રસધાર ૫/ભલેં ઊગા ભાણ!

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← નિવેદન સૌરાષ્ટ્રની રસધાર ૫
નિવેદન
ઝવેરચંદ મેઘાણી
કરિયાવર →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


ભલેં ઊગા ભાણ!

[સૂર્યસ્તવન]

નિત્ય પ્રભાતે નદીને તીરે ઊભા રહી, ઉગમણી દિશાએ ઉદય પામતા સૂર્યદેવનાં વારણાં લેતા લેતા, ભુજાઓ અને મસ્તક લડાવતા લડાવતા ચારણો એની કાલી મીઠી વાણીમાં નીચેના દુહાથી સૂર્યદેવને સંબોધે છેઃ

ભલેં ઊગા ભાણ,
ભાણ તુંહારાં ભામણાં,
મરણ જીયણ લગ માણ,
રાખો કાશપરાઉત!

હે ભાનુ ! તમે ભલે ઊગ્યા. તમારાં વારણાં લઉં છું. હે બાપ ! હે કશ્યપ મુનિના કુમાર ! એટલી જ યાચના છે કે મૃત્યુ સુધી અમારાં માન-આબરૂનું જતન કરજો.

કાશપ જેહડો ન કોય..
(જે ને) દણીઅણ જેહડા દીકરા,
લખદળ ભાંગે લોય,
ઊગે ને અંજવાળા કરે.

અહો! કશ્યપ મુનિ જેવો બીજો કયો ભાગ્યવંત કહેવાય ! સુર્ય સરખા તો જેને ઘેર દીકરા છે : અને કેવો એ દીકરો ! પ્રભાતે લાખો અસુરોનાં સૈન્યને સંહારીને ઊગી અજવાળાં ફેલાવે છે.

ઊગેવું અચૂક,
ઊગાનું આળસ નહીં,
ચળુ ન પડે ચૂક,
કમણે કાશપરાઉત!

હે કશ્યપના કુમાર! તમારે કંઈ ઊગવામાં આળસ છે! આજ  કોટિ કોટિ વર્ષો વીત્યાં, પણ કદીયે તમારા ઉદય-કાળમાં એક ઘડીનીયે ચૂક નથી પડી. સદાયે અચૂક ક્ષણે ઊગતા આવ્યા છો.

તેજ-પંજર, તિમ્મર-ટળણ,
ભયા કાશપકુળ-ભાણ,
અમલાં વેળા આપને,
રંગ હો, સૂરજરાણ!


કશ્યપકુળના હે ભાનુ ! તેજના પુંજ ! હે તિમિરના ટાળણહાર ! હે રાજા ! કસુંબાની અંજલિ લેવાને આ સમયે અમે આપને જ રંગ દઈએ છીએ. આપના નામનો ધન્યવાદ ગજાવી અમે અફીણ પીએ છીએ.

સામસામા ભડ આફળે,
ભાંગે કેતારા ભ્રમ્મ,
તણ વેળા કાશપ તણા
(તમે)સૂરજ રાખો શરમ્મ.


સામસામા શૂરવીરો લડી રહ્યા હોય, ભલભલા વીર પુરુષોની આબરૂ પણ ધૂળ મળતી હોય, તેવે યુદ્ધને ટાણે, હે સૂરજ ! હે કશ્યપના (પુત્ર) ! તમે મારી ઇજ્જત રાખજો. મને મરદની રીતે મરવાની સુબુદ્ધિ દેજો. પીઠ દેખાડવાનો પાપી વિચાર કરવા ન દેજો.

તું ઊગાં ટળિયાં તમ્મર,
ગૌ છૂટા ગાળા,
તસગર ભે ટાણા,
દન કર કાશપદેવાઉત !

હે કશ્યપદેવના કુંવર ! તું ઊગતાં તો તિમિર ટળ્યાં, ગાયોની ડોકેથી ગાળા છૂટ્યા અને ચોરનો ભય ભાગ્યો. દિવસ થયો.

