યુગવંદના/દૂધવાળો આવે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← બીડીઓ વાળનારીનું ગીત યુગવંદના
દૂધવાળો આવે
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
અભિસાર  →
દૂધવાળો આવે


દૂધવાળો આવે :
ઘંટડી બજાવે :
દૂધ મીઠાં લાવે :
જોઈ સિનેમા માંડ સૂતાં'તાંઃ ઊઠવું કેમ ભાવે !
હાય રે પીટ્યો દૂધવાળો ઘંટડી બજાવે !

પાછલી પરોડ :
અંઘકાર ઘોરઃ
હુંફે ભરી સોડ :
મીઠી મીઠી નીંદર મૂકી બા'ર કોઈ ના'વે —
હાય રે રોયો દૂધવાળો ઘંટડી બજાવે !

બાપુ કહે – બા જા :
આપ તો મોટા રાજા !
નાકમાં વાગે વાજાં !
ગોદડું ઓઢી ઊઠતી બાને હાલતે ઝોલાં આવે. — હાય રે૦

સૂતાં લોક જાગો !'
જાગો રે, ભાઈ, જાગો !
રહું છું હું બહુ આઘો !
એમ બોલીને બારણે બેઠો રાગ પ્રભાતી ગાવે. — હાય રે૦

બોરીવલી સ્ટેશન :
ત્રણ બજે ટનટન :
ભેંસો દોહી ભમભમ :
રેલગાડી મોત-ફૂંફાડે દોટમદોટ આવે –
પાઘડી વિખાય, તાંબડી ઢોળાય, તોયે વે'લો આવે.— હાય રે૦ભૂંડુંભૂખ મોઢું:
મોઢે મોટું દાઢું :
કાળું કામળ ઓઢ્યું :
મૂરખો મીઠી નીંદ ગુમાવે, ભજિયાં ટાઢાં ચાવે :
પારકાંને દૂધ પાઈને પોતે લોટ ગંધાતા લાવે. — હાય રે૦

એક દિવસ વાદળ
કાળું ઘોર કાજળ :
વીજળી ઝળોમળ :
આંખમાં જ્વાળા, નાક ધુમાડા નાખતું તાતા તાવે,
તોય અંધારે ઊઠિયો લોભી ! લથડ લેતો આવે. — હાય રેo

છેલ્લી ચલમ પીધી :
તાંબડી માથે લીધી :
આંધળી દોટ દીધી :
ચાલતી ટ્રેને ચડવા ચાલ્યો – રે શું કાકી થાવે !
એક દા'ડો સૌ ઊંધિયાં સુખેઃ ઘંટડી નવ સતાવે,

— દૂધવાળો ના'વે.
વળતે દા'ડે બીજો ભાઈ હો કે ભતરીજો
સાદ પાડે 'શેઠ, લીજો !'
એજ 'ઓ.કે.' ચા, એ જ બાપુ-બા, દૂધ એનું એ આવે,
દૂધવાળો મન એ જ અમારે – મુખ જોવા કોણ જાવે ?
— દૂધવાળો આવે.