રસધાર ૫/નિવેદન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સૌરાષ્ટ્રની રસધાર ૫
નિવેદન
ઝવેરચંદ મેઘાણી
ભલેં ઊગા ભાણ! →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


નિવેદન
[પહેલી આવૃત્તિ]

આ પાંચમા ભાગની તૈયારી અંગે વડિયા તાબાના વહીવટદાર અને મારા સ્નેહી શ્રી હાથીભાઈ વાંકનો, અકાળા ગામના ઠા. વાલજીભાઈનો, આસોદરના ગઢવી દાદાભાઈનો, ચારણ મિત્ર દુલા ભગતનો ને ભાઈ ધીરસિંહજી ગોહિલનો હું ઋણી છું.

‘રસધાર’નો આ છેલ્લો જ ભાગ રજૂ થાય છે. સોરઠી જીવનના સંસ્કાર વિશે આંદોલન ઉત્પન્ન કરવાના પ્રયત્નોમાં પોતાનો બન્યો તેટલો ફાળો ઉમેરવાનો જે યશ પ્રજાએ ‘રસધાર’ ને આપેલ છે તે ગનીમત છે; એટલી બધી કમાઈની આશા નહોતી. ગુજરાતની ગુણબૂજકતાને વંદન કરું છું.

‘રસધાર’ બંધ થાય છે. છતાં સોરઠી જીવનનો સર્વદેશીય પરિચય આપવાના મારા કાર્યક્રમ પૈકી આટલા મનોરથ હજુ બાકી છેઃ સોરઠના બહારવટિયા, સંતો, શાયરો, સોરઠનું નર્મ-સાહિત્ય, ભજન સાહિત્ય.

આ પૈકી કેટલીક સામગ્રી લગભગ તૈયાર છે અને એ જેમ બને તેમ સત્વરે પ્રગટ થશે.

જન્માષ્ટમી: 1983 [ઈ.સ. 1926]
ઝવેરચંદ મેઘાણી
 

[બીજી આવૃત્તિ]

સોરઠી સાહિત્યને અંગે બે મહત્ત્વનાં કાર્યો પણ કરવાનો રહે છે; એક તો સુવાંગ સોરઠી કથાઓનો જ સિનેમાઃ ને બીજું, આ સાહિત્યને અંગ્રેજી ભાષામાં ઉતારવાનું સાહસઃ ‘લાખો વણઝરો’ કે “રા’ કવાટ” જેવી છૂટીછવાઈ કોઈ ફિલ્મો અત્યારે ઊતરી રહી છે. પરંતુ એ પ્રયાસ, એક જીવનકાર્ય તરીકેના જોશથી, સતત, સુવ્યવસ્થિત, શુદ્ધ ઇતિહાસ તેમજ શુદ્ધ સોરઠી સંસ્કાર પ્રતિની વફાદારી ધ્યાનમાં રાખીને થવાની જરૂર છે. પરંતુ આ વાતની શક્યતા વિચારવાનો અધિકાર મારો ન હોવાથી કેવળ અંગુલીનિર્દેશ જ કરું છું.

અંગ્રેજી અનુવાદોનું કાર્ય વધુ મહદ્ છતાં ઓછું કઠિન છે. યુરોપની અંદર લોકસહિત્યની ખૂબીઓ પ્રીછવાની જે દૃષ્ટિ ખીલી નીકળી છે, તેની સન્મુખ અપણું આ સાહિત્ય મારી પેઠે આદર પામશે. એ નક્કી છે. બંગાળી વગેરે અન્ય પ્રાંતોમાં આ પ્રયાસ યુનિવર્સિટી જેવી સંસ્થા તરફથી થઈ રહ્યો છે.

આ જહેમત ઉઠાવવા માટે અસાધારણ શક્તિની નહિ. પણ ફક્ત અખંડિત પરિશ્રમની જ જરૂર છે. મારા મિત્ર-મંડળના મનોરથના ક્ષિતિજ ઉપર આ ઉમેદ થઈ રહ્યો છે. બીજા ભાઈઓ પણ ઈચ્છે તો મેદાન ઘણું વિશાલ છે. ભીડાભીડ થવાનો ભય નથી.

1933

[ત્રીજી આવૃત્તિ]

આ વાર્તાઓનું બન્યું તેટલું સંસ્કરણ કર્યું છે.

