લખાણ પર જાઓ

મૂરખરાજ અને તેના બે ભાઈઓ /પ્રકરણ બીજું

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ પહેલું મૂરખરાજ અને તેના બે ભાઈઓ
પ્રકરણ બીજું
મોહનદાસ કરમચંદ ગાંધી
પ્રકરણ ત્રીજું →



પ્રકરણ બીજું

ભાગ પડ્યા અને ભાઈઓ ન લડ્યા, એ સેતાનાને બહુ વસમું લાગ્યું, તેણે તેના ત્રણ ગુલામોને બોલાવ્યા અને બોલ્યો : " પેલા ગામમાં મૂર્ખો ને તેના બે ભાઈઓ વસે છે. દુનિયાના સાધારણ રિવાજ પ્રમાણે તો તેઓએ ભાગલા પાડતાં લડવું જોઈતું હતું. તેને બદલે તેઓ સંપીને રહે છે. આનું કારણ પેલા મૂર્ખાની મૂર્ખાઈ સિવાય બીજું કાંઈ નથી. તેણે આપણું કામ બગાડ્યું છે. હવે તમે ત્રણ જણા એ ત્રણ ભાઈની પાસે જાઓ અને તેઓને એકબીજાની સામે એવા ચડાવજો કે તેઓની વચ્ચે લોહીની નદી ચાલે ત્યાં લગી લડે. બોલો, આ કામ તમારાથી બનશે કે નહીં?"

તેઓ બોલ્યા : " હા સાહેબ, કેમ નહીં બને  ?"

સેતાને પૂછ્યું : " કહો, તમે કેમ શરૂઆત કરશો ?"

ગુલામોએ જવાબ આપ્યો : " એ તો સહેલ છે. પ્રથમ તો અમે તેઓને પાયમાલ કરીશું, અને જ્યારે એકએકના ઘરમાં સૂકી રોટલીનો ટુકડો સરખો પણ નહીં હોય, એટલે તેઓ ભેગા થાય એમ યુક્તિ કરીશું. કહો, પછી કેમ તેઓ અરસપરસ વેર વિના રહી શકવાના?"

સેતાન બોલ્યો : "શાબાશ, તમે તમારું કામ બરાબર સમજતા જણાઓ છો. હવે જાઓ, અને તેઓના કાન બરોબર ભંભેર્યા વિના હરગિજ પાછા ન ફરશો. અને જો આવ્યા તો જીવતાં તમારી ચામડી ઉખેડીશ."

પછી ત્રણે ગુલામો નીકળી પડ્યાં, અને કોણે ક્યાં જવું, એ વિચારવા લાગ્યા. વાત કરતાં રવદ વધી; દરેકને સહેલમાં સહેલું કામ જોઈતું હતું. છેવટે તેઓએ ચિઠ્ઠી નાખી, અને જેને ભાગે જે ભાઈ આવ્યો તેને ભંભેરવા તે તે ગુલામ ચાલી નીકળ્યો. વળી તેઓએ એવો પણ ઠરાવ કર્યો કે જેનું કામ વહેલું ફતેહમંદ નીવડે તેણે બીજાઓની મદદે જવું, અને વખતો વખત અમુક જગ્યાએ મસલત કરવા એકઠા થવાનો પણ ઠરાવ કર્યો. કેટલોક વખત વીત્યા પછી નીમેલ જગ્યાએ ત્રણે ગુલામો એકઠા થયા. નીમેલી જગ્યા તે સ્મશાન પાસેનો પીપળો હતો.

પહેલા ગુલામે કહ્યું : "સમશેરબહાદુરની પાસે હું તો ઠીક ફાવ્યો છું તે એના બાપને ત્યાં આવતી કાલે જશે."

તેના ગોઠિયાઓએ પૂછ્યું : " એ તું કેમ કરી શક્યો?"

