લખાણ પર જાઓ

માણસાઈના દીવા/કોણ ચોર ! કોણ શાહુકાર !

વિકિસ્રોતમાંથી
← ’આપણી ન્યાતની ઇજ્જત’ માણસાઈના દીવા
કોણ ચોર ! કોણ શાહુકાર !
ઝવેરચંદ મેઘાણી
’મારાં સ્વજનો’ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.






કોણ ચોર ! કોણ શાહુકાર !


"મહારાજ !"

"હો."

"કશું જાણ્યું ?"

"શું ?"

"કણભા ગામે ચોરી થઈ : લવાણાના ઘીના ડબા ગયા." પરોઢિયે કઠાણા ગામમાં ઊઠતાં વાર જ એક જણે આવીને આ સમાચાર આપ્યા. એ ખબર જેને આપવામાં આવ્યા તે પોલીસ–થાણાના ફોજદાર નહોતા, પણ 'ગાંધીના ફોજદાર' રવિશંકર મહારાજ હતા.

'હા, ઓ ગોંધી ! એ નાના ગોંધી ! મોટા ગોંધી ચ્યોં હશે ?" આવાં આવાં લહેકાદાર સંબોધનથી ગામડાંના માનવી જેને લડાવતાં, તે રવિશંકર મહારાજને એ પરોઢે પોતાની દેખરેખવાળાં ગામડાં પૈકીના એક ગામ કણભામાં ચોરી થઈ તે સમાચારથી બહુ તો ન લાગ્યું; પણ તે પછી એ કહેવા આવનારે જે ઊમેરો કર્યો, તેથી દિલ વીંધાયું :

"ને લવાણે, તો થાણે જઈ ફરિયાદ કરી છે. અહીંથી ફોજદાર ગયો કણભે."

દિલ વીંધાયું, ચિંતા ઊપડી, ફાળ પડી : પોતાની ને લોકોની વચ્ચે થયેલો કરાર તૂટ્યો. બહારવટિયા બાબર દેવાની લૂંટફાટોના દંડરૂપે ગામડાં પર જે સરકારી 'હૈડિયાવેરો' પડ્યો હતો તેની સામેની લોક–લડત ફક્ત દોઢ જ મહિનામાં જિતાઈ ગયા પછી એ જિતાડવામાં મરદાઈનો પ્યાલો પાનાર આ 'ગાંધીનો ફોજદાર', આ 'નાના ગાંધી', જે દિવસે કાળુ ગામે લોકોને રામરામ કરીને પાછા પોતાને વતન પળતા હતા, તે દિવસે લોકોએ આડા ફરીને કહ્યું હતું કે, "નહિ જવા દઈએ." પોતે કહ્યું હતું કે, "હું ન રહી શકું." લોકોએ પૂછ્યું હતું કે, "શા સારુ ?" જવાબ મળેલો કે, "તમારે ને મારે હૈયા સરખો સંબંધ થયો; પ્રીત બંધાઈ, એટલે હવે તમારું દુઃખ મારાથી ન જોવાય."

"દુઃખ શાનું ?"

"તમે ચોરી કરો, દારૂ પીઓ; પોલીસ તમને પકડે, બાંધે, માર મારે, ગાળો દે : એ મારાથી ન જોવાય."

"તો ચોરી નહિ કરીએ, દારૂ નહિ પીએ; પણ તમને તો, નાના ગોંધી, નહિ જ જવા દઈએ !"

પછી ગામેગામ—કઠાણામાં, ખટલાશમાં ને સારોલામાં—લોકોને કહે મહારાજે જાહેરમાં દારૂ બાળ્યો હતો. ને એ દારૂના ભડકા ભોંયથી વેંત વેંતવા અદ્ધર બળ્યા હતા, તે પોતાને અત્યારે યાદ આવ્યા. એ ભડકાની સાથે બારૈયાઓએ ચોરી ન કરવાના સોગંદ લીધેલા અને એ ચોરી જેને ઘેર થાય તે આસામીએ પોલીસમાં ફરિયાદ ન કરવી એવો જે લોકસમસ્તે—વેપારીઓએ પણ—કરાર સ્વીકાર કરેલો હતો, તેનું આ પરોઢે તીવ્ર સ્મરણ થયું.

