો કોઇ ચોર જણાયો. આથી શિવદયાળ ગુસ્સે થઇ બોલી ઉઠ્યો, “બાપા, બાપા, ખેતરમાં દાણાની ચોરી થાય છે!” બાપ જાગી ઉઠ્યો. અરે! મને સ્વપ્નું આવ્યું કે ખેતરમાં દાણાની ચોરી થાય છે, ચાલ જઇને જોઉં.” એમ વિચારીને ઘોડે બેસી ખેતર ભણી ગયો. ત્યાં ચોરોને દેખી તુરતજ પાડોશીને ભેગા કરી તેને પકડ્યો, અને સહુએ તેને ખુબ મારી કેદખાનામાં નંખાવ્યો.

હવે શિવદયાળે પોતાના ઘર ભણી નજર કરી, તો ત્યાં પોતાની માને સુતેલી દીઠી. એક ચોરે ઘરમાં પેસી પેટી ભાંગવા માંડી. તેની મા જાગી ઊઠી અને ચીસો પાડવા માંડી, જેથી ચોર એક કુહાડી લઈ તેને મારવા દોડ્યો. શિવદયાળથી આ દેખી ન શકાયું, તેણે રાજદંડનો પેલા ચોર ઉપર પ્રહાર કરી તેને તુરત જ મારી નાંખ્યો.


પ્રકરણ ૪ થું.

શિવદયાળે જેવો તે ચોરને મારી નાંખ્યો કે તુરત જ ચારે બાજુથી દીવાલો અસલની જેમ બંધાઇ ગઇ. દરવાજો ઉઘડી ગયો અને સત્યવાન તેમાં દાખલ થયા. તેણે શિવદયાળને હાથ ઝાલીને ગાદી ઉપરથી ઉતારી મુકી કહ્યું કે “તેં મારો હુકમ માન્યો નહીં દરવાજો ઉઘડ્યો એ તેં એક પાપ કર્યું. મારી રાજગાદી પર ચઢી મારો રાજદંડ ઝાલ્યો એ બીજું પાપ. અને દુનિયાના પાપમાં વૃદ્ધિ કરી એ ત્રીજું પાપ. જો એક કલાક વધુ તું ત્યાં રહ્યો હોત તો અર્ધી દુન્યાનો તું નાશ કરત".

સત્યવાને શિવદયાળના કામનો ચિતાર આપવા ફરીથી તેને રાજગાદી પર બેસાડી તેના હાથમાં રજદંડ આપ્યો. દિવાલો ફરીથી તુટી પડી અને આખી દુનિયાના દેખાવો પ્રત્યક્ષ થયા. હવે સત્યવાન બોલ્યો કે જો, આ તારા બાપની દશા તેં કેવી કરી. પેલો ચોર જેલમાં વધુ બદમાશી શીખ્યો. એણે તારા બાપના બે બળદ ચોર્યાં, અને હવે ઘરને આગ લગાડે છે. શિવદયાળે પોતાનું ઘર બળતું દીઠું. ત્યાંથી નજર ફેરવી તેની મા તરફ જોયું, તો તેવામાં તે ગમગીનીમાં બોલી, “અરે! ચોર મારે હાથે મુઓ તેના કરતાં એણે મને મારી હોત તે કેવું ભલું થાત! હું કેટલા પાપથી છુટત?” આ તારી માની દશા તેં કરી, હવે બે દારોગાએ પકડેલો એક ચોર તેમની નજરે પડ્યો. સત્યવાન તેને દેખાડી બોલ્યા, “આ માણસે નવ હત્યા કરી છે. પોતાનાં પાપનો જવાબ એને દેવો પડત, પણ તેં તેને મારીને તેનાં પાપ તારે માથે લીધાં છે. આ તારી પોતાની દશા તેં કરી. પેલી રીંછણે ધોકો ઉછાળ્યો ને તેના બચ્ચાંને વાગ્યું. ફરી ઉછાળ્યો તેનું મોટું બચ્ચું માર્યું ગયું. વળી જોરથી ઉછાળ્યો તે પોતે મરી ગઇ તેં પણ એવું જ કર્યું, હવે તને ૩૦ વર્ષની મુદત આપું છું, જેથી સંસારમાં જઇને સારાં કર્મો કરી ચોરનાં પાપો ધેાઇ નાંખ. જો એ તારાથી નહીં બને તો ચોરની સજા તારે ખમવી પડશે.

“ચોરનાં પાપો હું કેમ ધોઇ શકીશ?” શિવદયાળે ચિંતાતુર ચહેરે પૂછ્યું.

સત્યવાને જવાબ દીધો, “તેં દુનિયામાં જેટલાં પાપ કર્યાં છે તેટલું ભલું કરીશ ત્યારે તારાં અને ચોરનાં બંનેનાં પાપ માફ્ થશે.”

