મામેરૂં/કડવું ૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કડવું ૫ મામેરૂં
કડવું ૬
પ્રેમાનંદ
૧૬૮૩
કડવું ૭ →કડવું ૬ ઠું.- રાગ સામેરી.

વડ સાસુ ઘણું ભારે માણસ, બોલ્યાં પરમ વચંન; વહુજી;
વડી વહુઅર તમે કાંઇ નવ જાણો, છે મહેતો વૈષ્ણ જંન. વહુજી.
જેને સ્નેહ શ્યામળિયા સાથે, તેને શાની ખોટ; વહુજી;
પહેરામણી મન ગમતી માગો, કરો નાગરી ગોઠ. વહુજી.
કુંવર બાઇને કાગળ આપ્યો, લખો લખાવું જેમ; વહુજી;
રુડો વેવાઇ આંગણે આવે, કોડ ન પહોંચે કેમ. વહુજી.
લખો પાંચ શેર કંકુ જોઇએ, શ્રીફળ લખો સેં સાત; વહુજી;
વીશ મણ વાંકડિયાં ફોફળ, મળશે મોટી નાત. વહુજી.
પાંચ વસ્ત્રના પંચવિશ વાઘા, ચાર ચોકડી તાસ; વહુજી;
લખો પછેડી પંદર કોડી, પટોળાં પચાસ. વહુજી.
સાઠેક મુગટા ને સોએક સણિયાં, ચીર લખો ચાલીસ; વહુજી;
ધોતિયાં તો બ્રાહ્મણને જોઇએ, તે લખો કોડી સાર. વહુજી.
બે કોડી જરકશીની સાડી, રેશમી કોડી બાર; વહુજી;
સાદી સાડિયો લખો ત્રણસેં, છાયલ લખો સેં ચાર. વહુજી.
ઘરસાડી લખો દશ વિશ કોડી, સોળ કોડી લખો ઘાટ; વહુજી;
છીંટ મોરવી ટુકડી સોએક, નવ કોડી લખો નાટ. વહુજી.
મશરુ ગજિયાણી દરિયાઈ, લખો થાન પંચાસ; વહુજી;
હજાર બારસેં લખો કાપડાં, લોક કરે બહુ આશ. વહુજી.
સોલસેં લખો શેલા સાળુ, તેલ પાનનો શો આંક; વહુજી;
આશરા પડતું મેં લખાવ્યું, બાપ તમારો રાંક. વહુજી.
તમને સોળ શણગાર ઘડાવે, બાપ લડાવે લાડ; વહુજી;
ઘટે જમાઈને સોનાનાં સાંકળાં, તેમાં અમને શો પાડ. વહુજી.
સહસ્ત્ર મહોર સોનાની રોકડી, કહેતાં પામું ક્ષોભ; વહુજી;
ઘરડાં અમે માટે ધર્મે લખાવ્યું, ન મળે ઝાઝો લોભ. વહુજી.
એ લખ્યાથી અદકું કરો તો, તમારા ઘરની લાજ; વહુજી;
તવ મુખ મરડી નણદી બોલી, સિદ્ધ થયાં સર્વ કાજ. વહુજી.
ભારે મોટા બે પહાણ લખોની, જે મહેતાથી અપાય; વહુજી;
ડોશી કહે શો શોર કરો છો, લખતાં તારું શું જાય. વહુજી.

વલણ.
શું જાય લખતાં તાહરું, વડ સાસુ વિકરાળ રે;
કાગળ આપ્યો હાથમાં, પડી પેટડિયામાં ફાળ રે.