દુહાવાળી જે પાંચ-છ કથાઓ આમાં મૂકી છે, તેના જેવી અન્ય કથાઓનો સંગ્રહ ‘સોરઠી ગીતકથાઓ’ નામે પ્રસિદ્ધ છે. તેમાં એકંદરે આવા સાડા ચારસો દુહા છે.

‘રસધાર'ના પાંચ ભાગોએ એક ચોક્કસ પ્રકારનું બળવાન સોરઠી સાહિત્ય સજીવન કરવાની જે પ્રતિષ્ઠા બાંધી છે તે આટલાં વર્ષે પણ અણઝંખવાયેલી રહી છે એ મારું સદ્ભાગ્ય છે.


રાણપુરઃ 26-3-’42
ઝ૦ મે૦
 

[પાંચમી આવૃત્તિ]

આ કથાઓમાં આવતા દુહા-છંદોમાં કેટલીક ભૂલો અગાઉનાં મુદ્રણ વખતે શિથિલ પ્રૂફવાચનને કારણે ઉત્તરોત્તર દાખલ થઈ ગઈ હશે અને કેટલાક મૂળ પાઠો જ ક્ષતિવાળા હશે એ વાત તરફ ડિંગળી સાહિત્યના અભ્યાસી શ્રી રતુભાઈ રોહડિયાએ અમારું ધ્યાન દોર્યું અને આવી ભૂલો તારવી આપી. આ પછી પહેલાથી છેલ્લા પાના સુધીના તમામ કાવ્યાંશોની શુદ્ધિ તપાસી લેવાનું અમે યોગ્ય ધાર્યું. શ્રી રતુભાઈ રોહડિયા ઉપરાંત શ્રી તખતદાન રોહડિયાએ સૂચવેલાં ક્ષતિઓ-પાઠાન્તરો શ્રી મકરન્દ દવેની વિવેકવંતી સરાણે ચડીને પાર ઊતર્યા એ આ આવૃત્તિમાં સમાવી લીધાં છે. આ દરમિયાન કેટલીક શંકાઓ ઊભી થઈ એ અંગેની સ્પષ્ટતાઓ શ્રી બળદેવભાઈ નરેલાએ અને શ્રી જયમલ્લ પરમારે પૂરી પાડી છે. રસધારના ત્રીજા ભાગને છેડે (અને ચોથા ભાગની ત્રીજી આવૃત્તિને અંતે) તળપદા સોરઠી શબ્દો અને રૂઢિપ્રયોગોના અર્થો આપ્યા છે. કથાઓમાં આવતા બીજા અનેક શબ્દો અને રૂઢિપ્રયોગોના અર્થો આટલા કાળાન્તરે ઉમેરવા જેવા લાગ્યા એ શ્રી ખોડીદાસ પરમારે તૈયાર કરી આપ્યા એનો ઉપયોગ કરીને આ અર્થસારણી વિસ્તારી છે. આ ઉમેરણને પણ શ્રી મકરન્દ દવેની ચકાસણીનો લાભ મળ્યો છે. રસધારની આ આવૃત્તિ હવે આમ વિશેષ પ્રમાણભૂત બને છે એમાં આ સહુ મિત્રો-સ્નેહીઓના ઝાઝા હાથ રળિયામણા નીવડ્યા છે. એમાં એમનો ‘રસધાર’ અને તેના લેખક પ્રત્યેનો ઊંચો પ્રેમાદર જોઈએ છીએ અને અમારો આભાર વ્યક્ત કરીએ છીએ.

28 ઑગસ્ટ 1980: 84મી મેઘાણી-જયન્તી
જયંત મેઘાણી
 

‘સોરઠી બોલીનો કોશ’ અને ‘કાઠી અને ચારણી બોલીની ખાસિયતો’ એ બેઉ પરિશિષ્ટો સૌરાષ્ટ્રની રસધારની અગાઉની આવૃત્તિઓમાં ત્રીજા ભાગમાં હતા. એ સામગ્રી હવે પાંચમા ભાગના અંતમાં મૂકી છે. પાંચેય ભાગની કથાઓની સંકલિત સૂચિ પણ હવે પાંચમા ભાગમાં ઉમેરી છે.

2003
જયંત મેઘાણી