શિવદયાળે ફરીથી પૂછ્યું, “સંસારનાં પાપો કેમ ધોવાય ?” સત્યવાને જવાબ દીધો, “પૂર્વ દિશામાં તું ચાલવા માંડ. ત્યાં એક ખેતર આવશે. તેમાંના માણસોને તું જાણતો હોય તો કહેજે. વળી આગળ જજે ને જે જુવે તે ધ્યાનમાં રાખજે, ચેાથે દિવસે એક વન આવશે. તે વનમાં એક ભોયરૂં છે. તેમાં એક ઘરડો માણસ રહે છે. તારી કહાણી એને કહેજે. એ તને શિખામણ આપશે. તેની શિખામણ પ્રમાણે બરોબર ચાલીશ એટલે તારાં અને ચોરનાં પાપ ધોવાઇ જશે.

પ્રકરણ પ મું.


શિવદયાલ રસ્તે ચાલતાં ચાલતાં વિચારે છે. દુનિયામાંથી પાપ કેમ જાય ? લોકો પાપીઓને જેલમાં નાખે છે, દેશપાર કરે છે, ફાંસીએ ચઢાવે છે, આમ કરી પાપ દૂર કરવાનો યત્ન સહુ કરે છે, બીજાનાં પાપ લીધાં વિના હું પાપ કેમ દૂર કરૂં? આમ મુંઝાતો મુંઝાતો તે ચાલ્યો જાય છે પણ કંઈ સુઝતું નથી, એમ કરતાં તે એક ખેતર પાસે આવ્યો. તેમાં દાણો સારો પાક્યો હતો. વાઢનારા દાણો કાપવા આવ્યા હતા. તેમાં એક વાછરડું પેસી ગયું. બધા ખેડુઓ અહીંથી તહીં તેને દોડાવે, ઘડીમાં તે બહાર આવે ને વળી માણસોની ચીસાચીસ ને દોડાદોડથી તે પાછું ખેતરમાં પેસી જાય. એક બાઈ રડતાં રડતાં બોલી, “આ ખેડુ મારા વાછરડાને મારી નાંખશે.” શિવદયાળ બોલી ઉઠ્યો, “ભાઇઓ, તમે બધા ટાઢા પડી ઉભા રહેા તો હમણાં આ બાઇ તેને બોલાવી લેશે.” ખેડુતો તેની વાત માની એક બાજુએ ઉભા રહ્યા. એટલે પેલી બાઈએ વાછરડાને બોલાવી લીધું. શિવદયાળની આ શિખામણથી પેલા ખેડુઓ, તે ઓરત અને વાછરડું ત્રણે રાજી થયાં.

શિવદયાળ વળી ચાલતાં વિચારે છે. “હવે સમજાય છે કે પાપથી પાપ વધે. પાપને જેમ ઝાઝી સજા કરીએ તેમ તે વધતું જાય. પાપે પાપનો નાશ એ વાત તો ખોટી. ત્યારે પાપનો નાશ કેમ થાય ? જો વાછરડે તે ઓરતનું કહેવું ન માન્યું હોત તો તે કેમ બહાર નીકળત ? મને તો કંઇ સુઝતું નથી.”

પ્રકરણ ૬ ઠું.

શિવદયાળ આમ વિચાર કરતો કરતો ચાલ્યો જાય છે. અંતે એક ગામડું આવ્યું ત્યાં આરામ લેવાનો વિચાર કર્યો. એક ઘરમાં રાતોરાત સુવાની રજા માગી, ઘરધણીએ તેને પોતાના ઘરમાં સુવાની સોઈ કરી આપી.

શિવદયાળ બીછાનામાં પડ્યો પડ્યો જોયા કરે છે. ઘરધણીએ ઘર લીંપીને સાફ કરેલું છે. હવે કેટલીક છબીઓ સાફ કરે છે. એક મેલા લુગડાવડે તે છબીના કાચ લુંછે છે. એક બાજુથી લુંછે છે-કાચ અસલ જેવાજ મેલા દેખાય છે. મેલા લુગડાના લીસોટા તેની ઉપર પડી રહ્યા છે. બીજી બાજુએથી તે લુંછે છે-કેટલાક ડાઘ જાય છે. પણ બીજા નવા ડાઘ પડી રહે છે. વળી મેલું લુઘડું ઘસે છે. એક ડાઘ જાય છે તો બીજો ડાઘ પડી જાય છે.

શિવદયાળ આ જોયા કરતો હતો તે બોલી ઉઠ્યો “ભાઇ, આ શું કરો છો?”

“જુઓની ભાઈ, દીવાળીના દિવસ પાસે આવ્યા છે. આ છબીઓના કાચ સાફ કરૂં છું, પણ એક ડાઘ કાઢું છું ત્યાં બે બીજા નવા પડે છે. હું તો થાક્યો, પણ આ છબીઓ સાફ થતી નથી.” ઘરધણીએ જવાબ દીધો.

આ લુગડાના કટકાને પહેલાં ધોઇને પછી છબીના કાચ ધસશો તો હમણાં તે સાફ થઇ જશે, શિવદયાળે શીખામણ આપી.

