લખાણ પર જાઓ

માણસાઈના દીવા/અંદર પડેલું તત્ત્વ/૨. દાજી મુસલમાન

વિકિસ્રોતમાંથી
←  ૧. ’કોણ ચોર ! કોણ શાહુકાર !’ની લીલાભૂમિ માણસાઈના દીવા
૨. દાજી મુસલમાન
ઝવેરચંદ મેઘાણી
૩. ઇચ્છાબા →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


૨. દાજી મુસલમાન

એવા એ લાક્ષણિક પ્રસંગની લીલાભૂમિ કણભામાં મારે એ ત્રણેયને નિહાળવા હતા : 'થતાં સું થઈ ગયું; પણ તમે આટલે સુધી જશો એવું ન'તું જાણ્યું, મહારાજ !' એમ કહીને ચોરી કબૂલનાર ગોકળને; ૫૦–૬૦ રૂપિયાનો પોતાનો માલ પાછો મળ્યા પછી ખજૂરના બે આના મોંએ ચડીને સૌની વચ્ચે માગતાં ન ખચકાનાર લવાણાને; અને એને ફિટકાર દેનાર મુસલમાન ખેડુ દાજીને. પહેલા બે તો પ્રભુને ઘેર ગયા છે. થોભિયાવાળા બુઢ્ઢા દાજીને, હાથમાં હુક્કા સહિત, જ્યાં મહારાજે ઉપવાસો કરેલા તે જ મંદિરે હરખભેર આવીને મહારાજના પગોમાં હાથ નાખતો ઓછો ઓછો થઈ જતો જોયો.

ગામ જુએ, માણસોને ભાળે, સ્થળો દેખે, ત્યારે મહારાજને આપોઆપ નવા પ્રસંગો યાદ આવે. પ્રસંગોનું લક્ષ્ય એક જ કે આ લોકોની અંદરનાં પ્રકૃતિ–પડોમાં કયું મંગળતત્ત્વ પડ્યું છે અને કયા તત્ત્વને કારણે પોતે આ લોકોના પ્રેમમાં પડી ગયા છે. દાખલા તરીકે : "અહીં એક જીવા જેસંગ નામે પાટણવાડિયો હતો. એણે ને આ દાજીએ એક પરદેશ વસતા બ્રાહ્મણનો જૂના વખતનો આંબો પચાવી પાડેલો. બ્રાહ્મણ માગે, પણ આપે નહિ; માલિકી જ પોતાની ઠોકી બેસારેલી ! પછી વાત મારી કને આવી. મેં આવીને પૂછ્યું : 'હેં જીવા, હેં દાજી, સાચું શું છે ?' થોડી વારે જીવો દાજીને કહે : 'અલ્યા દાજી ! આપણે તો સત્યાગ્રહમાં ભળેલા કહેવાઈએ : આપણાથી કંઈ જૂઠું બોલાય, હેં ?" દાજી કહે કે, 'નહિ જ તો ! ત્યારે, મહારાજ, જૂઠું તો સત્યાગ્રહીથી નહિ બોલાય : એ આંબો અમારો નહિ; એ તો એવા એ બામણનો છે !' પાછો સોંપી દીધો. નહિ કોઈ પાપ–પુણ્યની લાંબી પીંજણ, નહીં પ્રાયશ્ચિત્તનાં દંભી પ્રદર્શન : અંતરમાં ઊગ્યું તે સાચું."