રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/ગૌરીબાઈ

વિકિસ્રોતમાંથી
← ઉધમબાઈ રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
ગૌરીબાઈ
શિવપ્રસાદ દલપતરામ પંડિત
દાઈ કોયલ →


५१-गौरीबाई

જે સન્નારીનું ચરિત્ર અમે આપવા માગીએ છીએ તે આપણા ગુજરાતના રત્ન ભંડારમાંનું એક અમૂલ્ય રત્ન હતું. ગૌરીબાઈનો જન્મ ગીરપુર અથવા ડુંગરપુર નામના શહેરમાં સંવત ૧૮૧૫ માં નાગર જ્ઞાતિમાં થયો હતો. બચપણથી જ એ ઘણી શાણી છોકરી હતી. વારેઘડીએ રોઈને તથા તોફાન કરીને માતપિતાને કષ્ટ આપતી નહોતી.

ગૌરીબાઈની ઉંમર પાંચ છ વર્ષની થઈ, ત્યારે તેના પિતાએ તેનું લગ્ન કરી દીધું. પાંચ વર્ષની બાલિકા લગ્નમાં શું સમજે ? પરંતુ બાળલગ્નના દુષ્ટ રિવાજે નાગર જેવી ચતુર અને ધર્મશાસ્ત્રનું રહસ્ય સમજનારી જ્ઞાતિમાં પણ પૂરેપૂરો પગપેસારો કર્યો હતો. નિર્દોષ બાલિકા ગૌરીબાઈને પણ બાળલગ્નના ભોગ થવું પડ્યું. લગ્ન થઈ ગયા પછી, આઠજ દિવસમાં તેના પતિનો દેહાંત થઈ ગયો. હાય દેવ ! કેવું કષ્ટ ! પાંચ વર્ષની બાલિકા ઉપર કેટલો બધો કોપ ! સુકુમાર પુષ્પ ઉપર કેવો સખ્ત વજ્રાઘાત !!

પાંચ વર્ષની વય સુધી તો ગૌરીએ રમતગમતમાં પોતાનો સમય ગાળ્યો હતો. હવે પતિના મૃત્યુથી એ બધી નિર્દોષ રમતગમતનો પણ અંત આવ્યો. એ કોમળ કન્યાને સમજાવવામાં આવ્યું કે, “તારા સંસારસુખનો સૂર્ય સદાને માટે અસ્ત પામી ગયો છે. રમતગમત, હસવું, કૂદવું, સારૂં ખાવુંપીવું એ બધું તારે માટે નિષિદ્ધ છે. જે રંગબેરંગી સાળુઓ તું તારી બીજી બહેનપણીઓને પહેરતાં જોઈશ, તે પહેરવાનો અધિકાર તને હવે રહ્યો નથી. નાપિતનો કઠોર હાથ કુદરતે આપેલા સુંદર લાંબા કેશને પણ તારા મસ્તક ઉપર નહિ રહેવા દે. જે મંગળ અનુષ્ઠાનોમાં અત્યાર સુધી કુમારિકા તરીકે તારો પ્રથમ આદરસત્કાર થતો હતો, તેજ મંગળ અનુષ્ઠાનોમાં તારું દર્શન પણ અપશુકનસૂચક મનાશે.”

પાંચ વર્ષની ગૌરી આ બધો ઉપદેશ સમજી શકી હશે કે કેમ એ તો પ્રભુ જાણે, પરંતુ તેના હૃદયમાં એટલી તો ખાતરી થઈ ગઈ કે, તેના જીવનમાં કોઈ અદ્‌ભુત ફેરફાર થઈ ગયો છે. ચારે તરફ તેને શૂન્યતા દેખાવા લાગી. તેના મુખકમળ ઉપરનું હાસ્ય સદાને માટે ચાલ્યું ગયું. પાંચ વર્ષની બાલિકા સંસારમાં પ્રવેશ કરતા પહેલાં જ સંસારથી વિરક્ત બની ગઈ.

ગૌરીબાઈનો પિતા ઘણો સમજુ અને વિદ્વાન હતો. તેણે ગૌરીબાઈને વિદ્યાભ્યાસ કરાવવો શરૂ કર્યો. લખતાં-વાંચતાં શીખવ્યા પછી, તેણે ગૌરીબાઈને ગીતા આદિ ધર્મગ્રંથનો પાઠ કરતાં શીખવ્યું. ગૌરીબાઈને પણ વાંચવાલખવાનો ઘણોજ શોખ ઉપન્ન થયો. તેર વર્ષની વયે તો એણે ઘરની બહાર જવું પણ છોડી દીધું. ઘરના ખૂણામાં એ એકાંતવાસ સેવવા લાગી. વયની સાથે તેના સદ્‌ગુણોનો વિકાસ પણ થવા લાગ્યો. ધીમે ધીમે તેની વિદ્વત્તા અને સદ્‌ગુણોની પ્રશંસા આખા શહેરમાં ફેલાઈ ગઈ અને ગામની અન્ય સ્ત્રીઓ તેનાં દર્શન કરવા સારૂ આવવા લાગી.

