મોત્સાર્ટ અને બીથોવન/કોસી ફાન તુત્તી

વિકિસ્રોતમાંથી
← ડૉન જિયોવાની મોત્સાર્ટ અને બીથોવન
કોસી ફાન તુત્તી
અમિતાભ મડિયા
ઝુબેરફ્‌લોટ (મેજિક ફ્‌લૂટ) →





પ્રકરણ - ૫
કોસી ફાન તુત્તી


પાત્રો :

ફિયોર્દીલીગી ફેરારા નગરની એક કુળવાન છોકરી
ડોરાબેલા ફિયોર્દીલીગીની બહેન
ડૅસ્પિના એ બંનેની નોકરાણી
ફૅરાન્ડો ડોરાબેલાનો જુવાન પ્રેમી અને મંગેતર
ગુગ્લીમો ફિયોર્દીલીગીનો જુવાન પ્રેમી અને મંગેતર
ડૉન ઍલ્ફોન્સો વૃદ્ધ ફિલસૂફ

સ્થળ :

નેપલ્સ નગરમાં ઘટનાઓ સર્જાય છે.

અંક – 1

કોઈ એક કાફેમાં ડૉન ઍલ્ફોન્સો મિત્રો ફૅરાન્ડો અને ગુગ્લીમો સાથે છોકરીઓની જીવનસાથી પ્રત્યેની વફાદારી-પતિવ્રતાનો પ્રશ્ન ચર્ચી રહ્યો છે. આ બંને જુવાનોને ડોરબેલા અને ફિયોર્દીલીગીની વફાદારી અંગે પૂરો ભરોસો છે પણ ઍલ્ફોન્સો કહે છે કે એમ આંધળો વિશ્વાસ મૂકી ના શકાય. એ બંનેની પરીક્ષા લેવી જોઈએ. ડૅસ્પિનાને વિશ્વાસમાં લઈને એ બંને જુવાનો પોતાની મંગેતરોને જણાવે છે કે પોતાને બંનેને અચાનક તરત જ યુદ્ધમોચરે જવું પડે એમ છે. ઉગ્ર ઉચાટ સાથે અને ભારે હૈયે એ બંને પોતપોતાની પ્રેમિકાને આવજો કહી વિદાય લે છે. તરત જ ઍલ્ફોન્સો એ બંને બહેનોની ઓળખાણ બે જુવાન એલ્બેનિયન્સ સાથે કરાવે છે. એ બે જુવાની પહેલી જ નજરે આ બે બહેનો પ્રત્યે પ્રેમ જાહેર કરે છે તેથી બંને બહેનો ગુસ્સાપૂર્વક એમને ધૂત્કારીને કાઢી મૂકે છે. એ બંને બહેનો ઓળખી શકતી નથી કે પોતાની પ્રત્યે પ્રેમ જાહેર કરનાર જુવાન પોતાની બહેનનો જ મંગેતર છે. પોતાના પ્રેમને ઠુકરાવવામાં આવતાં બંને જુવાનો નિરાશ થઈને ઝેર લેવાનું નાટક કરે છે અને ડૉક્ટરના છદ્મવેશમાં ડૅસ્પિના એ બંનેને બચાવી લેવાનું નાટક કરે છે. છતાં બંને દૃઢનિશ્ચયી બહેનો અડગ રહે છે.