ઘરધણીએ તેમ કર્યું એટલે કાચ સાફ થઈ ગયા. મહેમાનની સલાહથી પોતાનું કામ થયું તેથી ઘરધણી બહુ રાજી થયો અને તેનો પાડ માન્યો.

વળતી સવારે શિવદયાળે ઘરધણીની રજા લઇ ચાલવા માંડ્યું. ચાલતાં ચાલતાં એક જંગલમાં આવ્યો. ત્યાં કેટલાક મજુરો પૈડાંને ચઢાવવા સારૂ લોઢાના પાટા વાળતા હતા. તે પાસે આવ્યો ત્યારે જોયું તે જણાયું કે જે ચક્કર ઉપર પાટા વળતા હતા તે છુટું હતું તેથી પાટા વાળતી વખતે તે ખસી જતું હતું. શિવદયાળે આ જોઇ પુછ્યું “શું કરેા છો, ભાઈ?” તેમણે જવાબ આપ્યો: “અમે પાટા વાળવા માંડ્યા તો વળતા જ નથી, ને અમે તો હવે થાકી ગયા.” શિવદયાળે સલાહ દીધી કે “ભાઇઓ, જો પહેલાં આ ચક્કરને એક બાજુએ મજબુત કરશો તો તમારા પાટા તુરત વળી જશે.” ઉપર પ્રમાણે કરવાથી કામ બરોબર ચાલવા માંડ્યું. મજુરોએ શિવદયાળને રાતે પોતાનો મહેમાન કરીને રાખ્યો. બીજી સવારે પરોઢીએથી તેમણે ફરી ચાલવા માડ્યું,

એક દિવસ ને રાત ચાલતાં એક જંગલમાં કેટલાક ભરવાડો આરામ લેતા હતા ત્યાં આવી પહોંચ્યો. ભરવાડો ઢોરને ચરવા મુકી અગ્નિ સળગાવતા હતા. તેમણે સુકી ડાંખળીઓ લઇને તેને સળગાવી, તે ડાંખળીઓ સળગી ન સળગી ત્યાં તો એની ઉપર બીજાં લીલા ભારે લાકડાં ખડક્યાં, લાકડાના ભારથી સળગેલી ડાંખળીઓ બુઝાઇ ગઈ. ભરવાડોએ ફરી પ્રયત્ન કર્યો પણ દેવતા સળગીને બુઝાઇ ગયો. ત્યારે શિવદયાળ બોલી ઉઠ્યો, “ડાંખળીઓ સળગાવીને તુરત જ જાડાં લાકડાં તેની ઉપર ન મુકો જ્યારે તે બરોબર સળગે પછી લાકડાં નાંખશો તો તુરતજ અગ્નિ ચાલુ થશે.” ભરવાડોએ ખુબ ડાંખળીઓ એકઠી કરી તેમને બરાબર સળગવા દીધી. પછી લાકડાં નાખ્યા. એટલે દેવતા સારી રીતે સળગવા માંડ્યો, શિવદયાળ ત્યાં થોડીવાર રોકાઈ આગળ ચાલવા માંડ્યો. ચાલતાં ચાલતાં વિચાર કરે છે, “આ મેં જોયું તેનો શું અર્થ હશે !” પણ તેનાથી તેનું રહસ્ય ન સમજી શકાયું.


પ્રકરણ ૭ મું.


સાંજ સુધી ચાલ્યા કીધું ત્યારે વનમાં એક ભોંયરા પાસે આવી પહોંચ્યો. તેનો દરવાજો ઠોકતા “કોણ છે” કરી અવાજ આવ્યો. “એક મહા પાપી. પારકાનું પાપ માથે લઇ લેવાથી હવે તેને ધોવા જાઉં છું.” એમ શિવદયાળે નમ્રપણે જવાબ દીધો.

ભોંયરામાંથી મહાત્મા બહાર આવ્યા અને પૂછ્યું, “બીજાના એવાં કયાં પાપ તું તારે માથે લઇ ફરે છે ?” શિવદયાળે બધી વાત કહી. સત્યવાનને મળ્યાની, રીંછણ અને તેનાં બચ્ચાંની, બંધ ઓરડાની રાજગાદીની, સત્યવાનની આજ્ઞાની, રસ્તાના ખેડુની અને વાછરડું તેની પાળનાર બાઇના સાદથી કેવું બહાર નીકળી આવ્યું તેની વાત કહી. અંતે તે બોલ્યો, “દુનિયામાં પાપે પાપ ઠેલાતું નથી, ને વળી પાપ કેમ જાય એ વાત મારાથી સમજાતી નથી. મને આપ શીખવો.”

મહાત્માએ કહ્યું: “બેટા, તેં બીજું શું જોયું એ મને કહે.”

શિવદયાળે મેલાં લુગડાં વડે છબી સાફ કરનાર ઘરધણીની વાત કહી. લોઢાના પાટા વાળનાર મજુરો વિષે તેમજ ભરવાડો વિષે પણ બધી હકીકત કહી.

