રસિકવલ્લભ/પદ-૧
રસિકવલ્લભ પદ-૧ દયારામ |
પદ-૨ → |
પદ ૧ લું-રાગ સામેરી
પ્રથમ જ પ્રણમું શ્રી ગુરુપાયે'જી, વાહાલ્યે વંદુ શ્રીવ્રજરાયે'જી;
અષ્ટ સખા વંદુ હરિરૂપજી, રસિક શિરોમણિ કવિકુલભૂપજી. ૧
મુજને જાણી સહુ નિજ દાસજી, મુજ હ્રદયમાં પૂરો વાસજી;
મુજને ભાસે નિજ પ્રભુ પંથજી, રચું "રસિકવલ્લભ" શુભ ગ્રંથજી. ૨
ઢાળ
આ ગ્રંથરચના કરું છું, ગુરૂશિષ્ય સંવાદે કરી;
જેમાં ખંડન માયાવાદ શુદ્ધાદ્વૈત પ્રતિપાદન ભરી.૩
જે થકી સહુ સંદેહ ટળે, સિદ્ધાંત સૂધો ભાસે;
પડે પ્રતીતિ પર્વતપ્રાયે નિશ્ચે ભ્રમણ ભ્રાંતિ નાસે. ૪
હોય પ્રગટ ભક્તિ પ્રેમ, શ્રીગિરિધર વસે ઉરમાંહ;
નિજ કરી કરૂણાદૃષ્ટિ ભાળે સહજ ઝાલે બાંહ. ૫
એવું કથન હું કરું છું શ્રીકૃષ્ણપ્રતાપ;
સ્થાપન સગુણ સાકારનું હરિ વિશ્વકર્તા આપ. ૬
નિત્ય ધર્મ સેવક સ્વામીનો એકતા નહિ કો કાળ;
ઇત્યાદિ વર્ણન કરીશ સરલ જેમ સમજે બાળ. ૭
ગ્રહી શાસ્ત્રમત ઇતિહાસ અદ્ભુત યુક્તિસહ દૃષ્ટાંત;
જે સુણ્યેથી જન દયાપ્રીતમ કૃષ્ણ પદ રહે ચંત. ૮