આ તો ફરિયાદ થઈ, એટલે અનેકને કેવળ શક પરથી જ ફોજદાર રંજાડશે, ગજવાં ખંખેરશે, ગાળો દેશે ને મારશે. સાચો ચોર કાં તો છટકી જશે—અને એ રીતે વધુ ગુનાઓ આચરતો થશે : અથવા સાચો દોષિત પકડાઈ જશે તો પણ સરકારી પદ્ધતિના બૂરા પ્રતાપે માનવતામાંથી ભ્રષ્ટ બની બેસશે. અને કોઈ નિર્દોષને જો પોલીસ સકંજામં લેશે, તો તો તેનું જીવન રસાતાળ જશે !

લોકોએ મહારાજને રોકી લીધા પછી ગુના નહોતા જ બનતા એમ નહિ; બનતા હતા. પણ એની તપાસ, ચોકસી, ધરપકડ, શિક્ષા, વળતર વગેરે બધું એક નોખી ઢબે થતું હતું. ભૂલ કરનાર કોઈ અનાડી બાળક જેવો ચોર પોતે જ આવીને માલ આપી જતો, શરમિંદો બની મોં સંતાડતો; મહારાજ એનું મોં આખરે ખોલાવતા, અને એને એની બૂરી લતમાંથી છોડાવતા. લત જ તો ! લત નહિ તો બીજું શું હતું આ ચોરી પાછળનું પ્રેરક તત્ત્વ ! બૈરીઓ આવીને ધણીઓ વિશે કહેતી કે , "મહારાજ !, આ તમારા સેવકને કંઈક કહો ને ! રાતે નિરાંતે સૂતા નથી ને જ્યાં–ત્યાં ચોરી કરવા પોગે છે." તો પુરુષ બૈરીની સમક્ષ જ મહારાજને રાવ કરતો કે, "પૂછોને એને : એવી એ જ મને મહેણા મારી ધકેલે છે !" જેવી બીડી–બજરની આદત, તેવી જ ચોરીની; તેથી કશું વિશેષ નહિ. હસમુખાં ને હેતાળવાં આ નરનારીઓ ! ભરાડી ગુનેગારો તો તેઓ સરકારી ગુના-તપાસની વિચિત્ર પદ્ધતિને પ્રતાપે જ બનતા. માટે જ ફરિયાદ ન કરવાનો કરાર એમણે લોકોનાં દિલ પર ઠસાવ્યો હતો; અને એવા વાજબી કારણસર જ પોલીસ ખાતાના કેટલાક નુકસાનીમાં આવી પડનાર માણસોને મહારાજની આ નવી પદ્ધતિ પ્રત્યે છૂપો, ઊંડો રોષ હતો. એ રોષને હવે મોકો મળશે !

માણસાઈના ઉપાસક માટે આ વિચાર વસમો થઈ પડ્યો. ફોજદાર કણભે પહોંચ્યો છે. એટલે પોતે જશે તો સારાવાટ નહિ રહે, એ વિચારે આખો દિવસ કઠાણામાં કાંતતા કાંતતા બેસી રહ્યા. પણ રાત પડી એટલે રહેવાયું નહિ. રાતના નવેક વાગે કણભે ચાલ્યા.

થોડે જતાં ઘોડે ચડેલા ફોજદાર સામે મળ્યા. એણે પૂછ્યું : "કાં, કણભે હીંડ્યાને, મહારાજ !"

"હા." શરમિંદો સ્વર વધુ ન નીકળ્યો.

"ઊભો રહો." ઘોડો થંભાવીને ફોજદારે દાઝ કાઢવાની તક ઝડપી : "આ બારૈયાઓને તમે બહુ વખાણો છો ના ! પણ સમજો, મે'રબાન, કે એ તો સોનાની ઝારી પણ ગૉંડ પિત્તળની ! ગમે તેવી તોય જાત ખોટી. અમે તો બધું જ સમજીએ. તમને પણ હવે સાચો અનુભવ મળી રે'શે !"

