મૂરખરાજ અને તેના બે ભાઈઓ /પ્રકરણ તેરમું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રકરણ બારમું મૂરખરાજ અને તેના બે ભાઈઓ
પ્રકરણ તેરમું
મોહનદાસ કરમચંદ ગાંધીપ્રકરણ તેરમું

સેતાન ભૂખે મરવા લાગ્યો એ વાત લોકોએ મૂર્ખાને કહી. મૂર્ખો બોલ્યો : "આપણે તેને ભૂખે ન મરવા દેવો. બધાએ એક એક દિવસ ખાવાનું આપવું. "

સેતાન નિરુપાય થયો. તેને ભીખ કબૂલ કરવી પડી. એક દહાડો તે મૂર્ખાને ઘેર વારા પ્રમાણે ખાવા આવ્યો. (મૂરખરાજને ત્યાં રાજા-રૈયત વચ્ચે આવી બાબતમાં ભેદ ન હતો.) મૂંગી ખાવાનું તૈયાર કરતી હતી. મૂંગી અનુભવી હતી. ઘણી વાર આળસુ લોકો કંઇ કામ કર્યા વિના વહેલા ખાઈ જતા. આથી મૂંગી અકળાયેલી. માણસના હાથ ઉપરથી તે જાણતી કે માણસો મહેનતુ છે કે આળસુ. જેના હાથ ઉપર કોદાળીનાં આંટણ ન પડ્યાં હોય તેને આળસુ માની, આંટણવાળા માણસો જમી રહે તે પછી આળસુ માણસોને તે ખાવાનું દેતી.

હવે મૂંગીએ સેતાનના હાથ જોયા. તે તો લીસા ને આંટણ વિનાના હતા. એટલે મૂંગીએ તેને ઇશારો કરી સમજાવ્યું કે તેને મજૂરો ખાઈ લેશે પછી ખાવાનું મળશે.

મૂંગીની માએ સેતાનને સમજ પાડી. સેતાન શરમાયો, ને નારાજ થઈને બોલ્યો : "તમારો કાયદો તો આંધળો લાગે છે. બધા માણસોએ અંગમહેનત કરવી જોઈએ એવું તો મેં તમારા રાજમાં જ જોયું. શું તમે એમ માનો છો કે અક્કલવાન માણસોએ પણ મજૂરી કરવી પડે?"

મૂરખરાજ બોલ્યો:"એ તો મને ખબર ન પડે. અહીં તો બધું કામ હાથે ને પગે થાય છે."

સેતાને કહ્યું : "માણસો અક્કલ વિનાના છે તેથીસ્તો. તોપણ મગજશકિતથી કેમ કામ કરવું એ હું તમને બધાને શીખવી શકું છું. પછી તમને માલૂમ પડશે કે હાથપગ વડે કામ કરવા કરતાં મગજ વડે કામ કરવું એ વધારે ફાયદાકારક છે."

મૂરખરાજ તાજુબી પામ્યો ને બોલ્યો : "ત્યારે તો હું મૂર્ખો કહેવાઉં છું એમાં ખોટું નહીં."

સેતાને પોતાનું ભાષણ જારી રાખ્યું : "પણ એટલું યાદ રાખવું કે મગજથી કામ કરવું એ સહેલ નથી. મારા હાથ ઉપર આંટણ નથી તેથી તમે લોકો મને આળસુ ગણી બીજાની પછી ખાવાનું આપો છો. તમે ખાતરીથી માનજો કે હાથથી કામ કરવા કરતાં મગજથી કામ કરવું એ સો ગણું મુશ્કેલ છે. કેટલીક વાર મગજ ચિરાઇ જાય છે."

મૂરખરાજ વિચારમાં પડ્યો ને બોલ્યો : "એમ છે તો એટલી તકલીફ શાને સારુ વેઠો છો ભાઈ ? માથું ચિરાય એ કંઇ ઠીક લાગતું હશે ? હાથપગ વતી સહેલું કામ કરવું એ ઠીક નહીં ?"

સેતાન બોલ્યો : "હું એટલી તકલીફ તમો લોકોને સારું ઉઠાવું છું. જો હું તેમ ન કરું તો તમે બધા સદાયના મૂર્ખા રહો. મૂરખને જ્ઞાન આપવું એ જ અમારા જેવા માણસોનું કામ છે. તેથી અમે પરમાર્થી કહેવાઇએ છીએ. મને મગજથી કામ કરતાં આવડે છે તે બધું તમને બધાને શીખવવા તૈયાર છું." મૂર્ખો વધારે વિચારમાં પડ્યો ને બોલ્યો : "ત્યારે તો, ભાઈ, અમને જરૂર શીખવ. અમારા હાથપગ થાકશે ત્યારે અમે મગજનો ઉપયોગ કરશું."

