મામેરૂં/કડવું ૭
← કડવું ૬ | મામેરૂં કડવું ૭ પ્રેમાનંદ ૧૬૮૩ |
કડવું ૮ → |
કડવું ૭મું. - રાગ મારુ.
ડાટ વાળ્યો રે, ડોસીએ ડાટ વાળ્યો રે;
વડ સાસુ વેરણ થઇ મારી, હરખ હોયાંનો ટાળ્યો રે. ડોસીએ.
મીઠાં વચની ને થોડા બોલી, હીંડે હરિગુણ ગાતી રે;
પરમારથી થઇ પત્ર લખાવ્યું, મનમાં મોટી કાતી. ડોસીએ.
કાગળ લઇ કુંવર બાઇ આવ્યાં, પિતા કેરે પાસે રે;
વડ સાસુએ વિપરીત લખાવ્યું, કહો હવે શું થાશે. ડોસીએ.
લખેશ્વરીથી ન પડે પૂરું, એવું માંહી લખાવ્યું રે;
સાધુ પિતાને મહા દુ:ખ દેવા, મુને સિંમત શાને આવ્યું. ડોસીએ.
સહસ્ત્ર મહોર સોનાની રોકડી, વસ્ત્રતણું નહીં લેખું રે;
તાતજી હું તમારી પાસે, કોડી એક ન દેખું. ડોસીએ.
પિતાજી તમો પાછા પધારો, અહિં રહે ઇજ્જત જાશે રે;
મહેતાજી કહે પુત્રી મારી, રહો તમે વિશ્વાસે;
ડોસીએ રુડું કીધુંરે, આપણું કારજ સિધ્યું રે. ડોસીએ.
શ્યામળિયો અવસર નહિ ભૂલે, તું કાં આંસુડાં પાડે રે;
દામોદર કાંઈ નથી દોહલો, નહિ કરજે કાઢે. ડોસીએ.
કુંવરબાઇ તમે ઘેર પધારો, આપણું એમાં શું જાશે રે;
જો મામેરું હરિ નહિ કરે તો, ઉપહાસ એનો થાશે. ડોસીએ.
પંચાળીનાં પટકુળ પૂર્યાં, નવસે ને નવાણું રે;
તે રીતે મામેરું કરશે, તું થાવા દેને વહાણું. ડોસીએ.
વિશ્વાસ હદેમાં રાખો તમો, છો વૈષ્ણવની બાળ રે;
આપણું એ પ્રતિપાલન કરશે, શ્યામળિયો ગોપાળ. ડોસીએ.
હૈડે હેત દીકરીને આવ્યું, સુણી તાતની વાણી રે;
કુંવર બાઈ ફરી મંદિર આવ્યાં, વિશ્વાસ ઉરમાં આણી. ડોસીએ.