મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : વોકસર્સ્ટમાં પાછા

વિકિસ્રોતમાંથી
← અનુભવ બીજો : તે ઉપર વિચાર મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : વોકસર્સ્ટમાં પાછા
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : કેદખાનું કે છાવણી  →


વોકસર્સ્ટમાં પાછા.

ઉપર કહી ગયો તે પ્રમાણે મને ચોથી નવેંબરે વોક્સર્સ્ટ પાછો લઇ ગયા. તે વેળા પણ મારી સાથે એક દરોગો હતો. પોશાક કેદીનો હતો પણ આ વેળા મને ચલાવ્યો નહી. ગાડીમાં સ્ટેશને લઇ ગયા પણ બીજા વર્ગને બદલે ટીકીટ ત્રીજા વર્ગની હતી. મને રસ્તાને સારૂ અર્ધો રોટલો અને બુલીબીક આપ્યા. બુલીબીક લેવાની મેં ના પાડી. તે છોડી દીધું. રસ્તામાં બીજો ખોરાક લેવાની દરોગાએ પરવાનગી આપી. સ્ટેશન ઉપર જ્યારે ગયો ત્યારે કેટલાક હિંદી દરજી હતા. તેઓએ મને જોયો. વાત તો થાય નહિ. મારો પોશાક વિગેરે જોઇ તેમાનાં કોઇએ રોઇ દીધું. મને પોશાક વિગેરેથી કંઇ નહોતું લાગતું, એટલું કહેવાનો પણ અખત્યાર નહતો તેથી હું એ બધું જોઇ રહ્યો. અમને બેને એક અલગ ડબ્બો આપ્યો હતો તેની પાસેના ડબ્બામાં એક દરજી ઉતારૂ હતો તેણે પોતાના ખાવાનામાંથી મને થોડું આપ્યું. હેડલબર્ગ ઉપર મિ. સોમાભાઇ પટેલ મળ્યા. તેમણે સ્ટેશન ઉપરથી કંઇ ખાવાનું લઇને આપ્યું. જે બાઇની પાસેથી તેણે લીધું, તેણે પ્રથમ તો પોતાની લાગણી આપણી લડતમાં બતાવવાના ઇરાદાથી કંઇજ લેવાની ના પાડી. જ્યારે મિ. સોમાભાઇએ બહુજ આગ્રહ કર્યો ત્યારે તેણ નામની છ પેની લીધી. વળી મિ. સોમાભાઇએ સ્ટાંડર્ટન તાર કર્યો હતો. તેથી ત્યાં પણ કેટલાક હિંદી સ્ટેશન ઉપર આવ્યા હતા અને ખાવાનું લાવેલા. એટલે રસ્તામાં દરોગાએ તથા મેં પુષ્કળ ખાધું.

વોકસર્સ્ટ પહોંચતાં સ્ટેશન ઉપર મિ. નગદી તથા મિ. કાજી મળ્યા. તે બંને સાથે થોડે રસ્તે ચાલેલા. છેટે રહીને ચાલવાની તેમને રજા આપી હતી. સ્ટેશનથી મારો સામાન ઉપાડીને મારે વળી ચાલવું પડ્યું હતું. આ બાબતની ચર્ચા પણ છાપામાં પુષ્કળ થયેલી.

વોક્સર્સ્ટમાં હું પાછો પહોંચ્યો તેથી સહુ હિંદી ખુશી થયા. મને મિ. દાઉદ મહમદવાળી કોટડીમાં તે રાતે પૂરેલો એટલે મોડી રાત સુધી અમે એક બીજાના અનુભવની વાતો કરી.