મૂળ વચન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મૂળ વચન
લોયણ


જી રે લાખા! મૂળ રે વચબ્નનો મહિમા બહુ મોટો જી
એને સંત વિરલા જાણે હાં!

જી રે લાખા ! વચન થકી જે કોઈ અધૂરા જી
તે તો પ્રેમરસને શું માણે હાં!

જી રે લાખા ! વચન થકી બ્રહ્માએ સૃષ્ટિ ચલાવી જી
વચને પૃથવી ઠેરાણી હાં

જી રે લાખા ! ચૌદલોકમાં વચન રમે છે જી
તેને જાણે પુરુષ પુરાણી હાં

જી રે લાખા ! એવા રે વચનની જેને પરતીત આવે જી
એ તો કદી ચોરાશી ન જાવે હાં

જી રે લાખા ! વચનના કબજામાં જે કોઈ વસે જી
એની સુરતા શૂનમાં સમાવે હાં

જી રે લાખા !એ કે વચન શિરને સાટે જી
એ ઓછા માણસને ન કહેવું હાં

જી રે લાખા ! સદ્ ગુરુ આગળ શીષ નમાવી જી
એના હુકમમાં હમ્મેશા રહેવું હાં

જી રે લાખા ! આદ ને અનાદમાં વચન છે મોટું જી
એને જાણે વિવેકી પોરા હા.

જી રે લાખા ! શેલણશીની ચેલી લોયણ બોલિયાં જી
એને નેણે વરસે નૂરા હાં.