સોનાની ઝારી : બેઠક પિત્તળની ! કલેજું એ બોલથી ઉતરડાઈ ગયું. આડે દહાડે આ અમલદારોને ધમકાવી નાખનાર માણસ તે રાતે નિરુત્તર બન્યા હતા. બોલ્યા વિના જ એણે કણભે પહોંચી ધર્મશાળામાં વાસો કર્યો.

ગામમાં ખબર પડી. બેએક જણા મળવા આવ્યા. મહારાજે પોતે તો નિત્યની રસમ મુજબ મૌન ધર્યું. આવનારાઓની આડીઅવળી વાતો કાને અથડાયા કરી; પણ સમજણ પડે તેવો કોઈ તાંતણો હાથ લાગ્યો નહિ. આખરે એક જણ બોલ્યો :

"હવે મહારાજ, જીવ શા સારુ બાળ બાળ કરો છો ? ચોરી તો ગોકળિયે કરી છે."

મહારાજનું મોં ઊંચુ થયું. એમણે પૂછ્યું : "ક્યાં રે'છે ગોકળ ?"

"ખેતરમાં"

"વારુ."

સવારે ઊઠી, દાતણપાણી કરી પોતે એકલા ગોકળ બારૈયાના ખેતરમાં ગયા.

"આવો બાપજી ! મારે ખેતરે પગલાં કર્યા આજ તો !" ગોકળિયે પોતાની ઓઢવાની ગોદડી મહારાજને બેસવા પાથરી આપી.

બંને વચ્ચે સારી એવી વાર ચાલુ રહેલું મૌન આખરે ગોકળે તોડ્યું : " જોયું ને, મહારાજ ? અમારાં લોકોને તમે કેટલી મદત્યો કરી, સરકારની કનડગત ટાળી, કેવા રૂડા ઉપદેશ આલ્યા : તોય તમારું માન કોઈએ રાખ્યું ? અમારી જાત જ એવી નઠારી છે, હો બાપજી !"

સાંભળીને મહારાજ તો ચૂપ થઈ ગયા. ગોકળને તો કશું પૂછવાપણું બાકી જ ન રહ્યું. ઊઠ્યા, કહ્યું : "જાઉં છું ત્યારે."

"કંઈ જશો ?" ગોકળ એમને વળાવવા જતો જતો હોઠના ખૂણાને કાબૂમાં રાખતો પૂછતો હતો.

"ગામમાં"

"વારુ." કહેતો ગોકળ ખેતરના છીંડા સુધી મૂકવા ગયો. "પધારજો, બાપજી !" કહી પાછો વળ્યો. એના પેટમાં પાપનો છાંટો પણ હોવાની પ્રતીતિ થઈ નહિ. એનું નામ ખોટેખોટું લેવાયું હશે ! ગોકળ —આવો સાલસ ખેડુ ગોકળ બારૈયો— તો આ ચોરી કરનાર હોય નહિ !

ફરી પાછા ધર્મશાળાએ જઈ ને બેઠા. લોકો પણ ભરાયાં. જાતજાતની વાતો ચાલી. મહારાજ કોઈને કશું પૂછતા નથી, કશો બળાપો દાખવતા નથી; સૌનું બોલ્યું સાંભળ્યે જાય છે. રસોઈની વેળા થઈ. લોકો કહે : "મહારાજ રસોઈ કરો."

લોકોએ કે પોતે કરેલા દોષ માટે ઉપવાસ કરવાની તો આ બ્રાહ્મણને સમજણ નહોતી; અનશન એ એનું કામ લેવાનું સાધન નહોતું. પણ એને તો સ્વાભાવિક એક લાગણી હતી : "કેમ કરીને ખાઈશ ! પોલીસ આ લોકોને મારશે. અને મને ખાવું કેમ ભાવશે ? હું અહીંથી નાસી જાઉં !'

અંતર અતિશય અકળાઈ ઊઠ્યું. ખાવાની રુચિ રહી નહિ. કહી દીધું કે, "નહિ ખાઉં."

"કેમ ?"

"અહીં મારાથી શી રીતે ખવાય ?" એથી વિશેષ પોતે કશી સ્પષ્ટતા કરી શક્યા નહિ.

