લખાણ પર જાઓ

રસિકવલ્લભ/પદ-૪૮

વિકિસ્રોતમાંથી
← પદ-૪૭ રસિકવલ્લભ
પદ-૪૮
દયારામ
પદ-૪૯ →


પદ ૪૭ મું

કહેશો ક્યમ નહિ સમતા કોયજી, કહું સમજાવી સમજ ન હોયજી;
નિજ આજ્ઞા બ્રહમા તપ કીધોજી, રાસમંડળમાં ક્યારે લીધો જી?
જોગ જુગતિમાં શંકર પૂરાજી, પરમ તત્ત્વમાં મન ચકચુરાજી;
ભુજ ધરી ગ્રીવા નંદકુમારેજી, ગાન કર્યું કહો હળીમળી ક્યારેજી?

ઢાળ

જે ક્યારે બગદાલભ્યઋષિ ભિંજતા વૃષ્ટિ માંહે;
જો વ્રજપતિ ધરી ગિરિ, કર શિશ કીધી છાંહે.
તપપુંજ દુર્વાસા ઋષિ, તૃણ દુર્વા નિત્યાહાર;
દુઃખી ચક્રાનલ દેખીને ક્યમ પીધો ન નંદકુમાર ?

મુનિ માર્કંડેય જ્ઞાની યોગી, તેને નિજ ભરમાવ્યા;
શત કલ્પ વિત્યા જળ વિષે, તોહે વરુણથી ન મૂકાવ્યા.
નિજ ભક્ત વિરહે કૃષ્ણ કાતર, કૃપામય શ્રુતિગાય;
હરિ જીતવાનો શુદ્ધ ભક્તિ, સમ ન એકે ઉપાય.
કોટિ કલ્પ લગી તપ સમાધિ, ધ્યાનાદિક કરી કોય;
અઘરહિત જન થાયે તદા, ઉર ઉદયભક્તિ હોય.
તે પણ સહેતુ અહેતુકી હરિકૃપા વણ નવ થાય;
થઈ તદા દુર્લભ કશું નહિ, વશ દયાપ્રીતમ રાય.