રચનાત્મક કાર્યક્રમ/વિદ્યાર્થીઓ

વિકિસ્રોતમાંથી
← રક્તપિત્તના રોગીઓ રચનાત્મક કાર્યક્રમ
વિદ્યાર્થીઓ
મોહનદાસ કરમચંદ ગાંધી
સવિનયભંગનું સ્થાન →


૧૮. વિદ્યાર્થીઓ

વિદ્યાર્થીઓને રચનાકાર્યની વાતમાં છેક છેવટે લેવાને માટે મેં અનામત રાખ્યા હતા. મેં હંમેશ તેમની સાથે ઘાટો સંબંધ રાખ્યો છે ને કેળવ્યો છે. વિદ્યાર્થીઓ મને ઓળખે છે ને હું તેમને ઓળખું છું. તેઓ મને ખૂબ કામ આવ્યા છે. કૉલેજોમાંથી નીકળેલા ઘણા વિદ્યાર્થીઓ આજે મારા કીમતી સાથીઓ છે. વળી વિદ્યાર્થીઓ ભાવિની આશા છે એ પણ હું જાણું છું. અસહકારની હિલચાલ પુરબહારમાં ખીલી ત્યારે પોતાની નિશાળો અને કૉલેજો છોડી દેવાને તેમને નોતરવામાં આવ્યા. મહાસભાની હાકલના જવાબમાં જે અધ્યાપકો તેમ જ વિદ્યાર્થીઓ શાળાકૉલેજો છોડીને બહાર પડ્યા હતા તેમાંના કેટલાયે હજી રાષ્ટ્રકાર્યને મક્કમપણે વળગી રહ્યા છે ને તેથી તેમને પોતાને તેમ જ દેશને ઘણો ફાયદો થયો છે. એ હાકલ ફરી કરવામાં નથી આવી કારણ આજે તેને લાયકની હવા નથી. પણ તે વખતના અનુભવે એટલું બતાવ્યું કે ચાલુ કેળવણીનો મોહ જૂઠો ને અકુદરતી છે પણ દેશના યુવકોને એવો વળગ્યો છે કે તે તેમાંથી છૂટી શકતા નથી. કૉલેજની કેળવણી લેવાથી કરીઅર સહી થઈ જાય છે. વળી આપણા દેશમાં બ્રિટિશ અમલે ઉજળા લોકોનો જે વર્ગ પેદા કર્યો છે તેમાં પેસવાનો પરવાનો પણ કૉલેજની કેળવણીથી મળે છે. જ્ઞાનની ભૂખ જે સ્વાભાવિક ને ક્ષમ્ય ગણાય તે પૂરી કરવાને ચાલુ ચીલે ચડ્યા વિના આરો નથી. માતૃભાષાનું સ્થાન જે પડાવી લે છે તે સાવ પારકી ભાષા શીખવામાં પોતાનાં કેટલાંયે કીમતી વર્ષો બગડે છે તેની તેમને પડી નથી. વળી આમાં જે ગંભીર દ્રોહ થાય છે તેનું તો તેમને ભાન પણ નથી. આ વિદ્યાર્થીઓ ને તેમના શિક્ષકોના મનમાં કંઈ એવું ભૂત ભરાઈ ગયું છે કે આજના જમાનાના નવા વિચારોનું તેમ જ આધુનિક વિજ્ઞાનનું જ્ઞાન મેળવવામાં આપણી ઘરની ભાષાઓ છેક નકામી છે. પેલા જાપાનના લોકો પોતાનું કેમ ચલાવતા હશે તેનું મને અચરજ થાય છે. કેમ કે હું સમજું છું તે મુજબ તેમની બધી કેળવણી જાપાની ભાષામાં અપાય છે. વળી ચીનના સૌથી વડા અધિકારી જનરલ લેસીમો ચાંગ કાઈ શૅકને અંગ્રેજી આવડતું હશે તોયે નહીં જેવું જ આવડે છે.