એક મુસલમાન ખેડૂત—દાજી એનું નામ—ઊભો થયો, ને સૌને સંબોધી બોલ્યો : "અલ્યા, તમારો બાપ અહીં આવ્યો છે ને ખાશે નહિ ? અલ્યા, મારો ધર્મશાળાને દરવાજે તાળું. એ નહિ ખાય ત્યાં સુધી આપણામાનો કોઈ પણ નહિ ખાઈ શકે !"

મહારાજે કહ્યું કે, "ના, હું ધર્મપૂર્વક ઉપવાસ કરું છું. તમારો ધર્મ ઉપવાસ કરવાનો નથી. તમે-તારે જાવ. "

બધાંને જમવા વળાવ્યાં તે પછી પણ લોકો આવી આવીને ગયાં. ચોરની ભાળ લાગી નહિ. રાત પડી, ભૂખ્યે પેટે મહારાજ ઓઢીને સૂતા. એકલા જ હતા.

અરધીક રાત થઈ હશે. ત્યારે સૂતેલ મહારાજના પગની આંગળી ઝાલીને કોઈ કે હલાવી. ઊઠીને નજર કરે તો એક આદમી પીઠવાળીને આઘે ઊભેલો નિહાળ્યો. એ કશું બોલતો નહોતો.

મહારાજ બેઠા થયા, એટલે આદમીએ આગળ ચાલવા માંડ્યું. એ નાસતો હતો. પણ આગળને આગળ જતો જતો એ જાણે કે એવું ઇચ્છતો હતો કે મહારાજ પોતાની પાછળ આવે.

મહારાજ પાછળ ચાલ્યા : પેલો આગળ ને પોતે પાછળ. ગામની ભાગોળ આવી. તે પછી એક ટેકરાળ ખેતર આવ્યું. આગળ ચાલતા આદમીએ એ પછી દોટ મૂકી : દૂર અંધકરમાં જાણે ઓગળી ગયો. એનો પિંડ તો દેખાતો નહોતો, પણ એક અવાજ આવ્યો :

"એ-એ-એ અંઈ છે !"

શું અંઈ છે ? ચોરાટ માલ ત્યાં હશે ? પણ ક્યાં ? 'અંઈ' એટલે ક્યાં ? અવાજ કઈ દિશેથી અવે છે ?

અંધારી રાતે, ટેકરાળ ખેતરમાં, એખરના (દારૂડીના) કાંટાળા છોડ ખૂંદતા, પગે ઉઝરડતા મહારાજ ચાલ્યા. માન્યું કે અવાજ આવ્યો તે દિશે જ પોતે જઈ રહ્યા છે. ખરેખર તો એ ઊલટી જ દિશા હતી. પેલા અંધારામાં ઓગળી ગયેલ માનવીએ બીજે ખેતરે પહોંચી જોયું કે, હાં બાપજી ભૂલા પડ્યા લાગે છે !

થોડી વારે કોઈક માનવી પાસે આવ્યું. માથે લાલ કપડું સાડાલારૂપે ઓઢ્યું હતું. પણ એ સ્ત્રી નહોતી; અવાજ મરદનો હતો : "ઇમ ચ્યોં ફાંફૉં મારો સો ? ઑમ આવો, ઑમ.'

આમ આવો ! પણ 'આમ' એટલે ક્યાં ? દિશા સૂઝ પડતી નહોતી.

ત્યાં તો ખખડાટ થયો : ડબાનો ખખડાટ ! સોનામહોરો કે રૂપિયાનો રણકાર કદીએ એટલો મીઠો નહોતો લાગ્યો જેટલા આ ટીનના ડબાનો ખખડાટ મીઠો લાગ્યો.

એ ડબાના ખખડાટને દોરે દોરે પોતે ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ માનવી નહોતું. બૈરાંનો વેશ કાઢીને મરદને અવાજે દોરવણી દેનાર એ માનવી ચાલ્યો ગયો હતો.

એ ડબા ત્યાં ખેતરમાં પડ્યા હતા. બેઉ ભરેલા હતા. દિનભરના ભૂખ્યા બ્રાહ્મણે એક ડબો માથે અને એક હાથમાં ઉઠાવ્યો. અંધારામાં અથડાતા એ ગામમાં સીધા પેલા લુહાણાને ઘેર ગયા; પૂછ્યું :

"આ તારાને ?"

