રચનાત્મક કાર્યક્રમ/ઉપસંહાર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સવિનયભંગનું સ્થાન રચનાત્મક કાર્યક્રમ
ઉપસંહાર
મોહનદાસ કરમચંદ ગાંધી
પરિશિષ્ટ →


ઉપસંહાર

રાષ્ટ્રીય મહાસભાની વતી અથવા તેની મધ્યસ્થ કચેરીના કહેવાથી લખાયેલો રચનાકાર્ય વિશેનો આ કોઈ નિબંધ નથી. સેવાગ્રામમાં મારા કેટલાક સાથીઓ જોડે મારે જે વાતોચીતો થયેલી તેમાંથી આ લખાણ નીપજ્યું છે. રચનાત્મક કાર્યક્રમ અને સવિનય કાનૂનભંગની લડત એ બે વચ્ચેનો સંબંધ તેમ જ તે કાર્યક્રમનો અમલ કેમ કરવો તે બતાવનારા મારા હાથના લખાણની ખોટ તેમને લાગતી હતી. આ ચોપડીમાં તે ખોટ પૂરવાનો મારો પ્રયાસ છે. રચનાત્મક કાર્યક્રમની સંપૂર્ણ વિચારણા કરવાનો અથવા તેની એકેએક વિગત ચર્ચવાનો આ લખાણનો આશય નથી, પણ જે રીતે તે કાર્યક્રમનો અમલ થઈ શકે અથવા કરવો જોઈએ તે રીત બતાવવાને તે પૂરતું છે.

અહીં ગણાવેલી બાબતોમાંથી કોઈ પણ એકને પૂર્ણ સ્વરાજની સ્થાપના માટેની લડતના એક અંગ લેખે બતાવેલી જોઈને કોઈ વાચક તેની હાંસી ઉડાવવાની ભૂલમાં ન પડે. અહિંસા અથવા પૂર્ણ સ્વરાજની સ્થાપના સાથે સંબંધ જોડ્યાં વિના ઘણાયે લોકો ઘણાં નાનાંમોટાં કામો કર્યા કરે છે. અને તેથી તે કામોનું કુદરતી રીતે જ જેટલું ધારેલું હોય તેટલું મર્યાદિત ફળ મળે છે. એક સેનાપતિ સામાન્ય શહેરી તરીકેના પોશાકમાં ફરતો હોય તો આ કોણ છે એમ કોઈ પૂછે નહીં, પણ તે જ પોતાના હોદ્દાના પોશાકમાં બહુ મોટો બની જાય છે ને તેના એક બોલ પર લાખો લોકોના જીવનમરણનો આધાર રહે છે. તેજ પ્રમાણે એક ગરીબ વિધવાના હાથમાં ફરતો રેંટિયો બહુ તો તેને પૈસા બે પૈસાની કમાણી કરાવે, પંડિત જવાહરલાલના હાથમાં તે હિંદની આઝાદીનું હથિયાર બની જાય. રેંટિયાને આપણે જે હોદ્દો આપ્યો છે ને તેને આપણે જે કામ સોંપ્યું છે તેથી તેને મોભો મળ્યો છે. રચનાત્મક કાર્યક્રમને જે કામ સોંપવામાં આવ્યું છે ને તેને લીધે તેને જે અધિકાર મળ્યો છે તેનાથી તેને અસાઅધારણ મોભો ને અમોઘ સત્તા મળી છે. આ જાણે કે મારો અભિપ્રાય થયો. એ અભિપ્રાય એક પાગલની ધૂન પણ હોય. મારો અભિપ્રાય મહાસભાવાદીઓને માન્ય ન હોય તો તેમણે મને પડતો મૂકવો જોઇએ. કેમકે રચનાત્મક કાર્ય ક્રમ વિનાની સવિનયભંગની લડત હું લડવા જાઉં તો લકવાથી જૂઠો પડેલો હાથ ચમચો ઉપાડવા જાય તેના જેવું થાય

પૂના, ૧૩-૧૧-૧૯૪૫