વાત સાંભળીને મહાત્મા ભોંયરામાં ગયા અને ત્યાં એક બુઠી કુહાડી લઈ આવ્યા. તે શિવદયાળને આપી બોલ્યા ચાલ મારી સાથે. ભોંયરાની બીજી બાજુએ એક ઝાડ બતાવી કહ્યું “આને કાપી નાખ.”

શિવદયાળે તેને કાપી નાંખ્યું. ઝાડ પડી ગયું “હવે તેના ત્રણ કટકા કર.” મહાત્માએ વધુ આજ્ઞા કરી.

શિવદયાળે હુકમ બજાવ્યો, ત્યારે મહાત્મા ભોંયરામાંથી થોડો દેવતા લાવ્યા અને તે વડે એ ત્રણે કટકા સળગાવી દેવાનું શિવદયાળને કહ્યું. તેણે દેવતા સળગાવ્યો અને ત્રણે કટકા બળીને ત્રણ ઠુઠાં રહ્યાં, મહાત્માએ એ ઠુંઠાંને જમીનમાં અડધાં ડાટવાનો હુકમ કર્યો. તે હુકમ શિવદયાળે પાળ્યો.

“હવે અહીં જો. આ પહાડની તળેટીમાં નદી વહે છે, તેમાંથી તારા મોંઢામાં પાણી ભરીને ઠુંઠાને પાણી પાજે. આ પહેલા ઠુંઠાને પાણી પાઇને પેલા ઘરધણીને શીખામણ દીધી તે યાદ કરજે, આ બીજાને પાણી પાતા પાટા વાળનાર મજુરોને આપેલી સલાહ યાદ કરજે, તથા ત્રીજાને પાણી પાતાં ભરવાડને આપેલી અક્કલ યાદ કરજે, એમ પાણી પાતાં પાતાં જ્યારે આ ત્રણે ઠુંઠામાંથી ઝાડ ઉગે, ત્યારે દુનિયામાંથી પા૫ કેમ ઘટે તે તું સમજી શકીશ અને ત્યારે તારાં પાપ સાફ થઈ જશે.”

આ પ્રમાણે હુકમ કરી મહાત્મા ઝુંપડામાં ચાલ્યા ગયા. શિવદયાળ મહાત્માની વાતોનો વિચાર કર્યાજ કરે પણ સુઝે નહિ તોપણ તેણે મહાત્માના હુકમને બરાબર અમલમાં મુકવા માંડ્યો.


પ્રકરણ ૮ મું.

શિવદયાળે નદીએ જઇ મોંઢામાં પાણી ભર્યું અને પેલા ઠુંઠાને પાણી પાયું. વારે ઘડીએ નદીએથી મોંઢામાં પાણી લઇ આવીને બધાં ઠુંઠાને પાણી પાય. અંતે એ થાકી ગયો અને બહુજ ભુખ્યો થયો. તેથી પેલા મહાત્મા કને કંઇ ખાવાનું માગવા તે ભોંયરામાં ગયો. બારણું ઉઘાડી અંદર પેઠો તો તે મહાત્માને મરેલા દીઠા. જમીનમાં ખાડો ખોદી દાટવાનો વિચાર કરે છે. એવામાં પાસેના ગામડામાંથી કેટલાક માણસો ખાવાનું લઈ ત્યાં આવી પહોંચ્યાં. તેમણે મહાત્માને મરેલા જાણી દાટવાના કામમાં મદદ કરી અને ખાવાનું શિવદયાળને આપ્યું. તેમણે બધાએ ત્યાર પછી શિવદયાળને મહાત્માની ગાદી સોંપી. શિવદયાળ તે સ્થાન કબુલ કરી મહાત્માના ભોંયરામાં રહ્યો અને લોકો જે ખાવાનું લાવતા તેટલેથી પોતાનો નિર્વાહ ચલાવતો તથા નદીએથી મોંઢામાં પાણી લાવી રોજ પહેલા ઠુંઠાને પાતો. આ આજ્ઞા તેણે બરોબર પાળી.

આ પ્રમાણે એક વરસ પસાર થયું. ઘણા જણ તેની પાસે આવવા મંડ્યા, અને તેની પવિત્રતાનાં વખાણ થવા મંડ્યા, મોંઢામાં પાણી ભરી પહાડ ચઢીને બળેલા ઠુંઠાને પાણી પાય છે. આવી રીતે તે આત્મહિત કરે છે. મોટા મોટા વેપારીઓ તેની પાસે આવી કીંમતી ભેટો મુકવા માંડ્યા. શિવદયાળ પાતાને જરૂર હોય તેટલું જ લેતો, વધારે જે કાંઇ તેને આપવામાં આવતું એ ગરીબોને વહેંચી દેતો. આમ શિવદયાળના દિવસ પસાર થવા માંડ્યા. અરધો દિવસ પાણી પાવામાં જતો ને અરધો દિવસ તેના દર્શને આવતા તેમની સાથે વાત કરવામાં જતો. પોતે આ પ્રમાણે રહેવાથી પાપો ધોવાશે એમ શિવદયાળ માનતો હતો.