પણ આપણા આ વિદ્યાર્થીઓ જે છે તે છે અને એ જ જુવાન સ્ત્રીઓ ને પુરુષોમાંથી રાષ્ટ્રના ભાવિ આગેવાનો ઘડાવાના છે. કમનસીબ એ છે કે તેમના પર નહીં નહીં તે પવનની અસર થાય છે. અહિંસાનું તેમને ઝાઝું ખેંચાણ નથી. ફટકાના બદલામાં સામો પટકો બલ્કે એકની સામે બે ફટકાની વાત સહેજે ગળે ઊતરે તેવી ને ભાવી જાય તેવી છે. તેનાથી ક્ષણજીવી કાં ન હોય પણ ઝટ પરિણામ આવતું દેખાય છે. લડાઈના હંગામમાં જનાવરો અથવા માણસો વચ્ચે પાશવી એટલે કે હિંસાની શક્તિની જે કાયમ ચાલતી આવેલી ચડસાચડસી આપણને જોવાની મળે છે તે જ આ વાત છે. અહિંસાને બરાબર ઓળખવાને ધીરજભરી શોધખોળ અને તેથીયે વધારે ચીવટભર્યા તેમ જ મુશ્કેલ અમલ કે આચરણની જરૂર પડે છે. કિસાનો અને મજૂરોની બાબતમાં જે કારણોસર મેં મારો રસ્તો પસંદ કર્યો છે તે જ કારણોસર વિદ્યાર્થીઓના દિલનો કબજો મેળવવાને ઉમેદવાર લોકો સાથેની હરિફાઈમાં હું પડ્યો નથી. પણ વિદ્યાર્થી શબ્દનો વધારે બહોળો અર્થ કરો તો હું પણ તેમનો વિદ્યાર્થીબંધુ છું. મારી યુનિવર્સિટીમાં દાખલ થવાનું મારું તેમને કાયમનું નોતરું છે. તેમાં દાખલ થવાની શરતો આ રહી:

૧. વિદ્યાર્થીઓએ પક્ષાપક્ષીના રાજકારણમાં કદી ન પડવું. વિદ્યાર્થીઓ વિદ્યાના ખોળનારા ને જ્ઞાનનાં શોધનારા છે, રાજકારણના ખેલાડીઓ નથી.

૨. તેમણે રાજકીય હડતાળો ન પાડવી. વિદ્યાર્થીઓ વીરોની પૂજા ભલે કરે, તેમણે કરવી જોઈએ; પણ પોતાના વીરો જેલમાં જાય, કે અવસાન પામે, બલ્કે તેમને ફાંસીએ ચડાવવામાં આવે તે પ્રસંગોએ તેમના તરફની પોતાની ભક્તિ પ્રગટ કરવાને તે વીરોના ઉત્તમ અંશોનું તેમણે અનુકરણ કરવું જોઈએ, હડતાળો ન પાડવી જોઈએ. એવા પ્રસંગોએ વિદ્યાર્થીઓનો શોક અસહ્ય થાય અને એકેએક વિદ્યાર્થીની એવી લાગણી થાય તો પોતપોતાની સંસ્થાના વડાની સંમતિથી નિશાળો ને કૉલેજો બંધ રાખવામાં આવે. સંસ્થાના વડાઓ વિદ્યાર્થીઓની વાત કાને ન ધરે તો તેમને ઘટતી રીતે, સભ્યતાથી પોતપોતાની સંસ્થાઓમાંથી બહાર નીકળી જવાની અને વ્યવસ્થાપકો પસ્તાઈને પાછા ન બોલાવે ત્યાં સુધી પાછા ન જવાની છૂટ છે. કોઈ પણ સંજોગોમાં અથવા કોઈ પણ હિસાબે જુદો મત ધરાવનારા વિદ્યાર્થીઓ કે શાળાકૉલેજઓના અધિકારીઓ પર તેમણે જબરદસ્તી ન કરવી. તેમને એટલો ભરોસો હોવો જોઈએ કે, આપણે જો આપણા મોભાને ઘટતું વર્તન રાખીશું ને સંપીને એક રહીશું તો આપણી જીત જ છે.

૩. તેમણે બધાએ સેવાને અર્થે શાસ્ત્રીય રીતે કાંતવું જોઈએ. કાંતવાનાં પોતાનાં સાધનો ને બીજાં ઓજારો તેઓ હંમેશ સ્વચ્છ, સુઘડ ને સારી સ્થિતિમાં તેમ જ વ્યવસ્થિત રાખે. બની શકે તો પોતાનાં હથિયારો, ઓજારો અથવા સાધનો જાતે જ બનાવવાનું શીખી લે. અલબત્ત તેમનું કાંતેલું સૂતર સૌથી ચડિયાતું હશે. કાંતણને લગતા બધા સાહિત્યનો અને તેમાં સમાયેલાં આર્થિક, સામાજિક, નૈતિક, અને રાજકીય એ બધાં રહસ્યોનો તે સૌ અભ્યાસ કરે.

૪. તેઓ પહેરવાઓઢવામાં બધે કેવળ ખાદી વાપરે, અને ગામડાંમાં બનેલી ચીજોને બદલે તેવી પરદેશી કે સંચાની બનેલી કદી ન વાપરે.