અળ પર ઊગતાં અરક,
ઓસડ તું અંધાર,
થે ઝાલર ઝણકાર,
દીઓળે કાશપદેવાઉત !

હે અર્ક ! પૃથ્વી ઉપર તારો ઉદય થતાં તો અંધકાર ઊતરી જાય છે. અને દેવાલયોમાં ઝાલરના ઝંકાર થાય છે.

તારાં અજવાળાં તણો
મે’મા કાંઉ મા’રાજ,
અયણું ચારણ આજ,
કીં રે’ કાશપરાઉત !


હે મહારાજ ! તારા પ્રકાશનો મહિમા તો હવે મારે કેટલાક ગાવો ? તું આવો મહિમાવંત છતાં શું આજ આ ગરીબ ચારણ એક ભેંસ વિનાનો રહેશે? અરે, રહે કદી?

સૂરજ સાંભળતલ થિયો.
જગની રાવ જકે,
ચારણ છાશ પખે,
કીં રે' કાશપરાઉત!


આખા જગતની રાવ સાંભળવા જ્યારે સૂર્ય જેવો દાતાર બેઠો છે ત્યારે ચારણ છાશ વિના રહે કદી? ચારણને છાશ ખાવા જરૂર એક દુઝાણું સૂરજ દેશે.

સવારે ઊઠેં કરે
કરે સૂરજની આશ,
(એને) ગોરસ રસ ને ગ્રાસ !
દેશે કાશપદેવઉત !


સવારે ઊઠીને જે સૂર્યની આશા કરશે તેને ગોરસ, બીજાં રસવાળાં ખાદ્યો અને ગરાસ એ કશ્યપનો કુમાર બક્ષશે.

ચોખા મગ તલ જવ ચણા
બાજ ઘઉં બોળા,
સૂરજ સવરોળા,
દેજો કાશપદેવાઉત !


હે કશ્યપદેવના કુમાર ! હે સવરોળા (કૃપાવંત) સૂર્ય ! અમને ચોખા, મગ, તલ, ગોળ, ચણા ને બહોળા ઘઉં-બાજરા દેજો.

સૂરજથી ધન સાંપડે,
સૂરજથી ધણ્ય હોય,
સૂરજ કેરે સમરણે,
દોખી ન લંજે કોય.

સૂર્યની મહેરથી દ્રવ્ય મળે, સ્ત્રી મળે; એનું સ્મરણ કરીએ એટલે દુશ્મન પણ ઇજા ન કરી શકે.

સૂરજ ને શેષનાગ,
બેય ત્રોવડ કે’વાય
એકે ધરતી સર ધરી,
એકે ઊગ્યે વાણું વાય.

સૂર્ય અને શેષનાગ બંને સરખા શક્તિમાન કહેવાય; કેમકે શેષનાગ ધરતીને શિર પર ઉપાડે છે, તો સૂર્ય ઉદય થાય છે ત્યારે જ સવાર પડી શકે છે.

કે’ દાદર કે’ ડાકલાં
કે પુંજે પાખાણ,
રાત ન ભાંગે રાણ,
કમણે કાશપરાઉત!

કોઈ મનુષ્યો કાળજી કરીને અમુક દેવતાનું આરાધન કરે; કોઈ વળી ડાકલાં વગાડીને વિકરાળ દેવદેવીઓને ઉપાસે; કોઈ પથ્થરોને પૂજે. પણ હે કશ્યપના કુમાર ! તમારા વિના અન્ય કોઈ દેવીની મગદૂર નથી કે રાત્રિને ભાંગી શકે.

સૂરજ પ્રત્યક્ષ દેવ હે.
નર વંદે પખાણ,
ઈસર કે ઉમૈયા સૂણો,
એતાં લોક અજાણ.

શંકર કહે છે કે હે ઉમિયાજી ! સાંભળો, સૂરજ સરખા પ્રત્યક્ષ દેવને છોડીને પથ્થરને પૂજનારાં મનુષ્યો તો અજ્ઞાન છે.