બે વરસ પસાર થયાં. એક દિવસ પણ નિયમ પ્રમાણે પાણી પાયા વિના પસાર ન થવા દીધો. તોપણ પેલા ઠુંઠામાંથી ફણગો ફુટ્યો નહીં. એક દિવસ તે બેઠો છે એવામાં કોઈ ઘોડેસ્વાર ગીત ગાતો જતો હતો. તે તેને કાને પડ્યું. આ કોણ હશે એ જાણવા તે બહાર આવ્યો. સુંદર કપડાં પહેરેલાં, અને તેજી ઘોડા ઉપર સોનેરી જીન ઉપર બેઠેલો મજબુત માણસ તેની નજરે પડ્યો. તેને ઉભો રાખી શિવદયાળે પુછ્યું “ભાઇ તમે કોણ છો, અને ક્યાં જાઓ છો ?”

“હું લુંટારો છું” તેણે ઉભા રહી જવાય આપ્યો. “માણસોને મારી હું તેમનો માલ લુંટી લઉં છું. જેમ વધારે માણસો મારું ને વધુ લુંટ કરૂં તેમ મને વધુ આનંદ થાય છે.”

શિવદયાળ ભયભીત થઇ ગયો ને વિચારવા લાગ્યો કે “આ માણસનાં પાપ કેમ ધોવાય ? મારી પાસે આવી જેઓ પોતાનો દોષ વગર પુછે કહે તેમને શિખામણ આપવી એ સહેલું છે; પણ આ માણસ તો પાપમાં આનંદ માને છે.” શિવદયાળ ત્યારે તો કંઇ બોલ્યો નહી. મનમાં વળી વિચારવા લાગ્યો કે “હું શું કરૂં ? આ ઠેકાણે રોજ આ લુંટારો આવશે જો આવનારા માણસો બ્હી જશે તો આવશે નહિ. આથી તેમનું અજ્ઞાન દુર કરવાનો સંજોગ દુર થશે અને વળી મારો ગુજારો કેમ કરવો એ મુશ્કેલી ઉભી થશે. આવો વિચાર કરી તે ચોરને ફરી કહેવા લાગ્યો “મારી પાસે આવી માણસો પોતાનાં પાપનો પસ્તાવો કરે છે, અને તેની ક્ષમા માગે છે. ઇશ્વરથી બ્હીને તું પણ પસ્તાવો કર. જો તારે પાપમાંથી નીકળવું ન હોય તો અહીંથી જતો રહે. અને ફરી આવીશ નહીં. તારી ધાકથી બીજા માણસો આવતાં અટકે એવું ન કરીશ, મારૂં કહેવું નહીં માને તો પ્રભુ તને સજા કરશે.”

લુંટારો તો આ સાંભળી હસી પડયો. અને તે બોલ્યો “મને કાંઈ ઈશ્વરની બ્હીક નથી. ભાઇ, તું કાંઇ મારો ધણી નથી કે હું તારૂં કહેવું માનું. હું લુંટનો ધંધો કરી ગુજારો કરૂં છુ, તો તું પવિત્ર રહી ગુજારો કરે છે. આપણે જેમ તેમ કરી ગુજારો કરવો. એટલો નિયમ છે. જે ઘરડી ડોશીઓ આવે તેને તારો ઉપદેશ કરજે પણ મને તારે શીખવવું નહીં, તેં ભગવાનનું નામ લીધું છે તો કાલે વળી એ વધુ માણસો મારીશ. હું તને પણ આજે તે મારી નાખત. પણ જવા દઉં છું. મારી આડે બીજીવાર આવીશ માં.”

લુંટારો તો આમ ધમકાવીને ચાલ્યો ગયો. તે પાછો આવ્યો નહીં. એમ કરતાં શિવદયાળનાં આઠ વરસ સુખ શાંતિમાં પસાર થઈ ગયાં.


પ્રકરણ ૯ મું.