અંદર તપાસ કરીને લુહાણે કહ્યું : "આ એક મારો; આ બીજો મારો નહિ. એકમાં ઘી છે : બીજામાં તેલ છે. મારા તો બંને ઘીના હતા."

પાછા મુકામે આવીને મહારાજ તો ખાટલામાં સુઈ ગયા. સવારે જાણ થતાં જ લોકો ટોળે વળી ધર્મશાળાએ ઊભાં રહ્યાં.

"ડબા જડ્યા ! ડબા જડ્યા ! હવે તો મહારાજ ખાશે !" લોક–લાગણી ગૂંજી ઊઠી.

મહરાજે કહ્યું : "ડબા જડ્યા—પણ ન જડ્યા જેવા; આ મને વધારે છેતર્યો !"

લોકો ડાચાં વકાસી રહ્યાં. ડબા સોંપનારે દગો કર્યો હતો; ઉપરાંત ચોર પોતે તો છતો થયો ન હતો. બીજે દહાડે પણ મહારાજ અન્નપાણીની આખડી રાખી રહ્યા. લોક બેસી રહ્યું.

સાંજનો સમો થયો. એક છોકરો આવ્યો; કહે કે, "બાપજી મારા બાપા બોલાવે છે."

"કોનો છોકરો છે ?" મહારાજે પૂછ્યું.

"એવા એ ગોકરનો સ્તો !" એક જણ બોલ્યો.

"જાવ, મહારાજ, જાવ !" બીજો બોલ્યો.

"હું–હું ! ઊઠો ઊઠો !" સૌ કહેવા લાગ્યાં.

મહારાજ ઊઠ્યા. પાછળ ટોળું ચાલ્યું, એ જોઈને પોતે કહે કે, "તો મારે નથી જવું. તમે સઘળાં શીદને ચાલી મળ્યાં છો ? મને એકલાને જવા દેવો હોય તો જવા દો."

ત્યાં તો સામે ઘેરથી ગોકળે ઓસરી ઉપર ઊંચા હાથ હલાવી સાદ દીધો ; 'ઓ મહારાજ ! જે આવે તેમને આવવા દોને ! મને શો વાંધો છે ! "

ઘેર આવેલા મહારાજને બેસારીને પછી નિરાંતે મોં મલકાવીને ઠવકાઈથી કહ્યું : "મહારાજ ! તમારા સેવકે ભૂલ કરી છે."

બાહ્ય કશો પરિતાપ ન દાખવતી ગોકળની સાદેસાદી વાણી સાંભળીને થોડી વેળા ચૂપ બનેલા મહારાજે પછી કહ્યું : "ના, ના, ગોકળ, તું તો ના કરું !"

"હવે, મહારાજ," ગોકળે કહ્યું : "થતાં થઈ ગયું ! હવે પડી મેલોને વાત !"

જાણે કોઈ બાળક બોલતું હતું.

"ત્યારે તું કેમ માન્યો ?"

"તમે આટલે સુધી જશો એવી કંઈ ખબર હતી મને ?"

મહારાજ હસવું ખાળીને, અંતરમાં હેતના ઉમળકા અનુભવતા બોલ્યા : "લવાણો તો બેમાંથી એક જ ડબો પોતાનો કહે છે."

"સાચું કહે છે," ગોકળે કહ્યું.

"તો મને ડબા ઉંચકાવ્યા શા સારુ ?"

"બીજો ઉપાય ન'તો."

"ચ્યમ ?"

"કાલે ફોજદાર આવેલો. મેં ચોરેલ છે એ એવો એ જાણી ગયેલો. મને એક–બે સોટીઓ મારી; રૂપિયા ચાલીસ માગ્યા. શું કરું ? બેમાંથી એક ડબો રાસ જઈ વેચ્યો, તેના રૂપિયા ત્રીસ મળ્યા. રૂપિયા દસ ઉછીના લઈ ચાલીસ પૂરા કરી ફોજદારને આલ્યા. બાકી રહ્યો તે ડબો વેચીને ઉછીવારાને આપવાનો હતો; પણ તમે, મહારાજ, આવું કરી બેઠા. એટલે ઘરમાં ભેંસનું પાંચ શેર ઘી હતું તે વેચીને તેલ લાવ્યો ને બીજો ડબો ભર્યો."

