મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : જેલનું કઠણ કામ

વિકિસ્રોતમાંથી
← અનુભવ બીજો : જેલનાં કપડાં મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : જેલનું કઠણ કામ
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : અનુભવ બીજો : ભરેલાં પગલાં વિષે ફરી વિચાર. તે માટે અંતરનો સંતોષ →


જેલનું કઠણ કામ.

સખત મજુરીવાળા કેદી પાસેથી સરકારને દરરોજ નવ કલાક કામ લેવાનો હક છે. કેદીઓને હંમેશાં છ વાગે કોટડીમાં પુરવામાં આવે છે. સવારના સાડા પાંચ વાગે ઉઠવાનો ઘંટ વાગે છે, અને છ વાગે કોટડીના દરવાજા ઉઘડે છે. કોટડીમાં પૂરતી વખતે અને કોટડીમાંથી કહાડતી વખતે કેદીઓની ગણત્રી કરવામાં આવે છે, તે ગણત્રી નિયમસર ને ઝપાટાબંધ થઇ શકે તેવા હેતુથી દરેક કેદીને પોતાની પથારીની પાસે ધ્યાનપૂર્વક ઉભા રહેવાનો હુકમ થાય છે. દરેક કેદીએ પોતાની પથારી સંકેલી, ઠેકાણે મૂકી, મોં ધોઈ છ વાગતાં પહેલાં તૈયાર થઇ રહેવું જોઇએ. અને સાત વાગે કામે ચઢવાનું થાય છે. કામ કરવાનું ઘણી જાતનું હોય છે. પહેલે દહાડે અમને સરીયામ રસ્તા પાસે ખુલી જમીન હતી તે વાવેતર સારૂ ખોદવા લઇ ગયા હતા. તેથી કામ ન થઇ શકે એવા હોય તેમને ફરજ ન હતી. અમને કાફરાઓની સાથે લઇ ગયા હતા. જમીન ઘણી કઠણ હતી તેથી કામ સખત હતું. તાપ ઘણો પડતો હતો. કામ કરવાની જગ્યા જેલથી લગભગ દોઢ માઇલ છેટી હોવી જોઇએ. બધા હિંદી કામ ઝપાટાબંધ કરવા લાગ્યા. પણ ટેવાએલા થોડા જ હતા, તેથી સહુને થાક ખૂબ લાગ્યો. આમાં બાબુ તાલેવંતસીંગના બાળક રવિકૄષ્ણ પણ હતા. તેને કામ કરતા જોઇ હું બહુ મુંઝાતો હતો. છતાં તેમની મહેનત જોઇ રાજી થતો હતો. જેમ દહાડો વધતો ગયો તેમ કામનો બોજો વધારે વધારે જણાયો. વોર્ડર (દરોગો) બહુ તીખો હતો. ચલાવો ચલાવો એવા પોકાર કરી રહ્યો હતો. તેમ તેમ હિંદી ગભરાતા હતા. કેટલાકને તો મેં રોતા પણ જોયા. એક જણનો પગ સૂઝેલો જોયો. આથી મારૂં દીલ રડતું હતું, છતાં હું સહુને કહેતો હતો કે દરોગાની દરકાર ન રાખતાં સૌએ સાચા દિલથી કામ કરવું. હું પોતે પણ થાક્યો. હાથમાં ફોલ્લા સખત પડ્યા; તેમાંથી પાણી ચાલ્યાં, વાંકું વળવું એ મુશ્કેલ લાગતું હતું, અને કોદાળીનો ભાર મણ જેટલો લાગતો જણાયો. હું તો ઇશ્વર પાસે માંગ્યા કરતો હતો કે મારી લાજ રાખે, મને અપંગ ન કરે, ને હું કામ બરાબર કરી શકું, એટલું મને જોર આપે. તેની ઉપર આધાર રાખીને કામ કર્યા કરતો. દરોગો મને ઘમકાવવા લાગ્યો. થાક લાગવાથી ઠપકો દેતો હતો. મેં તેને કહ્યું લોસવાની જરૂર નથી. મારાથી કાળજાકૂટ થાય તેટલું કામ હું કરીશ. આ વખતે મિ. ઝીણાભાઇ દેસાઇને મેં મૂર્છિત થતા જોયા. મારી જગ્યાએથી તો મારાથી ખસાય નહિ, એટલે હું જરા થોભ્યો. દરોગો ત્યાં ગયો. મેં જોયું કે મારે જવુંજ જોઇએ, તેથી હું દોડ્યો. બીજા પણ બે હિંદી આવ્યા. ઝીણાભાઇને પાણી છાંટ્યું, તેને શુધ્ધિ આવી. દરોગાએ બીજાને કામ ઉપર મોકલી દીધા. મને તેની પાસે બેસવા દીધો. ઝીણાભાઇને માથે ખૂબ ઠંડું પાણી રેડ્યું, પછી કંઇક આરામ થયો. દરોગાને કહ્યું કે તેનાથી ઘેર ચાલીને નહિ જવાય તેથી ગાડી મંગાવી ગાડીમાં તેને લઇ જવાનો મને હુકમ થયો. ઝીણાભાઇને માથે પાણી રેડતાં હું વિચાર કરવા લાગ્યો.