લખાણ પર જાઓ

રસિકવલ્લભ/પદ-૩

વિકિસ્રોતમાંથી
← પદ-૨ રસિકવલ્લભ
પદ-૩
દયારામ
પદ-૪ →


પદ ૨ જું.

વિના વિવેકે જ્યહાં ત્યાં રાચું જી, જેહ સુણું તે જાણું સાચું જી;
ભ્રમ ચકડોળે ચડ્યું ચિત્ત મારૂં જી, નિશ્ચે ન થયું આ એક સારૂં જી. ૧ []
એમ ભ્રમ્યો હું દ્વાદશ વર્ષ જી, તીર્થ કર્યા પણ હ્રદય ન હર્ષ જી;
હજુ લગી નિશ્ચે નથી એક ઇષ્ટ જી, સહુ પથ સરખા ન એકો મિષ્ટ જી. ૨ []

ઢાળ

તો મિષ્ટ લાગે મનથી, જો નિશ્ચય આવે એકમાં;
સહુ વાતમાં ભ્રમ રહે છે, સમજુ ન સત્ય વિવેકમાં. ૩

પરિપૂર્ણ જ્ઞાની ભલો, કે, સમજાવવો ભલ મુગ્ધ;
અધ–બળ્યો સુધરે નહિ, જ્યમ સુધરે વચળ્યું દુગ્ઘ. ૪ []

નથી અધમ ઉત્તમ પરીક્ષા, મન થયું માટીની ડલી;
મધુ મૂત્ર વા જલ કૂપ નદી, સહુ સ્પર્શથી જાયજ ગલી. ૫ []

શિવ શક્તિ ગણપતિ રવિ હરિ, ગુણ સાંભળ્યા જ્યાં જેહ;
તે વિશ્વકર્ત્તા કહ્યા છે આદિ અનાદિ તેહ. ૬

તે વચન સર્વે વ્યાસનાં, મિથ્યા ન કોઈ કે’વાય;
તે થકી નિર્ણય થાય નહિ એક, સદા મન ડો’ળાય. ૭

એવી દશા છે માહરી, મેં પ્રકટ કહી ગુરૂરાય;
તમો દયાપ્રીતમના પ્રિયે, કહિ શિશ મુકું પાય. ૮



  1. ૧ ભ્રમ ચકડોળ – ભ્રમરૂપી ચકડોલ ( ચકડોલ ).
  2. ૨.પથ–માર્ગ–સંપ્રદાય.
  3. ૪ મુગ્ધ–મૂઢ વચળ્યું–બગડેલું દૂધ જેમ સુધરે નહિ તેમ અધબળ્યો — અર્ધદગ્ધ સુધરે નહિ. ભર્તુહરિ પણ એવું જ કહે છે. જેમ हितोपदेशम् 05क|अज्ञः सुखम् आराध्यः सुखतरम् आराध्यते विशेषज्ञः। ज्ञान-लव-दुर्विदग्धं ब्रह्मापि नरं न रञ्जयति॥
  4. ૫. ડલી– ઢેપું, ( ढेकूळ lump मराठी—अंग्रेजी kosha) જેમ માટીનું ઢેપું મધુમાં, મૂત્રમાં, કૂવાના જળમાં કે નદીના જળમાં, ગમે તેમાં નાખો તોપણ ગળી જશે તેમ હું પણ્ ઉત્તમ અધમની પરીક્ષા વિના ગમે તેના બોધથી ગળી જતો હતો, એ ભાવ છે. સહુ-સહુના.