ગોકળનું મોં આ વર્ણન કરતી વેળા જરીક જરીક મલકતું હતું. એ પોતાનું કોઈ પાપ કે ગુનો પ્રકટ કરતો નહોતો; એ તો સ્વાભાવિક કોઈ આપવીતી વર્ણવતો હતો. જે કંઈ એને કર્યું હતું એમાં કશું જ નવી નવાઈનું નહોતું. એણે પોતાની ચોરી વર્ણવી, ફોજદારની દુષ્ટતા વર્ણવી, ચાલીસનો જોગ કેમ કર્યો તે વર્ણવ્યું ને ઘીને બદલે તેલનો ડબો ભર્યો તે વર્ણવ્યું; કારણકે, "તમે મહારાજ, આટલા સુધી જશો તેવું ધાર્યું ન'તું!"

મહારાજને બે દિન પૂર્વેની સાંજ રે રસ્તે મળેલો ફોજદાર યાદ આવ્યો. એ વખતે એના કલેજાની નજીકમાં નજીક રૂપિયા ચાલીસની રુશ્વત સંઘરેલ હશે; ને છતાં એના હોઠ ઉપર આ શબ્દો હતા : 'ગમે તેવી તોયે જાત ખોટી ! તમે વખાણો છો; પણ આ તો સોનાની ઝારી....'

ગોકળની વાતો સાંભળનારા હસી પડ્યા : કારણ કે ગુનો કરનારો કોણ—ગોકળ કે ફોજદાર—તે જ મીઠી સમસ્યા બની ગઈ. ન હસ્યા મહારાજ. એને તાગ લેવો હતો—માનવીના મનમાં બળતા આ દીવાની દિવેટ કયા તેલમાં બોળાઈ છે તે વાતનો. એમણે પૂછ્યું :

"પણ તેં ચોરી શા સારુ કરી ?"

"બર્યું, શું કહેવું !" ગોકળ શરમાતો હતો.

"તું એકલો હતો ?"

"ના, બે જણ હતા. આ મુલકમાં તમારા આવ્યા પહેલાં હું ન‘તો કરતો. પણ થતાં થઈ ગયું. એક રાતે અમે બે જણ તરાવે (તળાવે) બેઠેલા, આ લવાણો તાંથી નેકર્યો. દહેવાણ ગામ જમવા જાય. એવા એને ભારીને મારો સંગાથી કહેવા લાગ્યો કે, મારાં સારાને દા'ડે લૂંટવું, ને રાતે જમવા હેંડ્યો ! મારી સારી લવાણાની જાત્ય છે કંઈ ! એવા એ આપણને લૂંટે છે. તો આપણેય એમને લૂંટી લેવા જોઈએ. 'જઇશું ગોકર ?' મેં કહ્યું કે, બર્યું, હવે જવા દેને ! પેલો કહે કે, હવે હેંડ હેંડ. મેં કહ્યું કે, લે હેંડ તારે. ગયા એને હાટડે. તારું (તાળું) મચરડીને ઊઘેડી નૉછ્યું માંઈથી બે ડબા ઘીના લઈ લીધા.... પણ તમે આવું કરશો એ નતું જાણ્યું !"

મહારાજને મોંએ મલકાટ હતો, પણ હૃદયે રુદન થતું : હશે કોઈ બાળક પણ આવું નિષ્પાપ ! પણ નિષ્પાપપણું બસ નહોતું. માનવી બાળક બનીને સમાજમાં શે જીવી શકશે ? બાળકને બદમાશ બનાવી દેતી યંત્રમાળ પૂરજોશમાં ચાલી રહી છે.

"ત્યારે, ગોકળ," મહારાજે કહ્યું : "તું લવાણાના બાકીના માલની નુકશાની આલ."

"સારું ! જે કે'શો તે આલીશ."

"દશ રૂપિયા આલીશ."

"હોવે, એક મૈને મારી ભેંસનું ઘી વેચીને આલીશ."

"પણ તારા વતી કબૂલે કોણ ?"