એક દિવસ જમીનમાં વાવેલાં ઠુંઠાંને નિત્ય નિયમ પ્રમાણે પાણી પાઈ આવીને શિવદયાળ પોતાના ભોંયરામાં પાછો ગયો, અને બેઠો બેઠો બહારથી માણસો તેને સારૂં ખાવાનું લઈ આવે એની રાહ જોવા લાગ્યો. ત્રણ આખા દિવસમાં એક જીવ ફરક્યો નહીં. સાંજ સુધી રાહ જોયા પછી જ્યારે કોઈ ન આવ્યું ત્યારે તે મનથી બહુજ દુઃખી થયો. એમ કરતાં પોતાની સ્થિતિનો વિચાર કરતાં તેને ચોરની વાત યાદ આવી. ચોર ચોરી કરીને પેટ ભરે છે ને હું પવિત્રતાનો વેશ ધારી પેટ ભરૂં છું. મારી જીંદગીમાં હું શું આગળ વધ્યો? સાધુએ તો મને તપ કરવા કહેલ, પણ મારૂં તપ તો પેટ ભરવા સારૂ છે. વળી લોકોનાં વખાણ સાંભળવાનું મને ગમે છે અને વળી લોભ તો એવો લાગ્યો છે કે માણસો મારી પાસે નથી આવતા તો હું દુઃખી થઇ જાઉં છું. જ્યારે તે આવે છે ત્યારે હું રાજી થાઉં છું, કારણ કે તેઓ મારી સ્તુતિ કરે છે. એવું જીવન સાધુતાની નિશાની નથી. માનના લોભથી હું આડે રસ્તે નીકળી ગયો. મારાં પુરાણાં પાપનો પશ્ચાતાપ તો હજુ નથી કર્યો, પણ આ તો સામાં બીજા ધારે પાપ કરૂં છું.

ઉપર પ્રમાણે વિચાર કરી શિવદયાળે તે ભોંયરું છોડ્યું. માણસો ન દેખે એવે ઠેકાણે ગુફામાં તે જઇ ત્યાં વળી એક દિવસે તેને આગળ મળેલો ચોર મળ્યો, તેને જોઇ શિવદયાળે ભાગવા માંડ્યું પણ ચોરે તેને પકડી લીધો, ચોરે પુછ્યું “ક્યાં ભાગો છો? ભાઇ સાહેબ !” શિવદયાળે જવાબ દીધો કે “લોકો મને ન દેખી શકે એવે સ્થળે જાઉં છું.” ચોર આ સાંભળી બહુજ નવાઇ પામ્યો.

“જો લોક તારી પાસે નહીં આવે તો તારો ગુજરો કેમ ચાલશે !” ચોરે પૂછ્યું. આટલું કહી તે ચાલતો થયો. શિવદયાળે આ બાબત વિચાર જ નહોતો કર્યો. ચોરના જવા પછી તે વિચારવા લાગ્યો કે “એણે મારી ખબર પુછી પણ મેં તો એના જીવન સંબંધી ખબર પુછ્યા નથી. હવે એને પોતાના ધંધાનો પશ્ચાતાપ થતો હશે ? આજે એ માયાળુ જણાય છે. મને લગારે ધમકી આપી નથી.” આમ વિચારી તેણે ચોરને બુમ પાડી ઉભો રાખ્યો, અને તેની પાસે જઈ કહ્યું “ભાઇ, મારૂં તો ઇશ્વરેચ્છા હશે તેમ થશે, પણ હવે તારાં પાપોનો પશ્ચાતાપ કરવો પડશે. પ્રભુની સત્તાથી તું છુટી શકે એમ નથી.” ચોરે ઘોડો ફેરવ્યો ને પોતાની ભેઠમાંથી એક છરો કાઢી તેને મારવા દોડ્યો, શિવદયાળ તો ભયભીત થઇ ઝાડીમાં ભરાઇ ગયો, એટલે ચોરે બુમ પાડી બોલ્યો “બે વાર તું મારી આડે આવ્યો છે અને મેં તને જવા દીધો છે, પણ હવે ત્રીજીવાર હાથમાં આવ્યો કે મૂઓજ સમજજે.”

આમ બોલી ચોર ચાલ્યો ગયો. સાંજે જ્યારે નિત્યનિયમ મુજબ શિવદયાળ ઠુંઠાઓને મોઢાવડે પાણી પાવા ગયો કે એક ઠુંઠામાંથી ડાળું ફુટેલું દીઠુ.


પ્રકરણ ૧૦ મું


આ પ્રમાણે શિવદયાળ એકલા માણસોની નજર બહાર રહેવા લાગ્યો. ત્યાં જંગલમાંથી કંદમુળ કાઢીને તે પેાતાનું પેટ ભરતો હતો. દિવસે કંદમુળ વાસ્તે જતો હતો ત્યાં એક ઝાડ તળે એક ટોપલીમાં રોટલીઓ ટાંગેલી દીઠી. ઇશ્વરનો આભાર માની તેણે એ રોટલી લીધી. હવેથી રોજ એ પ્રમાણે રોટલીઓ મળવા લાગી. અને રોજ ઇશ્વરના ગુણ ગાઈને તે રોટલી ખાવા લાગ્યો. એમ કરતાં દશ વરસ વીતી ગયાં. પહેલા એકજ ઠુંઠામાંથી ઝાડ ઉગવા લાગ્યું. અને તેમાંથી સુંદર આંબાનું ઝાડ થયું. બીજા બે ઠુંઠાં એમ ને એમ રહ્યા. એક દિવસ સાંજરે પોતાનું કામ કરી શિવદયાળ બેઠો બેઠો વિચાર કરે છે કે “મેં તો પાપ કર્યાં છે. મને મોતની બ્હીક લાગે છે પ્રભુની ઈચ્છા હોય તો મારાં પાપો મરવાથી પણ બળી જાવ.” હજી તો આવો વિચાર કરે છે એટલામાં પેલો ચોર અપશબ્દો બોલતો આવ્યો. શિવદયાળે મનમાં ઠરાવ કર્યો કે “પ્રભુ સિવાય મારૂં સારૂં કે નરસું કોઇ કરી શકે એમ નથી.” આવા ઠરાવથી દૃઢ થઇ તે ચોરને મળવા ગયો.

