યુગવંદના/રાતાં ફૂલડાં
← ધરતી માગે છે ભોગ ! | યુગવંદના રાતાં ફૂલડાં ઝવેરચંદ મેઘાણી ૧૯૩૧ |
સોના-નાવડી → |
વનરા તે વન કેરી કાંટ્યમાં રે રાતાં ફૂલડાં,
હાં રે બાઈએ પધરાવ્યાં પેટનાં બાળ —
વનરામાં ગલ રાતાં ફૂલડાં.
અરધી રાતલડીનો ચાંદલો રે રાતાં ફૂલડાં,
હાં રે નીચે મલકે છે મા-મેલ્યાં બાળ —
વનરામાં ગલ રાતાં ફૂલડાં.
હસ મા એવલડું, હો લાડકા રે રાતાં ફૂલડાં,
હાં રે મારાં કળીએ કાળજડાં કપાય —
વનરામાં ગલ રાતાં ફૂલડાં.
જમણે હાથે મીંચી આંખડી રે રાતાં ફૂલડાં,
હાં રે બાઈએ ડાબે હાથે દબવેલી ડોક —
વનરામાં ગલ રાતાં ફૂલડાં.
બાર માસ બાળ-કુંવારી રે રાતાં ફૂલડાં,
હાં રે બાઈનાં તેર માસે લખિયાં લગન —
વનરામાં ગલ રાતાં ફૂલડાં.
એકા રે દશીની ઉપવાસણી રે રાતાં ફૂલડાં,
હાં રે બાઈ તો હરિ-મંદિર પૂજવાને જાય —
વનરામાં ગલ રાતાં ફૂલડાં.
હસતાં ને રમતાં હિંડોળલે રે રાતાં ફૂલડાં,
હાં રે બાઈએ નીરખ્યા છે બાળગોપાળ —
વનરામાં ગલ રાતાં ફૂલડાં.
થડક્યાં થાનોલાં, થંભી ગઈ રે રાતાં ફૂલડાં,
હાં રે બાઈની છાતીમાં છલ છલ દૂધ —
વનરામાં ગલ રાતાં ફૂલડાં.
સરજ્યાં જો હત મારે ખોળલે રે રાતાં ફૂલડાં,.
'હાં રે તમને પહેરાવત હીર ને ચીર !'—
વનરામાં ગલ રાતાં ફૂલડાં.
ભૂલી હો ભૂલી હો ભૂંડી માવડી રે રાતાં ફૂલડાં,
હાં રે મારી તે દીની મરડેલી ડોક' —
વનરામાં ગલ રાતાં ફૂલડાં.
'આવડાં ધાવણ આજે ઊભરે રે રાતાં ફૂલડાં,
હાં રે મારી તે દીની તરસ સંભાર !' —
વનરામાં ગલ રાતાં ફૂલડાં.
‘ઝૂલું હું જશોદા માને ખોળલે રે રાતાં ફૂલડાં,
હાં રે તારે ખોળલે અગન કેરી ઝાળ !' —
વનરામાં ગલ રાતાં ફૂલડાં.