મૂરખરાજ અને તેના બે ભાઈઓ /પ્રકરણ બારમું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રકરણ અગિયારમું મૂરખરાજ અને તેના બે ભાઈઓ
પ્રકરણ બારમું
મોહનદાસ કરમચંદ ગાંધી
પ્રકરણ તેરમું →પ્રકરણ બારમું

આમ સેતાન નાસીપાસ થયો. તેનું સેનાપતિપણું મૂરખરાજની રૈયત આગળ કામ ન આવ્યું, એટલે હવે ભાઇબંધ નાણાવટી બન્યો. તેણે મૂર્ખાના રાજમાં નાણાવટીની દુકાન કાઢી. નાણાંથી મૂરખરાજને અને તેની રૈયતને ભમાવવાની તેણે આશા બાંધી.

સેતાન મૂરખરાજ કને જઇ બોલ્યો : "આપનું ભલું કરવા મારી ઉમેદ છે. હું આપની રૈયતને ડહાપણ શીખવવા માગું છું. એક કોઠી હું આપના રાજ્યમાં રહી સ્થાપવા ઇચ્છું છું."

મૂરખરાજે જવાબ આપ્યો : "મારા રાજમાં સુખેથી રહો, ને જે કંઇ ઠીક હોય તે કરો."

બીજે દહાડે સેતાને ચૌટામાં જઇ માણસોને એકઠા કર્યા. તેની પાસે મહોરોની થેલી હતી. તે બોલ્યો, "તમે લોકો ઢોરની માફક રહેતા જણાઓ છો. માણસને છાજે તેમ રહેતાં તમને બતાવું. એ પ્રમાણે ઘર બાંધવામાં મને મદદ કરો. મારી દેખરેખ નીચે તમારે કામ કરવું ને હું તમને મહેનતાણા બદલ સોનાની મહોરો આપીશ."

આટલું કહી તેણે મહોરો બતાવી.

મહોરો જોઇ લોકો અચંબો પામ્યા. તેઓમાં નાણાંનું ચલણ ન હતું. તેઓ એકબીજાની સાથે માલનું સાટું કરતા. ખેડૂતો દાણાઓથી કાપડિયા પાસેથી કાપડ લે, મજૂર જોઇએ તો દાણો લઇ મજૂરી લે. "આ કેવાં ચકચકિત ચકતાં છે" એમ કહી તેઓ હસવા લાગ્યા.

લોકોની આંખને ગમ્યાં તેથી તેઓ તો વગર વિચાર્યે પોતાનો માલ સેતાનને આપી મહોરો એકઠી કરવા લાગ્યા. સેતાન રાજી થયો. તેણે વિચાર્યું : "હવે મને લાગ ફાવ્યો છે. લોકોનો બધો માલ લઇ શકીશ ને તેઓને પાયમાલ કરી શકીશ."

પણ સેતાનની ગણતરી ખોટી પડી. લોકો કંઇ નાણું સમજીને મહોરો નહોતા લેતા. તેઓને મન તો સિક્કા તે રમકડાં હતાં. તે બધી મહોરો પોતાનાં છોકરાંછૈયાને આપી દેતા હતા. જ્યારે સિક્કાની છત થઇ એટલે લોકો તે લેતા બંધ પડી ગયા.

દરમ્યાન સેતાનનો મહેલ પૂરો ચણાયો ન હતો. તેના કોઠારમાં તેને જોઇતો હતો એટલો દાણો પણ એકઠો નહોતો થયો. એટલે તેણે મજૂર વગેરેને બમણા સિક્કા આપવાનું કહ્યું.

મજૂરો કે ખેડૂત શાના આવે ? તેઓને સેતાનની મજૂરી પેટને ખાતર કર્યાની હાજત ન હતી. કોઇ વેળા છોકરાંઓ સેતાનની પાસે પહોંચી જાય ને થોડાં બોર આપી સિક્કા રમવા સારુ લઇ આવે. બોરથી કંઇ સેતાનનું પેટ ન ભરાય. એટલે સેતાનને તો છતે નાણે ખાવાના સાંસા પડવા લાગ્યા.

તે ઠેકાણે ઠેકાણે ભમવા લાગ્યો, ને તેણે મહોરો આપી ખાવાનું માગ્યું. સહુએ કહ્યું કે તેઓની પાસે રમકડાં પુષ્કળ હતાં, એટલે ન જોઇએ. એક ખેડૂતને ત્યાં જ્યાં તેને નીચેનો જવાબ મળ્યો: "ભાઇ, મારે તારી મહોરો તો ન જોઇએ, પણ જો તું ભૂખ્યો હોય તો ઇશ્વર પ્રીત્યર્થે તને ખાવાનું આપીએ."

ઇશ્વરનું નામ સાંભળતાં જ સેતાન નાઠો. ઇશ્વરનું નામ જ્યાં લેવાય ત્યાં સેતાન ઉભો પણ શાનો રહે? તો પછી ઇશ્વરને નામે કંઇ તે ખાવાનું લે?

સેતાન હવે મૂંઝાયો. પૈસા સિવાય બીજું તો તેની કને હોય શું ? કામનું તો નામ નહીં, જો મજૂરી કરીને પેટ ભરે એવી સ્થિતિ હોય તો પછી સેતાન કેમ ગણાય? હવે તે ગુસ્સે થયો ને બોલી ઊઠ્યો : "તમે લોકો જાનવરથી પણ ખરાબ છો. અક્કલના તો બારદાન લાગો છો. પૈસાથી આખું જગત લેવાય પણ તમને ગમે તેટલા પૈસા આપું છતાં અસર નથી."

લોકો બોલ્યા : અમે તારા પૈસાને શું કરીએ ? અમારે કરવેરા નથી ભરવા પડતા.

આમ સેતાન અનાજ વગર ભૂખે દિવસ ગુજારવા લાગ્યો.