યુગવંદના/ખેડુ સ્ત્રીનું સંધ્યાગીત
← દિઠી સાંતાલની નારી | યુગવંદના ખેડુ સ્ત્રીનું સંધ્યાગીત ઝવેરચંદ મેઘાણી ૧૯૩૧ |
કોદાળીવાળો → |
કે સમી સાંજના તારલિયા !
સો સો બહેનીના વીર —
સાંજલ તારા ! ગુણિયલ તારા !
કે તુજ ઊગ્યે પંખીડલાં
લપછપતાં તરુવર-ડાળ —
સાંજલ તારા ! ઝગમગ તારા !
કે તુજ ઊગ્યે ધણગાવડી
વળી જાતી વાછરુ પાસ —
સાંજલ તારા ! ટમ ટમ તારા !
કે તુજ ઊગ્યે ફૂલડાં તજી
મધપૂડે પોઢ માખ –
સાંજલ તારા ! રૂમઝૂમ તારા !
કે તુજ ઊગ્યે ઘર આવતા
મજૂરોના લથબથ ઘેર —
સાંજ તારા ! નિર્મળ તારા !
કે તુજ ઊગ્યે પનિયારી
પિયુ-શું માંડે મદભર મીટ —
સાંજલ તારા ! ઝલમલ તારા !
કે તુજ ઊગ્યે વનિતા ઢળે
વાલમના ખોળામાંય —
સાંજલ તારા ! શ્રમહર તારા !
કે તુજ ઊગ્યે વિખૂટાં સહુને
ફરી મળ્યાની આશ —
સાંજલ તારા ! રાજલ તારા !
કે હું એક જ હતભાગણી !
મારો દીઠો તેં દોષ —
સાંજલ તારા ! બાંધવ તારા !
કે આઘાં ખેતર ખેડતો
મારો ખેડુ ક્યાં રોકાય? —
સાંજલ તારા ! સોનલ તારા !
કે હળજૂત્યા મુજ વાછડાઃ
ક્યમ હજી ન ભાળું ખેપ? —
સાંજલ તારા ! દેવલ તારા !
કે બાળપણેથી જોતર્યાં :
મને ડૂકી ગયાની બીક —
સાંજલ તારા ! હીરલ તારા !
કે દૂબળડા એ હાથની
નવ દેખું રમતી રાશ —
સાંજલ તારા ! તેજલ તારા !
કે થાકીપાકી જીભના
નવ ડચકારા સંભળાય —
સાંજલ તારા ! સુખિયા તારા !
કે ભૂખ્યા પગની ડાંફ ભરતો
નવ ભાળું ભરથાર —
સાંજલ તારા ! બાંધવ તારા !
કે વરસ બધું રળવું છતાં
નવ અધઘડીના વિશ્રામ —
સાંજલ તારા ! ટમટમ તારા !
કે વ્રતઉત્સવ જગ ઊજવે,
મારે ગળે ન આવે ગીત —
સાંજલ તારા ! ગુણિયલ તારા !
કે ચંદન-છાંટી રાતડી :
મારા હૈયામાં ન હુલાસ —
સાંજલ તારા ! રૂમઝૂમ તારા !
કે આવડી વસમી શેં હશે
આ કાઠીડાની ખેડ્ય —
સાંજલ તારા ! ઝળહળ તારા !
કે દુશમન પણ નવ ખેડજો
આ દરબારીડો દેશ —
સાંજલ તારા ! દેવલ તારા !