યુગવંદના/પ્યાસ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← યાદ યુગવંદના
પ્યાસ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
સમસ્યા →પ્યાસ


પ્યાસ રહી સળગી : જીવતરમાં આગ રહી સળગી.

દિલ મુજ નાનું : પ્યાર દરિયા સમ
કેમ શકું શમવી ?
પીતી તોય તરસ નવ ટળતી :
નીર જતાં છલકી. — જીવતરમાં૦

પાસ લઉં જ્યમ નિકટ લઉં તુજ
દિલ મુજ હૃદય લગી,
તોય જુદાઈ જતી નથી, પ્રીતમ !
જોડ સદા અળગી. — જીવતરમાં૦

પામર ઘર, મુજ પામર જીવતર :
પ્રીત ન ક્યાં મળતી;
જ્યમ ચાહું વધુ ત્યમ વધુ ચ્હાવા
લગન રહી જ લગી. — જીવતરમાં૦

*

સ્થાન અસીમ કદીક સાંપડશે :
દિલ મળશે દિલથી;
તે દી કરજ ભરી જિંદગીભરનું
પામીશ હું મુગતિ. — જીવતરમાં૦