યુગવંદના/તદ્‌દૂરે-તદ્વન્તિકે −

વિકિસ્રોતમાંથી
← સમસ્યા યુગવંદના
તદ્‌દૂરે-તદ્વન્તિકે −
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
માલાગૂંથણ →




તદ્‌દૂરે-તદ્વન્તિકે—


વાયુ તણી લહરમાં સુણું સાદ તારો :
વ્હેતાં બધાં જળ વિષે તુજ કંઠ ગુંજે,
તું વ્હાણલે ઉદિત સૂર્યની સાથ ઊભી :
સંધ્યા તણે ગગન-તીર રૂપાળી લાગે.

તું કોણ છે? – નવ કળું, નવ પાર પામું :
તારા, ફૂલો, જળ વિષે તું ગઈ છવાઈ;
ના, ના, તથાપિ તુજને હું વિલુપ્ત માનું :
ના, ના, તથાપિ તુજપે મુજ પ્રેમ ઓછો.

એ પ્રેમ આજ બનિયો છ વિશાળ ભાવ :
ને પૂર્વ કેરી લઘુ પ્રીત સમાઈ એમાં,
તું વિશ્વના હૃદયમાં લય પામી તોયે
વા'લી મને વધુ વધુ – કંઈ એવું થાય.

તું દૂર દૂર ગઈ તોય નજીક લાગે;
જાણે હજુય મુજ પાસ : સુખી સુખી
હું ચોપાસ શબ્દ-ભણકાર રહું સુણન્તો
હું કર્મમગ્ન : મરતાંય તને ન હારું.