યુગવંદના/એની શોધ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← મીઠું બંધન યુગવંદના
એની શોધ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
યાદ →


એની શોધ


મારા દેવળમાં પડઘા પડે : મારો ક્યાં હશે દેવળ-નાથ !
મારી આરતીના દીવડા બળે ? મારે જાગવું માઝમ રાત.

*


જાપ જપું જેના, એ જ મળે તો મુજ
સૂના મંદિરની મોઝાર;
રાત-દિવસ એની ધોવા ચરણ-રજ
રેડું આંસુડાંની ધાર –
રે છેટું ઝાલરના ઝણકાર. — મારા૦

*


એને કાજે વીંધીશ રણવગડા,
વીંધીશ સાત પાતાળ;
વીંધું દાવાનળ, વાદળ, જળ-થળ,
દાનવના દરબાર –
રે સાતે જનમ લેવું એના ભાર. — મારા૦

જાપ જપું જેના એ ન મળે કદી,
તોયે નથી મારે દુઃખ;
રાંક હૃદય કેરી આશિષો આપીશ ?
સાંપડજો સાચાં સુખ ! –
રે એને મળજો મીઠેરાં મુખ. — મારા૦

એક દિવસ એની પ્રીત ભુલાશે ?
કાળ પડ્યો આ પ્રચંડ;
એક દિવસ મારી આશા ઓલાશેઃ
ધરતી પડી નવખંડ –
રે દેવા પ્રતિના દોયલા દંડ. — મારા૦