રચનાત્મક કાર્યક્રમ/સ્ત્રીઓ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રૌઢશિક્ષણ રચનાત્મક કાર્યક્રમ
સ્ત્રીઓ
મોહનદાસ કરમચંદ ગાંધી
તંદુરસ્તીના નિયમોની કેળવણી →


૯. સ્ત્રીઓ

હિંદની સ્ત્રીઓ જે અંધકારમાં ડૂબેલી હતી તેમાંથી તેમને સત્યાગ્રહની પદ્ધતિએ આપોઆપ બહાર કાઢી છે; અને એ વાત પણ સાચી છે કે બીજી કોઈ પણ પદ્ધતિથી સ્ત્રીઓ આટલા માની ન શકાય

તેટલા ટૂંકા ગાળામાં આગળ ન આવી હોત. તેમ છતાં સ્ત્રીવર્ગની સેવાના કાર્યને મેં રચનાત્મક કાર્યક્રમમાં સમાવ્યું છે, કેમ કે સ્ત્રીઓને પુરુષોની સાથે સરખા દરજ્જાથી ને હકથી સ્વરાજની લડતમાં ભાગ લેતી કરવાને જે કરવું જોઈએ તે કરવાનું મહાસભાવાદીઓને હજી ઊગ્યું નથી. મહાસભાવાદીઓને હજી એ નથી સમજાયું કે સેવાના ધર્મકાર્યમાં સ્ત્રી જ પુરુષની સાચી મદદગાર ને સાથી છે. જે રૂઢિ અને કાયદાના ઘડતરમાં સ્ત્રીનો કશો હિસ્સો નહોતો ને જેને માટે કેવળ પુરુષ જ જવાબદાર છે તે કાયદા ને તે રૂઢિના જુલમ નીચે સ્ત્રી કચડાતી આવી છે. અહિંસાના પાયા પર રચાયેલી જીવનની યોજનામાં પુરુષને પોતાનું ભાવિ નિર્માણ કરવાનો જેવો ને જેટલો અધિકાર છે તેવો ને તેટલો જ પોતાનું ભાવિ નક્કી કરવાનો હક સ્ત્રીને છે. પણ અહિંસક સમાજની વ્યવસ્થામાં જે અધિકાર કે હક મળે છે તે કોઈ ને કોઈ ફરજ કે ધર્મના પાલનમાંથી ફલિત થાય છે, તેથી એ વાત પણ સ્વીકારવી જોઈએ કે સમાજમાં વર્તવાના કે વહેવાર કરવાના નિયમો સ્ત્રી ને પુરુષ બન્ને પરસ્પર સહકાર ને સમજૂતીથી નક્કી કરે. એ નિયમોના પાલનને માટે બહારની કોઈ સત્તાની જબરદસ્તી કામ ન આવે. સ્ત્રીઓ સાથેના પોતાના વર્તનમાં કે વહેવારમાં પુરુષોએ આ સત્યને પૂરેપૂરું ઓળખ્યું નથી. સ્ત્રીને પોતાની મિત્ર કે સાથી ગણવાને બદલે પુરુષે પોતાને તેનો સ્વામી કે ધણી માન્યો છે. હિંદુસ્તાનની સ્ત્રીઓને આ હલકા દરજ્જા પરથી હાથ પકડીને ઉપર લેવાનો ખાસ અધિકાર મહાસભાવાદીઓનો છે. જૂના જમાનાના ગુલામને ભાન નહોતું કે મારે સ્વતંત્ર થવાનું છે અથવા મારાથી સ્વતંત્ર થવાય. આજે સ્ત્રીની દશા પણ કંઈક એવીજ છે. પેલા ગુલામને જ્યારે મુક્તિ મળી ત્યારે થોડો વખત તેને એમ લાગ્યું કે મારો આધાર જતો રહ્યો. સ્ત્રીઓને એવું શીખવવામાં આવ્યું છે કે તમારે આપણે પુરુષોનાં ગુલામ છીએ એમ માનવું. અહીં મહાસભાવાદીઓની ફરજ એ છે કે તેઓ સ્ત્રીઓને પોતાના અસલ સંપૂર્ણ દરજ્જાનું ભાન કરાવે, અને જીવનમાં પુરુષ સાથે સરખા દરજ્જાથી પોતાનો ભાગ લેવાને તેમને કેળવીને લાયક બનાવે.

એક વખત મનનો સંકલ્પ થઈ જાય પછી આ ક્રાંતિનું કામ સહેલું છે. તેથી મહાસભાવાદીઓ તે ક્રાંતિની શરૂઆત પોતાના ઘરથી કરે. પોતાની ધણિયાણીઓને મનરમાડો કરવાની ઢીંગલીઓ કે ભોગવિલાસનું સાધન માનવાને બદલે તેમણે સેવાનાં સમાન કાર્યોમાં સમાન સાથીઓ ગણવી. આટલા ખાતર જે સ્ત્રીઓને શાળા કે કૉલેજની કેળવણી મળી નથી તેઓ બની શકે તેટલું શિક્ષણ પોતાના પતિ પાસેથી મેળવે. જે વાત પત્નીઓની તેવી ઘટતા ફેરફારો સાથે માતાઓની ને દીકરીઓની સમજવાની છે.

એ જણાવવાની જરૂર નથી કે હિંદની સ્ત્રીઓની લાચાર દશાનું મેં એક જ બાજુનું ચિત્ર દોર્યું છે. હું એ વાત બરાબર જાણું છું કે ગામડાઓમાં સ્ત્રીઓ પોતાના પુરુષવર્ગની સામે બરાબર ટક્કર લે છે અને કેટલીક બાબતોમાં તો તેમના પર સરસાઈ ભોગવે છે, ને દોર ચલાવે છે. પણ બહારથી આપણને જોનાર કોઈ પણ તટસ્થ માણસ કહેશે કે આપણા આખા સમાજમાં સ્ત્રીને કાયદાથી ને રૂઢિથી જે દરજ્જો મળે છે તે ઘણી ખામીવાળો છે અને તેમાં ધરમૂળથી સુધારો કરવાની જરૂર છે.