યુગવંદના/સ્વપ્ન થકી સરજેલી
← ઝાકળનું બિન્દુ | યુગવંદના સ્વપ્ન થકી સરજેલી ઝવેરચંદ મેઘાણી ૧૯૩૧ |
તોય મા તે મા ! → |
ધન-ધાન્ય-ફૂલે લચકેલી
આ વસુધાના પટમાંય,
કો સ્વપ્ન થકી સરજેલી
મુજ જન્મભૂમિ લહેરાય :
નવખંડ ધરા પર ભમો – નથી આ ભોમ સમોવડ કોઈ :
સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.
કહો કયાં બીજે દીઠેલી
આ મેઘ તણી કાળાશ?
- આ નભમંડલની કાન્તિ?
- આ વીજ તણા અજવાસ?
અહીં પંખી તણા સ્વર સુણી પોઢવું, સુણી જાગવું હોય,
સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.
કહો ક્યાં બીજે દીઠેલાં
નદીઓનાં નિર્મલ વ્હેણ ?
- આ પહાડો ધુમ્મસઘેરા?
– આ હરિયાળાં મેદાન ?
ભરચક ખેતર પર લહર લહન્તા પવન અન્ય કયાં હોય,
સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.
અહીં તરુતરુએ ફૂલ હીંચે,
વન વન પંખીડાં ગાય;
અહીં મધુકર મદભર ગુંજે
પુંજે પુંજે લહેરાયઃ
મધુ પી પુષ્પો પર ઢળી પોઢતા અન્ય ક્યહાં એ હોય?
સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.
તુજ સમ નથી ક્યાંય જગતમાં
પ્રિયજનના આ વિધ પ્રેમ;
તુજ ચરણો ચાંપી હૃદયમાં
જીવવાની હરદમ નેમ :
હું જનમ જનમ અહીં મરું – મુક્તિ અન્ય ક્યાં હોય?
સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.