મૂરખરાજ અને તેના બે ભાઈઓ /પ્રકરણ પહેલું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રસ્તાવના મૂરખરાજ અને તેના બે ભાઈઓ
પ્રકરણ પહેલું
મોહનદાસ કરમચંદ ગાંધી
પ્રકરણ બીજું →પ્રકરણ પહેલું


એક સમયે કોઈ એક દેશમાં એક પૈસાદાર ખેડૂત રહેતો હતો. તેને ત્રણ દીકરા હતા. તેમાંના એકનું નામ મૂરખરાજ, બીજાનું નામ ધન્વંતરિ અને તીજાનું નામ સમશેરબહાદુર હતું. તેને મોંઘી કરીને એક દીકરી હતી. તે બહેરી ને મૂંગી હતી. બાઈ મોંઘી હંમેશા કુંવારી રહી હતી. સમશેરબહાદૂર લડાઈઓમાં તે દેશના રાજાની ચાકરી કરવા જતો; ધન્વંતરિ વેપારમાં ગૂંથાયેલો, અને મૂરખરાજ પોતાની બહેનની પેઠે ઘેર જ રહ્યો. તે ખેતરમાં કામ કરતો અને કામમાં તેની પીઠ પણ વળી ગયેલી હતી.

સમશેરબહાદુર લડાઈમાં એક્કો હોવાથી, દરજ્જામાં ચડ્યો, અને તેણે પૈસો પણ ઠીક એકઠો કર્યો. તે એક મોટા ગૃહસ્થની છોકરીને પરણ્યો. જોકે તેનો પગાર મોટો હતો, અને તેણે જાગીરો પણ ઠીક લીધેલી હતી, છતાં ઉધાર પાસ હંમેશાં વધી જતી હતી. ધણી જે કમાતો તેના કરતાં તેની ઓરત વધારે પૈસા ઉડાવતી, તેથી હંમેશાં આ કુટુંબને પૈસાની ભીડ રહેતી. આમ થવાથી સમશેરબહાદુર પોતાની જાગીરની આવક ઉઘરાવવા નીકળ્યો, ત્યારે તેના વહીવટદારે જવાબ દીધો : " ભાઈસાહેબ, આપણને આવક જોગું કંઈ રહ્યું નથી. આપણને નથી ઢોર, નથી હથિયાર, નથી ઘોડા કે ગાય; હળ સરખુંયે નથી. જો આ બધું અપાવો તો આપણને આવક થાય ખરી."

આ સાંભળી સમશેરબહાદુર પોતાના બાપની પાસે ગયો અને કહ્યું : "બાપા, તમારી પાસે ધન ઠીક છે. મને તેનો લાભ હજી સુધી મળ્યો નથી. તેમાંથી ત્રીજો હિસ્સો મને મળે તો હું મારી જાગીરમાં સુધારો કરું."

ડોસો બોલ્યો, "તું કરમી દીકરો જણાય છે. મારા ઘરમાં તો એક ફૂટી બદામે નથી લાવ્યો, તો પછી તારો ભાગ તને શાને મળે ? તું એટલો વિચાર પણ નથી કરતો કે તને હું કાંઈ આપું તો પેલા મૂર્ખાને અને મોંઘીને અન્યાય થાય."

સમશેરબહાદુર બોલ્યો, "બાપા, તમે એમ શું કહો છો? મૂર્ખો તો નામ તેવા ગુણ ધરાવે છે, અને મોંઘી તો કુંવારી ને કુંવારી ! હવે બહુ મોટી થવા આવી. વળી બહેરી ને મૂંગી ! આ બેને કેટલાક પૈસા જોઈશે?"

બાપ બોલ્યો, " ઠીક છે ત્યારે, આપણે મૂર્ખાને પૂછીએ." પૂછપરછ થતાં મૂરખરાજ બોલ્યો : " સમશેરબહાદુર ઠીક કહે છે. ભલે એને હિસ્સો આપો." એટલે સમશેરબહાદુર બાપની મિલકતમાંથી પોતાનો હિસ્સો લઈ ગયો, અને પાછી બાદશાહની નોકરી શરૂ કરી."

ધન્વંતરિએ પણ વેપાર તો ઠીક જમાવેલો પણ તેને વહુ મળેલી તે મોંઘી પડી. એક કોરથી ધન્વંતરિ કમાય અને બીજી તરફથી તેની વહુ મોજશોખમાં અને વટવહેવારમાં કમાણી કરતાં વધારે વાપરે; તેથી ધન્વંતરિ પણ તેના બાપની પાસે ગયો અને સમશેરબહાદુરની જેમ પોતાના હિસ્સાની માગણી કરી.

બુઢ્ઢાએ જવાબ આપ્યો : "દીકરા, તું ઘરમાં તો કાંઈ લાવ્યો નથી. તારા ભાઈ મૂર્ખાએ મહેનત કરીને તેનો બરડોય ભાંગી નાખ્યો છે. તને આપીને હું મૂર્ખાને અને મોંઘીને કેમ ગેરઇન્સાફ આપું?"

ધન્વંતરિ બોલ્યો : "મૂર્ખો તો ખરેખર મૂર્ખો જ છે. તે તો પરણવાનો ય નથી. તેને કોણ છોકરી આપશે? અને મોંઘીને તો ખાવું પીવું મળ્યું એટલે વાહ વાહ." પછી પોતાના ભાઈ તરફ જોઈને ધન્વંતરિ બોલ્યો: "મૂર્ખા, મને દાણામાંથી અરધોઅરધ નહીં આપે? હળ વગેરે હું માગતો નથી, અને જાનવરોમાંથી માત્ર પેલો કાબરો ઘોડો આપે એટલે થયું. તેને તું હળમાં તો નાખી શકે એમ નથી."

મૂર્ખાએ હસીને જવાબ દીધો : "ભલે ભાઈ, તું એમ રાજી થતો હોય, તો લઈ જા. હું વળી તેના બદલામાં વધારે મહેનત કરી લઈશ."

આમ ધન્વંતરિ પણ ભાગ લઈ ગયો. મૂરખરાજ ખેતરમાં પુષ્કળ કામ કરતો. બહેરી બહેન બને એટલી મદદ કરતી. બાપ અને મા તો ઘરડાં થયા હતાં, એટલે ખરું જોતાં ધન્વંતરિ અને સમશેરબહાદુરને આપવા જેટલું ઘરમાં રહેલ ન હતું. હવે તો મૂરખરાજની પાસે તો એક ઘરડી ઘોડી રહી. તેની પાસેથી લેવાય એટલું કામ લઈને આખો દહાડો ખેતરમાં મચ્યો રહેતો અને જેમ તેમ કરી માબાપનું, બહેનનું અને પોતાનું ભરણપોષણ કરતો.