અંક – 2

‘એલ્બેનિયન’ જુવાનોને ફરીથી નસીબ અજમાવવા ડૅસ્પિના ચાનક ચડાવે છે. ફૅરાન્ડોએ આપેલો મેડલ ડોરબેલા એલ્બેનિયનના છદ્મવેશમાં આવેલા ગુગ્લીમોને પેન્ડન્ટના બદલામાં આપી દે છે. પણ આ બાજુ ફિયોર્દીલીગી પ્રેમભેટોની અદલાબદલી કરવા માટે જલદી તૈયાર થતી નથી. તેથી ગુગ્લીમોને ડોરાબેલા સાથે ફ્લર્ટ કરવામાં સહેલાઈથી મળેલી સફળતાથી ફૅરાન્ડો ધૂંધવાય છે, તથા છોકરીઓ ચારિત્ર્યહીન હોય છે એ વાત એના મનમાં પાકી બેસી જાય છે. આ બાજુ ડૅસ્પિના અને ઍલ્ફોન્સો દુઃખી ફિયોર્દીલીગીને સમજાવ્યા કરે છે કે એણે હવે એલ્બેનિયનને સ્વીકારી લેવો જોઈએ, ગુગ્લીમો કદી પાછો આવશે નહિ. પણ એથી તો ફિયોર્દીલીગી વીફરે છે અને રણમોરચે ગુગ્લીમોને મળવા જવા અધીરી બને છે. પણ એલ્બેનિયનના વેશમાં ફૅરાડોની પોતાને માટેની વિવશતા જોઈ શકવી પણ એને માટે અસહ્ય બનતાં એ ફૅરાન્ડોને આખરે સ્વીકારી લે છે. આ બધું છુપાઈને જોઈ રહેલો ગુગ્લીમો ક્રોધથી રાતો પીળો થઈ જાય છે.

ગુગ્લીમો અને ફૅરાન્ડો બંને પોતાની મૂળ સગાઈ તોડી નાખવા તત્પર બન્યા છે, પણ ઍલ્ફોન્સો એમને ઠંડા પાડે છે અને કહે છે : “કોસી ફાન તુત્તી (બધી એવી જ હોય છે.)”.

એ પછીના દૃશ્યમાં ડિનરટેબલ પર બે નવસર્જિત યુગલો પોતાના નવા પ્રેમની ઉજવણી ‘ટોસ્ટ’ પીને કરે છે. લગ્નવિધિ કરાવવા માટે નોટરીના છદ્મવેશમાં ડૅસ્પિના પ્રવેશે છે પણ તે હજી લગ્નવિધિ શરૂ કરે એ પહેલાં જ લશ્કરની પધરામણી જાહેર કરતાં ટ્રમ્પેટ્સ ગુંજી ઊઠે છે. બે એલ્બેનિયન જુવાનો તરત જ ભાગી જાય છે અને ફૅરાન્ડો તથા ગુગ્લીમો પોતાના સાચા રૂપમાં પ્રવેશે છે. પણ એ બંને પોતપોતાની મંગેતરનો ટાઢોબોળ આવકાર જોઈને પોતે ડઘાઈ ગયા હોય એવો ઢોંગ કરે છે. ફૅરાન્ડો પોતે આપેલો મેડલ ડોરબેલા પાસે માંગે છે અને ગુગ્લીમો પોતે આપેલો પેન્ડન્ટ ફિયોર્દીલીગી પાસે માંગે છે ત્યારે આખો ભાંડો ફૂટે છે. નોટરીનો સ્વાંગ દૂર કરીને ડૅસ્પિના પણ પોત પ્રકાશે છે. બંને બહેનોને છેતરાયા હોવાની લાગણી થાય છે. ચારે જણા મૂળ યુગલ રૂપે ગોઠવાઈ જાય છે ખરાં, પણ પ્રેમ અને ચારિત્ર્ય અંગે ચારે જણાનું ભ્રમનિરસન થાય છે !

– અંત –
પ્રીમિયર શો
બર્ગ થિયેટર, વિયેના, 26 જાન્યુઆરી, 1790

ફૅરાન્ડો વિન્ચેન્ઝો કાલ્વેસી
ગુગ્લીમો ફ્રાન્ચેસ્કો બેનુચી
ડૉન ઍલ્ફોન્સો ફ્રાન્ચેસ્કો બુસાની
ફિયોર્દીલીગી આદ્દીયાના ફેરારિસે
ડોરાબેલા લુઈસી વીલેન્યુવ
ડૅસ્પિના ડોરોટી સાર્દી બુસાની
પ્રીમિયર શો કંપોઝર મોત્સાર્ટ દ્વારા જ કન્ડક્ટ થયેલો.