મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : પાયખાના સાફ કરવાનું કામ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અનુભવ બીજો : વાડીનું કામ મારો જેલનો અનુભવ
અનુભવ બીજોઃ પાયખાના સાફ કરવાનું કામ.
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : તે માટે હિંદુઓને અણગમો →


પાયખાના સાફ કરવાનું કામ..

આવા કામ ઉપરાંત દરેક કોટડીમાં પેસાબ વિગેરેની બકેટ હોય છે, તે કોટડીના માણસોને ઉપાડી જવાની ફરજ છે. મેં જોયું કે આવું કામ કરતાં આપણા માણસો અચકાય છે. ખરૂં જોતાં આમાં અચકાવાનું કાંઇ કારણ નથી. કામ કરવામાં નામોશી કે એબ માનવી એ ભૂલ ગણાય. વળી જેલમાં જનારને એવી ઇબારત પોસાય નહિ. હું જોતો કે કોટડીમાંથી પેસાબની બકેટ કોણ લઇ જશે એવો સવાલ કેટલીક વખતે ઉઠતો. આમ સવાલ ઉઠવાને બદલે જો આપણે સત્યાગ્રહની લડત પૂરી સમજતા હોઇએ તો તેવું કામ કરવામાં હરિફાઇ થવી જોઇએ. ને જેને ભાગે તે કામ કરવાનું આવે તેને માન સમજવું જોઇએ. એટલે કે સરકાર એવું કામ સોંપે તેમાં માન નહિ, પણ આપણે તે કામ કરવાનુંજ છે, તો પછી જે પહેલો તૈયાર થાય તે બેશક માનને લાયક છે. આપણે દુઃખ ઉઠાવવા તૈયાર થવું; ને જેના ઉપર વધારે પડે તેને માન માનવું જોઇએ. આવો દાખલો મિ. હસન મિરઝાએ બેસાડ્યો હતો. મિ. હસન મિરઝાને ફેફસાંનું ઘણું ખરાબ દરદ છે. પોતે નાજુક તબિયતના છે, છતાં તેણે હંમેશાં જે કામ તેને ભાગે આવ્યું, તે ખુશી થઇને ઉપાડ્યું. એટલું જ નહિ પણ પોતાની તબીયતની દરકાર ન કરી. એક વખત એક કાફર દરોગાએ તેમને વડા દરોગાનું પાયખાનું સાફ કરવાનું સોંપ્યું, તે કામ તેણે તરત ઉપાડી લીધું. કોઇ દિવસ નહિ કરેલું, તેથી તેને ઉલટી થઇ, પણ તેની તેણે દરકાર નહિ કરી. બીજું પાયખાનું સાફ કરતા હતા, તેવામાં હું જઇ ચઢ્યો ને મેં અચંબા સાથે તેમને કામ કરતા જોયા. મને તો તેમના તરફ અત્યંત વહાલ આવ્યું. પુછપરછ કરી એટલે પહેલા પાયખાનાની ખબર પડી. એક વખત તેક કાફર દરોગાને વડાએ હુકમ કર્યો હશે કે હિંદીને હિંદી પાયખાના ખસુસ રાખ્યાં હતાં તે સાફ કરવા બોલાવવા. આને સારૂ દરોગાએ મારી પાસે આવીને બે માણસ માગ્યા. મને લાગ્યું કે હું પોતેજ તે કામને સારૂ સરસ ગણાઉં તેથી હુંજ ગયો.