પહેલા ગુલામે જવાબ દીધો  : "મેં સમશેરબહાદુરને એટલો ચડાવ્યો કે તેણે આખી દુનિયા જીતી લેવાનું બીડું બાદશાહ આગળ ઝડપ્યું. આ ઉપરથી બાદશાહે સમશેરબહાદુરને ઉત્તરનો મુલક જીતવાનું ફરમાવ્યું. સમશેરબહાદુર રણે ચડ્યો. પહેલી જ રાત્રે તેના દારૂમાં મેં ભેજ મેળવ્યો અને ઉત્તરના રાજાને તો ખૂબ લડવૈયા બનાવી આપ્યા. લશ્કર જોતાં જ સમશેરના લડવૈયા બીધા. સમશેરે તોપ ચલાવવા હુકમ કર્યો. પણ તોપ શાની ચાલે ? દારૂમાં તો બંદાએ પુષ્કળ ભેજ નાખેલો. સમશેરના સિપાઈ ઘેટાની માફક નાઠા, અને ઉત્તરના રાજાએ તેઓની પાછળ પડી કતલ ચલાવી. સમશેરની નામોશી થઈ. તેની જાગીર બધી છીનવી લીધી છે, અને આવતી કાલે તેને તોપે ચડાવવાનો હુકમ છે. હવે મારે એને એક જ દહાડાનું કામ રહ્યું છે. તેને હું કેદખાનામાંથી ભગાડી મૂકીશ, એટલે તે તેના બાપને ત્યાં દોડી જશે. આવતી કાલે હું છૂટો થઈશ. એટલે જેને મદદ જોઈએ તે માગજો."

પછી બીજો ગુલમ બોલ્યો : " ધન્વંતરિ મારા દાવમાં ઠીક આવી ગયો છે. મારે કોઈની મદદ નહીં ખપે. ધનભાઈથી અઠવાડિયું થોભાય તેમ લાગતું નથી. પહેલાં તો મેં યુક્તિ કરી કે તે ખાઈપીને ખૂબ હૃષ્ટપૃષ્ટ થાય, અને લોભિયો પણ ખૂબ બને. તેનો લોભ તો એવો વધ્યો કે બધી વસ્તુ પોતાની કરી લેવાનું તેને મન થયું. અખૂટ માલ પોતાની વખારમાં ભરવામાં પોતાનો પૈસો તેણે પાણીની જેમ રેડ્યો છે. હજુય તે ભરતો જાય છે. હવે તો તેને પૈસા ઉછીના લેવા પડે છે. તેનું કરજ તો તેની ઉપર સર્પનો ભારો થઈ પડ્યું છે. તેમાંથી છૂટવાની તે આશા જ ન રાખે. એક અઠવાડીયામાં તેને હૂંડીઓ ભરવી પડશે. તેનો બધો માલ હું સડાવી મૂકીશ. પછી તો તેના બાપને ત્યાં ગયે જ છૂટકો છે."

હવે બંને જણે મૂર્ખાવાળા ગુલામને પૂછ્યું : " કેમ ભાઈબંધ, તારું કામ કેમ ચાલે છે?"

ત્રીજાએ જવાબ દીધો : " મારા કામનું ન પૂછો. હું તો મૂઓ પડ્યો છું. પહેલાં તો મેં મૂર્ખાની છાશને એવો કાટ ચડાવ્યો કે, તે પીતાં જ પેટમાં સખત દરદ થાય. પછી તેની જમીન સૂકવીને પથરા જેવી કઠણ કરી નાખી, જેથી કોદાળીના ઘા કરતાં તેના હાથ પણ ખડી જાય. આટલું કર્યા પછી મારે ઉમેદ એવી હતી કે મૂર્ખો ખેડી નહીં શકે. પણ તેણે તો ખેડવાનું અને ચાસ પાડવાનું છોડ્યું જ નહીં. પેટમાં ઘણુંયે દરદ થાય, છતાં મૂર્ખો હળ છોડે જ નહીં. એટલે મેં તેનું હળ ભાંગ્યું, મૂર્ખો તો ઘેર દોડી ગયો, બીજું હળ લાવ્યો અને વળી ખેડ શરૂ કરી. એટાલે હું જમીન નીચે પેઠો, હળના દાંતા ઝાલ્યા. મૂર્ખાએ તો દાંત કચડીને, વાંકા વાળીને એટલું તો જોર કર્યું કે મારા હાથ પણ કપાઈ ગયા. તેણે તો લગભગ આખું ખેતર ખેડી કાઢ્યું છે. માત્ર એક નાનકડો ચાસ બાકી છે. હવે તો તમે બેઉ મારી મદદે આવો અને આપણે મૂર્ખાને પછાડીએ તો ઠીક, નહીં તો આપણી બધી મહેનત ફોકટમાં જશે. મૂર્ખો જો ખેતરમાં મચ્યો રહેશે તો તેઓમાં ખરેખરો ભૂખમરો દાખલ નહીં જ થાય. તે એકલો પોતાના બન્ને ભાઈનું પોષણ કરશે."

સમશેરબહાદુરવાળો ગુલામ બીજે દહાડે છૂટો થવાની આશા રાખતો હતો. એટલે તેણે તે જ દહાડે મદદ કરવાનું વચન આપ્યું. અને ત્રણે ગુલામ પાછા કામે ચડ્યા.