માણસાઈના દીવા/અંદર પડેલું તત્ત્વ/૫. માણસાઈની કરુણતા

વિકિસ્રોતમાંથી
←  ૪. ગાંધીજીની સભ્યતા માણસાઈના દીવા
૫. માણસાઈની કરુણતા
ઝવેરચંદ મેઘાણી
કદરૂપી અને કુભારજા →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.



માણસાઈની કરુણતા

એ વિચાર કરું છું ત્યાં તો આ લોકોના બોથાલા વેશપોશાકની અંદર ઢંકાયેલ પડેલી એક કરુણતાભરી માણસાઈનો પરિચય આપતો એક કિસ્સો મહારાજે કહ્યો :

“આંહીં હું રહેતો હતો ત્યારની એક મોડી રાતે, આ નજીક જ દેખાય છે તે ફોજદારના મકાનને બારણે આવીને એક આદમીએ અવાજ દીધો : 'ફોજદાર સાહેબ !' ફોજદારે મેડા પરથી ડોકું કાઢી કહ્યું : 'કોણ છે ?' આવનાર કહે : 'ઉઘાડો.' 'કેમ ?' તો કહે : 'હું ખૂન કરીને આવ્યો છું, તો મને અહીં પકડવો છે કે હું બોરસદ જઈને રજુ થાઉં ?' ફોજદાર તો ચકિત બનીને નીચે ઊતર્યા. માણસને જોયો. તદ્દન શાંત અને પૂર્ણ શુદ્ધિમાં દીઠો. પૂછ્યું : 'તારું નામ ?' કહે કે, 'મહીજી.' 'કેવા છો ?' 'ગરાસિયા.' 'ક્યાં ખૂન કર્યું છે ને ક્યારે ?' 'હમણાં જ કરીને ચાલ્યો આવું છું. મારે ખેતરે જ કર્યું છે. ઓ પડ્યા ત્યાં એના કકડા.” ફોજદાર કહે કે, 'અલ્યા, તું શા સારુ ખૂન અત્યારથી જ માથે લઈ લે છે ? તને ફાંસી દેશે.” જવાબમાં મહીજીએ કહ્યું : 'મને ખબર છે. મેં ખૂન કર્યું ત્યારે પણ ખબર હતી. પણ ફાંસી તો સહેવાશે; ન સહેવાયું પેલું જે દીઠું તે—' 'શું દીઠું ?' કહે કે, 'દીઠાં—મારા જ ખાટલા પર, મારી જ પથારીમાં બે જણાંને સૂતેલાં : મારી બૈરીને, અને મેં જેના કકડા કર્યા છે તે આદમીને.”