યુગવંદના/વીંજણો

વિકિસ્રોતમાંથી
← માલાગૂંથણ યુગવંદના
વીંજણો
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
જલ-દીવડો →




વીંજણો


આકાશે આ વીંજણલો કોણ વાય !
રજની રે ! તાર સલૂણો શશિયર રાણો વાય !
વીંજણલામાં તારલિયાળી ભાત.

ધરતીમાં એ વીંજણો કોણ વાય !
સરિતાજી ! તારો સાયબો સાયર રાણો વાય !
વીંજણલામાં માછલિયાળી ભાત.

સરવરપાળે વીંજણો કોણ વાય !
કોયલ ! તારો કંથ આંબો રાણો વાય !
વીંજણલામાં મંજરિયાળી ભાત.

વાડીમાં એ વીંજણો કોણ વાય !
ઢેલડ ! તારો વર રે મોરલિયોજી વાય !
વીંજણલામાં ચાંદલિયાળી ભાત.

પિંજરે પેસી વીંજણો કોણ વાય !
મેનાજી તારો પિયુડો પોપટ રાણો વાય !
વીંજણલામાં પીંછલિયાળી ભાત.

ગોખે બેસી વીંજણો કોણ વાય !
નણદલબાનો વીર રે વ્હાલોજી મારો વાય !
વીંજણલામાં રામ-સીતાજીની ભાત.