ત્યાં બેઠેલા લોકો પૈકી બીજા કોઈની નહિ ને એક ફક્ત મુસલમાન વેપારી દાજીની છાતી ચાલી : "ગોકરના રૂપિયા દસ હું કબૂલું છું."

એટલું થયું ત્યાં ઘડી દા'ડો રહ્યો. મહારાજ લુહાણાને હાટડે ગયા, એને રૂપિયા દસની વાત કબૂલ કરાવી. પછી લોકો કહે : "હવે મહારાજ, ઊઠો : રસોઈ કરો."

મહારાજ કહે : " ના, ના; હવે તો દા'ડો આથમ્યો. વળી મને ભૂખ નથી."

"તો ફરાળ કરો : ખજૂરનું ફરાળ."

"સારું; લાવો કરું."

પણ ખજૂર લાવી ક્યાંથી ? "અલ્યા ગામમાં કોઈની કને ખજૂર છે ? તપાસ કરો."

એટલી બધી વાત થયા પછી જ ધીરે રહીને પેલો લુહાણો કહે કે, 'છે મારી પાસે."

મહારાજ :"વારુ ! અધશેર તોળ."

લોકો : "ના શેર તોળ.'

શેર ખજૂર તોળી એ લુહાણો પૂછે છે : " આ ચાર આના કોના નામે માંડું ?"

પ્રશ્ન સાંભળતાં જ લોકોને ઝાટકો વાગ્યા કરતાં વિશેષ લાગ્યું. સૌનાં મોં શ્યામ બન્યાં. મહારાજના મોં સામે મીટ માંડવાની કોઈને હામ ન રહી. મહારાજ ઘડીભર તો ચમકી ગયા; પણ પછી તરત એણે સમધારણ સાચવી લીધી. ફરી પાછો પેલો મુસલમાન દાજી બોલી ઊઠ્યો :

"ચાર આના ન હોય,—છ આના : માંડ મારે ખાતે ! ને હવે લેજે તારા દસ રૂપિયા, મારી સાસરી ! તારી બુનની હગની લેજે ! જોઈ–જોઈ તને."

મહારાજે લોકોના ગુસ્સાને વારી લીધો. લુહાણાને એક શબ્દ પણ ન કહ્યો. સૌ ઊઠ્યા. ધર્મશાળાએ આવતાં રસ્તે દાજી કહેતો હતો : "મહારાજ, આ લવાણા છે ને, તે આપણા પક્ષના નહિ, હો !—સરકારના પક્ષના. સરકારે જ એમને કહી મેલ્યું છે કે, 'તમતમારે લૂંટજો લોકોને. તમારાં નાણાં અમે ખોટાં નહિ થવા દઈએ. એટલા સારુ તો અમે કોરટો રાખી છે !' એમ લવાણા સરકાર–પક્ષમાં, આપણામાં નહિ. "

સૌ હસ્યા. મહારાજે પણ મોંનો આછો મલકાટ પુરાવ્યો.

પણ આ પ્રકરણ હજુ પૂરું નહોતું થયું. કઠાણાના ફોજદારને ખબર પડી. ચડી વાગવાનો એણે પોતાનો વારો સમજી લીધો. આવીને એ ખાલી ડબા કબજે લઈ ગયો; અને મહારાજને કહે કે, "ગુનેગારનું નામ આપો."

"નહિ આપું."

"ખબર છે—ગુનો થાય છે ?" બાપડાને એ એક જ મોપાટ આવડતી હતી : 'ગુનો થાય છે.'

"છો થતો." મહારાજે ઠંડે કલેજે જવાબ આપ્યો : "મેં એને અભય-વચન આપ્યું છે."

ફોજદારે મહારાજ પર કેસનાં કાગળિયાં કર્યાં. આ કાગળિયાં ખેડાના અંગ્રેજ પોલીસ–ઉપરી પાસે ગયાં. એણે ફોજદારને બોલાવીને ધમકાવ્યો :

"કોના ઉપર કેસ કરે છે તે તું જાણે છે ? જે લાંઘી લાંઘીને ગુના મનાવી રહેલ છે તેના પર કેસ ! ખબરદાર—જો આવા કેસ કર્યા છે તો !"