રસિકવલ્લભ/પદ-૧૦૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પદ-૧૦૨ રસિકવલ્લભ
પદ-૧૦૩
દયારામ
પદ-૧૦૪ →


પદ ૧૦૨ જું

અજામિલ મહા અઘનું ધામજી, તેવી ગુણકા પાપનું ગ્રામજી;
શુતશુકમિષ લીધું હરિનામજી, તેને આપ્યું પ્રભુ નિજ ધામજી.
'કર્તૃમ્‌' લક્ષણ હરિએ ભાખ્યુંજી, દ્વિદલ મીમાંસા ખંડી નાખ્યુંજી;
અંબરીષ માટે ચક્રે દમિયાજી, હરિશરણે દુર્વાસા નમિયાજી.

ઢાળ

નમિયા તદપિ દુઃખ ના જ હર્યું, હરિ આર્ત ત્રાતા ઈશ;
બ્રહ્મણ્ય દેવ ન શરણાગત વત્સલ થયા જગદીશ.

મહાવિભુ તદપિ ન અભય આપ્યું, નમાવ્યા નૃપ પાય,
હરિ 'અકર્તુમ્‌' લક્ષણ તણો, એ કથ્યો અણુ મહિમાય.
સૌભરી મુનિ શુચિઅસંગી, જલ ભીતર જપ અવિનાશ;
રતિ મચ્છ દાખી ચળાવ્યા, પરણિયા સ્ત્રી પંચાશ.
મૃગ દયા પાળ્યો તદપિ, દ્વિ જન્મ ધરાવ્યા હરિ ભરત;
અઘ નામ ગતિ મુચકુંદ તે, પ્રભુ પ્રકટ મુક્તિ ન તરત.
પુરી અયોધ્યા વૈકુંઠ સહુ, નિજ પિતા પ્રેમી સ્વર્ગ;
મહાપાપી પારધી ગીધ આદિ અલ્પમાં અપવર્ગ.
એ 'અન્યથાકર્તુમ્‌' સુલક્ષણ, શ્રીપતિમાં સત્ય;
જન દયાપ્રીતમ કૃષ્ણ અતકર્ય, માહાત્મ્ય અકલિત ગત્ય.