૫. બીજા લોકો પર વંદે માતરમ્‌ ગાવાની કે રાષ્ટ્રધ્વજ રાખવાની જબરદસ્તી તેઓ ન કરે. રાષ્ટ્રધ્વજવાળાં ફૂલ તે લોકો પોતાના અંગ પર પહેરે પણ બીજા લોકોને તેમ કરવાની ફરજ ન પાડે.

૬. ત્રિરંગી ધ્વજનો સંદેશો પોતાના જીવનમાં ઉતારી દિલમાં કોમવાદ કે અસ્પૃશ્યતાને પેસવા ન દે. બીજા ધર્મોના વિદ્યાર્થીઓ અને હરિજનો પોતાનાં ભાંડુઓ હોય તેમ તેમની સાથે તેઓ સાચી દોસ્તી બાંધે.

૭. ઈજા પામેલા પોતાના પડોશીઓની મદદે વિદ્યાર્થીઓ તરત દોડી જાય, આજુબાજુનાં ગામોમાં સફાઈનું તેમ જ ભંગીકામ કરે અને તે ગામોમાં મોટી ઉંમરનાં સ્ત્રીપુરુષો તેમ જ બાળકોને ભણાવે.

૮. હિંદુસ્તાનીનું આજે જે બેવડું સ્વરૂપ મુકરર થયું છે તે મુજબ તેની બંને શૈલીઓ ને તેની બંને લિપિઓ સાથે તેઓ રાષ્ટ્રભાષા હિંદુસ્તાની શીખી લે જેથી હિંદી કે ઉર્દૂ બોલાય અથવા નાગરી કે ઉર્દૂ લિપિ લખાય ત્યારે તેમને અજાણ્યું ન લાગે.

૯. વિદ્યાર્થીઓ જે જે નવું શીખે તે બધું પોતાની માતૃભાષામાં ઉતારે અને દર અઠવાડિયે આસપાસનાં ગામડાંમાં પોતાનો વારો ફરવા નીકળે ત્યારે ત્યાં બધે લેતા જાય ને પહોંચાડે.

૧૦. તેઓ કશું છૂપી રીતે ન કરે, જે કરે તે છડેચોક કરે. પોતાના એકેએક વહેવારમાં તેમનું વર્તન અણિશુદ્ધ હોય. પોતાનું જીવન સંયમી ને નિર્મળ રાખે. કોઈ વાતથી ન ડરતાં નિર્ભય રહી પોતાના દૂબળા વિદ્યાર્થીબંધુઓના બચાવમાં તત્પર રહે, અને રમખાણો થાય ત્યારે પોતાના જાનને ભોગે અહિંસક વર્તનથી તેમને શમાવવાને તૈયાર રહે. અને સ્વરાજ્યની આખરી લડત જાગે ત્યારે પોતાની સંસ્થાઓ છોડી તેમાં ઝંપલાવે ને જરૂર પડે તો દેશની આઝાદીને અર્થે પોતાના જાન કુરબાન કરે.

૧૧. પોતાની વિદ્યાર્થી બહેનો સાથે તદ્દન સ્વચ્છ ને સભ્યતાનું વર્તન રાખે.

અહીં સુધી વિદ્યાર્થીઓને માટે જે કાર્યક્રમ મેં બતાવ્યો છે તેના અમલને માટે તેમણે વખત કાઢવો જોઈશે. તેઓ આળસમાં ઘણો વખત બગાડે છે તે હું જાણું છું. કડક કરકસર કરીને તેઓ ઘણા કલાકો મેં બતાવેલા કામને માટે ફાજલ પાડી શકે. પરંતુ કોઈ પણ વિદ્યાર્થી પર અણઘટતો ભાર નાખવાનો મારો ઇરાદો નથી. તેથી દેશ માટે પ્રીતિ રાખનારા વિદ્યાર્થીઓને મારી એવી સલાહ છે કે પોતાના અભ્યાસના સમયમાંથી એક વર્ષ તેમણે આને માટે ફાજલ પાડવું; અને હું એમ નથી સૂચવતો કે એકી વખતે અને આખું વરસ તેઓ આપે; મારી સલાહ એ છે કે અભ્યાસના આખા ગાળા પર તેઓ એ વરસ વહેંચી નાખે ને કટકે કટકે પૂરું કરે. તેમને જાણીને અચરજ થશે કે આ રીતે કાઢેલું તેમનું વર્ષ ફોકટ નથી જતું. એ વખત દરમ્યાન કરેલી મહેનતથી દેશની આઝાદીની લડતમાં સંગીન ફાળો ભરવા ઉપરાંત તેમણે પોતાની માનસિક, નૈતિક તેમ જ શારીરિક શક્તિઓમાં કેટલોયે ઉમેરો કર્યો હશે.