તેને માલુમ પડ્યું કે ચોર એકલો નહોતો પણ તેની વાંસે ઘોડા ઉપર એક માણસને બાંધ્યો હતો, તેને તે ગાળો દેતો હતો અને ધમકાવતો હતો. આ જોઇ શિવદયાળ તેની પાસે ગયો અને ઘોડાને ઝાલી ઉભો રહ્યો, અને તેણે પૂછ્યું આ માણસને તુ ક્યાં લઈ જાય છે ? ચોરે કહ્યું “હું એને જંગલમાં લઇ જાઉં છું. એ ધનવાનનો દીકરો છે. પોતાના બાપની પુંજી ક્યાં છે એ તે કહેતો નથી. જ્યાંસુધી મને એ વિષે ન કહે ત્યાંસુધી તેને બાંધીને મારવાનો મેં ઠરાવ કર્યો છે.”

આટલું બોલી ચોરે ઘોડાને હાંકવા માંડ્યો, પણ શિવદયાળે ઘોડાને ઝાલી રાખ્યો. તેણે કહ્યું “આ માણસને છોડી મુક “ચોરને આ સાંભળી ગુસ્સો ચઢ્યો. જેથી પોતાનો છરો કાઢી બોલ્યો, “તારા પણ આવાજ હાલ કરૂ કે ? મેં તને મારી નાંખવાનુ કહ્યું છે એ ભુલી ગયો, નહીં?” શિવદયાળને કંઇ બ્હીક ન લાગી, તે બોલ્યો, “તું આને જવા દે, તારાથી બ્હીતો નથી. હું એક પ્રભુથી જ બીહું છું. પ્રભુ મને કહે છે કે મારે તને ન જવા દેવો. આ માણસને છોડી મુક.” ચોરે દાંત પીસ્યા. છરાથી દોરડાના બંધ કાપી નાખ્યા અને પેલા વેપારીના છોકરાને છોડી મુક્યો. ચોરે કહ્યું “જાઓ ભાગો, તમારૂં મોત ભમે છે. મારી નજરે ફરીથી ચઢ્યા તો તમારૂં આવી બન્યું છે, એ ખચીત માનજો.

ધનવાનનો દીકરો દોડીને જંગલમાં સંતાઇ ગયો. ચોરે ચાલવા માંડ્યું કે વળી તેને શિવદયાળે કહ્યું. “ભલા માણસ પાપી ધંધો છોડી દે. શામાટે નર્કમાં જવાનાં કામ કરી રહ્યો છે! પ્રભુમાં તારૂં ચિત્ત જોડી દે, તે તારા પાપોની ક્ષમા બક્ષશે.” ચોર ઉભો રહીને આ બધું સાંભળી રહ્યો અને તે પછી ધીરે ધીરે વિચાર કરતો ચાલ્યો. સવારે ફરીથી ઠુંઠાંને પાણી પાવા ગયો, ત્યારે શિવદયાળે બીજા ઠુંઠામાંથી ફણગો ફુટેલો દીઠો.


પ્રકરણ ૧૧ મું.

બીજા દશ વરસ પણ પસાર થઈ ગયાં. શિવદયાળ હજી જીવે છે, હવે તેને કોઈ પ્રકારની કામના રહી નથી, તે નિર્ભય થઈ ગયો છે. તેનું હૃદય આનંદમાં મસ્ત રહે છે. એક દિવસ તે વિચારે છે કે ‘પ્રભૂએ માણસને કેવું સુખ આપ્યું છે. તેમ છતાં તેઓ ઠાલાં ઠાલાં દુઃખી થાય છે. અખંડ છોડીને તેઓ દુઃખને જ વળગી રહે છે.” આવો વિચાર કરતાં તેને માણસનાં પાપો યાદ આવ્યાં, તેઓ હાથે કરીને કેમ દુઃખ વ્હોરી લે છે એ પણ તેને યાદ આવ્યું. તેને તેમની દયા ઉપજી, તે મનમાજ નિશ્ચય કરી ઉઠ્યો મારે અહીં નિરાંતે રહેવુ એ ખોટું છે. અજ્ઞાનીઓને સત્ય વાત સમજાવવા મારે બહાર જવું જોઇએ.” આવો નિશ્યચ થતાંની સાથે જ લુંટારાને પસાર થતાં દીઠો. તે સમજાવ્યો સમજતો નથી તેથી તેને કહેવા પ્રયત્ન કરવો વ્યર્થ છે એમ વિચાર કરે છે. એટલામાં વળી પેાતાના નિશ્ચયની વાત યાદ આવે છે. એટલે ઉઠી રસ્તો લુંટારાની સામે ગયો. લુંટારો ગમગીનીથી નીચી દષ્ટિએ ચાલતો હતો. શિવદયાળે તેને જોયો કે તેનું દીલ દયાથી પીગળી ગયું, તેની પાસે જઇ બોલ્યો "ભાઇ જાગીને જો. તારા દીલમાં ઇશ્વરનો વાસો છે. કપટરૂપી પડદાથી તે તારી દ્રષ્ટિએ નથી પડતો. એ કપટવડે તું દુઃખી થાય છે; બીજાને દુ:ખી કરે છે; અને હજી તું બહુ દુ:ખી થઇશ. પ્રભુની તારી ઉપર કેવી દયા છે ! ભાઈ, એનો અનાદર ન કર. તારૂં જીવન ઇશ્વર સન્મુખ કર. લુંટારો બાજુએ ફરી કરડું મોઢું કરી ચાલવા લાગ્યો. શિવદયાળે તેને ન છોડયો, તેને નમીને તે રડી પડયો.

