રસિકવલ્લભ/પદ-૯૧
← પદ-૯૦ | રસિકવલ્લભ પદ-૯૧ દયારામ |
પદ-૯૨ → |
પદ ૯૦ મું
તુલસીદલ ઉતર્યું જગદીશજી, ભ્રમણ કરે જે ધરી ઉરશિશજી;
પ્રતિપદ ફલ લે દશ હયમેઘજી, નિશ્ચે નિશ્ચે નહીં અણુ વેધજી. ૧
તુલસીકાષ્ટની રચિત સુદામજી, ધરે પ્રસાદી શ્રીઘનશ્યામજી;
પાપરહિત નિશ્ચે છે તેહજી, વહન કરે ભક્તિથી જેહજી. ૨
ઢાળ
ભક્તિ સહિત ભૂષણ કરે, શુભ તુલસી કાષ્ઠની માળ;
તેને પ્રાયશ્ચિત નહિ, નહિ અશુચિ તનુ કો કાલ. ૩
કાષ્ઠ સુકું પત્ર વા, તુલસી તણું જે ઘેર;
ત્યાં પાપનો ન સંબંધ કદિ, નિત્યે સુમતિ હરિમેર. ૪
ગ્રીવ કાષ્ઠ તુલસી માલા લખી, યમદૂત દૂર પલાય;
કૃતિ દેવ પિત્રી સુકૃત સઘળું, કોટિ ઘણું થઈ જાય. ૫
દુર્નિમિત્ત ન , દુરસ્વપ્ન ભય નહિ, ઉભય લોકાનંદ;
નિશ્ચલ સદા શ્રીકૃષ્ણ ભક્તિ, નહિ કદાપિ મંદ. ૬
નથી માળ તુળસીકાષ્ઠ ધરતાં, પાપ મોહિત મુગ્ધ;
તેને ન નરકથી નિવૃત્તિ, હરિકોપાગ્નિથી દગ્ધ. ૭
જે ધરે છે યજ્ઞિપવિવત્ સતત શ્રદ્ધાવંત;
જન દયાપ્રીતમ કૃષ્ણ વલ્લભ, સદા ગુરૂ સહ સંત. ૮