લખાણ પર જાઓ

રસિકવલ્લભ/પદ-૬૯

વિકિસ્રોતમાંથી
← પદ-૬૮ રસિકવલ્લભ
પદ-૬૯
દયારામ
પદ-૭૦ →


પદ ૬૮ મું

સ્પર્ષમણિનું પૂર અભિરામજી, ચિંતામણિમય રચિયું ધામજી,
કામધેનુ ઘેર અક્ષયપાત્રજી, વાડ વાટિકા સુરદ્રુમ માત્રજી.
નવગ્રહ સિદ્ધિ સહુ આધીનજી, સહુ જગ જેની આગળ દીનજી;
જો નથી ભક્તિ નંદકુમારજી, તો એ પામ્યું સહુ ધિક્કારજી.

ઢાળ

ધિક્કારેઅ ઇત્યાદિ કલિમલ તુલ્ય વહે હરિભક્તિ;
જે ભૂલ્યા સકલ પ્રપંચ દૃઢ શ્રી કૃષ્ણરૂપાસક્ત,
જ્યમ જીવે ફણી મણી જોઇને, જલ મજ્ઞ જીવે મચ્છ,
તે વિના પ્રાણ નટકે ક્ષણ, એવી અનન્ય પ્રીતિ સ્વચ્છ.
નવધા ખરી પણ પ્રેમભક્તિતણું બલ છે અત્ય;
તે વિના રસિકચૂડામણિ હરિ, વશ ન થાય એ સત્ય.
જ્યમ પુષ્પ નાના જાતિપર ટકી મધુપ લે ક્ષણું ગંધ;
પણ કમલવણ બંધન ન કહું, એમ સમજ ઉભય સંબંધ.
જીત્યો અજિત બાંધે અબધ બલપાશ અતિશયપ્રેમ,

હરિ ક્રીડામૃગ પ્રેમી કર્યા, ભૂલવ્યાં વચન શ્રુતિ નેમ.
કદી ત્રૂટે વજ્રની શૃંખલા, પણ પ્રણયપાશ ન તૂટે;
જ્યાં દયાપ્રીતમ કૃષ્ણને મન, બેહુનું બલ ખૂટે.