લુંટારાએ પોતાની આંખ ઊંચી કરી, તે તેની સામે એક ટશે જોઈ રહ્યો, અંતે ઘેાડા ઉપરથી ઉતરી પડી શિવદયાળને પગે પડ્યો, અને બોલ્યો કે "વૃદ્ધ મહાત્મા, તમે મને જીતી લીધો છે, વીસ વરસ સુધી મેં તમારાથી ઝગડો કર્યો, પણ અંતે હું હાર્યો છું. હવે પછી જ્યારે પ્રથમ તમોએ મને ઉપદેશ કર્યો ત્યારે મને સમજણ આવવાને બદલે વધારે ગુસ્સો ચઢ્યો હતો. પણ જ્યારે તમે માણસોથી વેગળા જઈ એકાંતવાસ ધારણ કર્યો ત્યારે મારૂ મન પીગળ્યું, તમે નિષ્કામ છો એવી મારી ખાતરી થઇ. ત્યારથી મને તમારા શબ્દોની અસર થવા માંડી. તે દિવસથી ઝાડ ઉપર હું રોજ રોટલી બાંધું છું.

હવે શિવદયાળને યાદ આવ્યું કે “આરસી સાફ કરવા સારૂ પહેલું તે લ્હોવાનું લુગડું સાફ કરવું જોઈએ. જ્યારે તારૂં હ્ર્દય સાફ થયું ત્યારે બીજાઓના હૃદય પણ હું સાફ કરી શકું છું. જ્યારે મને મોતની બ્હીક ન રહી ત્યારે લુંટારાનું દિલ પીગળી ગયું. ચાક ઉપર ચઢાવવાના લોઢાના પાટા વાળવા સારૂ પ્રથમ તો એનું ચોકઠું મજબુત કરવું જોઇએ. જ્યારે મેં મારૂ દિલ પ્રભુમાં લગાવી મજબુત કરી દીધું ત્યારે લુંટારાનું તોફાની મન પણ શાંત થઇ ઠામ બેઠું.

લુંટારાએ કહ્યું: “જ્યારે તમને મારી દયા આવી અને મારી પાસે રડ્યા ત્યારે મારું મન ઇશ્વર ભણી વળ્યું ”

શિવદયાળનો ચહેરો આનંદથી પ્રફુલિત થઇ ગયો, અને લુંટારાને લઇને પેલા ઠુંઠા આગળ લઇ ગયો. જેવા તેઓ ત્યાં ગયા કે ત્રીજા ઠુંઠામાથાં પણ ફણગા ફુટેલ દીઠા. શિવદયાળે ફરી પેલા ભરવાડનો કિસ્સો યાદ કર્યો. જ્યારે તેમણે ભારે અગ્નિ સળગાવ્યો ત્યારે જ લીલાં લાકડાં સળગવા માંડ્યાં. જ્યારે મારું દિલ બીજાના દુઃખથી બળવા માંડ્યું ત્યારે બીજાને પણ તેની આંચ લાગી. “ આથી તે બહુજ રાજી થયો કેમકે હવે તેનાં પાપ બળીને ભસ્મ થઈ ગયાં હતાં.

પોતાની તમામ વિતેલી વાત શિવદયાળે પેલા લુંટારાને કહી, પેાતાને સત્યવાનનાં દર્શન થયાં એવી તેની ખાતરી થઇ, પોતાના બાપના શબ્દો યાદ આવ્યા કે “જે અત્યંત ભાગ્યશાળી હોય તેનેજ સત્યવાનનાં દર્શન થાય.” સત્યના પ્રતાપથી દેખીતા અસંભવિત બનાવો પણ બની શકે છે એવી તેની ખાતરી થઇ.

પ્રિય વાંચનાર ! આજના જમાનામાં પણ જે માણસ સત્યને અનુસરે તે એવા ચમત્કાર જોઇ શકે છે એ સંદેહરહિત છે.