સેતાને શીખવવાનું વચન આપ્યું. મૂરખરાજે લોકોમાં જાણ કરી કે એક ગૃહસ્થ લોકોને મગજ વતી કામ કરતાં શીખવશે. જ્યારે તેઓના હાથપગ ભાંગે ત્યારે મગજ વાપરવું . ને મગજથી કામ વધારે થાય છે એમ એ ગૃહસ્થ કહે છે.

મૂરખરાજના ગામમાં એક ઊંચો મિનારો હતો. તેને ઊંચી ને સીધી સીડી હતી. તે મિનારા ઉપર સેતાનને મૂર્ખે મોકલ્યો કે જેથી બધા લોકો તેને જોઇ શકે, ને સાંભળી શકે.

સેતાન અગાસીએ ચડ્યો. લોકો તેને જોવા ને સાંભળવા આવ્યા. લોકોના મનમાં તો એમ હતું કે હાથને બદલે મગજ કેમ વાપરવું તે કંઇક કળા કરી સેતાન શીખવશે. તેને બદલે સેતાને તો ભાષણ શરૂ કર્યું , ને લોકો અંગમહેનત કર્યા વગર કેમ નભી શકે એ બોલવા લાગ્યો. લોકો તો આ બધું ન સમજ્યા. થાકીને પોતપોતાને કામે ચડ્યા.

સેતાન તો બરાડા પાડ્યા જ કરે. આવતા જતા લોકો સાંભળે, ઊંચે જુએ ને ન સમજે એટલે ચાલતા થાય. અગાસી ઉપર ખાવાનું હતું નહીં. સહુના મનમાં હતું કે મગજથી કામ કરી સેતાન પોતાના ખાવાનો બંદોબસ્ત કરતો હશે, એટલે કોઇ ને ખાવાનું પહોંચાડવાનું ન સૂઝયું.

મૂરખરાજે પુછાવ્યું : "કેમ, પેલા ગૃહસ્થે મગજ વતી કામ કરતાં શીખવ્યું કે ?"

લોકો બોલ્યા : "ના જી, એ તો બોલ બોલ કર્યા કરે છે."

બોલતો બોલતો સેતાન થાક્યો. ભૂખથી નબળો પડ્યો. તે લથડ્યો, અગાસીની દીવાલ સામે તેનું માથું પછડાયું. આથી લોકોને લાગ્યું કે ગૃહસ્થે મગજથી કામ કરવાનું શરૂ કર્યું. મૂરખરાજને ખબર મળી કે ગૃહસ્થ હવે મગજ વતી કામ કરવાનું બતાવવા લાગ્યો છે.

આ સાંભળી મૂરખ મિનારા પાસે આવ્યો. મૂરખ પહોંચ્યો ત્યારે તો સેતાન તદ્‌ન લેવાઇ રહ્યો હતો. તેથી તેનું માથું પછડાયા જ કરતું હતું. તે ઊતરવા ગયો પણ પગમાં જોર નહીં તેથી તે પગથિયે પગથિયે માથું પછોડ્યો નીચે પડ્યો.

મૂરખ બોલ્યો :"ગૃહસ્થ કહેતો હતો એ વાત તો ખરી. તે કહેતો હતો કે કેટલીક વાર મગજ વતી કામ કરતાં તે ચિરાઈ જાય છે. આ તો હાથમાં આંટણ પડે તેના કરતાં પણ ખરાબ કહેવાય. આવી રીતે કામ કરતાં તો માથા ઉપર મોટાં ઢીમણાં ઊઠશે."

મૂરખ તેની પાસે જ‌ઈ તેણે કેટલું કામ કર્યું તે તપાસવા જતો હતો. પણ સેતાન જેવો નીચે પડ્યો કે તુરત ધરતીમાં સમાઈ ગયો ને માત્ર તે જગાએ ખાડો જોવામાં આવ્યો.

મૂરખરાજ હવે સમજ્યો કે સેતાના પડ્યો તે કંઇ કરતાં નહીં, પણ તમરી ખાવાથી પછડાયો. તે બોલ્યો : "આ તો પેલા ગુલામ આવેલા તેનો બાપ જણાય છે."

આમ સેતાનનું મૂર્ખાની પાસે બળ ન ચાલ્યું. મૂરખરાજના રાજ્યમાં તો ઘણા સારા માણસો એકઠા થવા લાગ્યા. તેના બંને ભાઈ તેને શરણ આવ્યા. તેઓ મૂર્ખાની સાદી પણ ભવ્ય રહેણીનું રહસ્ય સમજ્યા. તેઓએ પણ તેવી સાદાઇ પકડી. તે સહુ નીતિધર્મ સાચવી, સત્યનું સેવન કરી, અંગમહેનત કરી, સુખેથી કાળ ગુજારવા લાગ્યા.