લખાણ પર જાઓ

રચનાત્મક કાર્યક્રમ/ગામ સફાઈ

વિકિસ્રોતમાંથી
← બીજા ગ્રામઉદ્યોગો રચનાત્મક કાર્યક્રમ
ગામ સફાઈ
મોહનદાસ કરમચંદ ગાંધી
નવી તાલીમ અથવા પાયાની કેળવણી →


૬. ગામ સફાઈ

મજૂરી ને બુદ્ધિ વચ્ચે ફારગતી થઈ છે તેથી ગુનો ગણાય તેટલી હદ સુધી આપણાં ગામડાંઓ તરફ આપણે બેદરકાર થયા છીએ. એટલે શોભીતાં ને રળિયામણાં નાનાં નાનાં ગામો ઠેર ઠેર પથરાયેલાં હોય તેને બદલે આપણે ત્યાં ઉકરડા જોવાના મળે છે. ઘણાં, કહો કે લગભગ બધાં, ગામોમાં પેસતી વખતે જે અનુભવ થાય છે તેનાથી આનંદ ઊપજતો નથી. ભાગોળે જ આજુબાજુ એવી ગંદકી હોય છે ને તેમાંથી એવી બદબો ઊઠે છે કે ઘણી વાર ગામમાં પેસનારને આંખ મીંચી જવી પડે છે ને નાક દબાવવું પડે છે. મોટા ભાગના મહાસભાવાદીઓ ગામડાંના વતનીઓ હોવા જોઈએ. તેમ હોય, તો તેમણે આપણાં ગામડાંઓને બધી રીતે ચોખ્ખાઈના નમૂના બનાવવાં જોઈએ. પણ ગામડાંના લોકોના નિત્ય એટલે કે રોજેરોજના જીવનમાં ભાગ લેવાની અથવા તેની સાથે એકરૂપ થવાની તેમણે પોતાની ફરજ કદી માની નથી. રાષ્ટ્રીય કે સામાજિક સફાઈને આપણે જરૂરી ગુણ માન્યો નથી ને કેળવ્યો નથી. આપણે રિવાજથી અમુક ઢબે નહાઈએ છીએ એટલું જ, બાકી જે નદી, તળાવ કે કૂવાને કાંઠે આપણે શ્રાદ્ધ ને એવા બીજા ધર્મવિધિ કરીએ છીએ, ને જે જળાશયોમાં આપણે પવિત્ર થવાને સ્નાન કરીએ છીએ તેમનું પાણી બગાડતાં કે ગંદું કરતાં આપણને છીત થતી નથી. આપણી આ ખામીને હું એક મોટો દુર્ગુણ ગણું છું અને આપણાં ગામડાંઓની તેમ જ આપણી પવિત્ર નદીઓના પવિત્ર કાંઠાઓની નામોશી ઉપજાવે તેવી અવદશા અને ગંદવાડમાંથી પેદા થતા રોગો આપણે તે દુર્ગુણનાં ફળરૂપે ભોગવીએ છીએ.