તેર વર્ષની ઉંમરમાં ગૌરીબાઈએ યોગાભ્યાસમાં પોતાનું ચિત્ત પરોવ્યું હતું. એ વિષયમાં તેનો અભ્યાસ એટલો બધો વધી ગયો હતો કે, તે સમાધિ લગાડી શકતી હતી. તેના જ્ઞાન તથા યોગની સિદ્ધિઓથી બધાં આશ્ચર્યચકિત થઈ જવા લાગ્યાં. સૂર્ય પ્રકાશ જેમ વાદળાંથી છુપાયેલો રહી શકતો નથી, તેમ ગૌરીબાઈના સદ્‌ગુણોની પ્રશંસા પણ તેના ઘરના ખૂણામાં બેસી રહ્યાથી બંધ ન રહી. તેના સદ્‌ગુણોની પ્રશંસા આખરે એ ગામના રાજાના કાન સુધી પહોંચી. એ પોતે તેનાં દર્શન કરવા સારૂ તેને ઘેર પહોંચ્યા. તેના ચમત્કાર, તેની તીવ્ર બુદ્ધિ, તેની સમાધિ, તેનો સરળ સ્વભાવ તથા તેના અમૂલ્ય ઉપદેશથી રાજ શિવસિંહ ઘણોજ પ્રસન્ન થઈ ગયો અને મુક્તકંઠથી ગૌરીબાઈની સ્તુતિ કરવા લાગ્યો, એટલું જ નહિ પણ તેણે ગૌરીબાઈને માટે હજારો રૂપિયા ખર્ચ કરીને, એક મોટું મંદિર અને તળાવ બંધાવી આપ્યાં તથા એ બન્ને વાનાં ગૌરીબાઈને સમર્પણ કરીને એમાં રહેવાની પ્રાર્થના કરી.

સં. ૧૮૩૮ને માઘ સુદી ૬ને દિને ગૌરીબાઈએ એ મંદિરમાં પોતાના ઈષ્ટદેવની સ્થાપના કરી અને ૨૩ વર્ષની વયથી ઘરબાર છોડીને એ મંદિરમાં જ રહેવા લાગી. તેના ઉપદેશથી રાજાએ  મંદિરની પાસે એક ધર્મશાળા બંધાવી આપી તથા સદાવ્રતનો પણ બંદોબસ્ત કર્યો. હવે સેંકડો સાધુસંત તથા વટેમાર્ગુઓ ત્યાં આવીને આશ્રય લેવા લાગ્યા. દૂર દેશાવરથી લોકો ગૌરીબાઈનાં દર્શન કરવા આવવા લાગ્યા અને ત્યાં મોટી ભીડ જામવા લાગી.

એક દિવસ સાધુઓની એક મોટી જમાત આવીને એ ધર્મશાળામાં ઊતરી. એ જમાતમાં એક સાધુ ઘણો વિદ્વાન અને યોગી હતો. ગોરીબાઈને જોઈને એ પ્રસન્ન થઈને બોલ્યો “બેટા! હું તારાથી ઘણો પ્રસન્ન થયો છું. તું મીરાંબાઈનો અવતાર છે. એ જન્મમાં જ્ઞાનની થોડીક કસર રહી ગઈ હતી, તે પૂરી કરવા તારે ફરીથી અવતાર લેવો પડ્યો છે.”

એટલું કહીને સાધુ મહાશય બાઈને એકાંત સ્થાનમાં લઈ ગયા અને બ્રહ્મજ્ઞાન્, આત્મજ્ઞાન તથા યોગવિદ્યાનો પૂરો ઉપદેશ આપીને બોલ્યા: “બસ, હવે વધારે વિલંબ નથી, તું હવે જ્ઞાન અને યોગમાર્ગમાં પ્રવીણ થઈ ગઈ છું.” સાધુએ ગૌરીબાઈને બાલમુકુંદજીની મૂર્તિ આપી તથા તેના માથા ઉપર હાથ મૂકી આશીર્વાદ દઈને અંતર્ધાન થઈ ગયા. લોકોને એથી ઘણું આશ્ચર્ય પામ્યા અને ગૌરીબાઈની પ્રશંસા કરવા લાગ્યા.

એ દિવસથી ગૌરીબાઈ સમાધિમાં વધારે લીન રહેવા લાગી. એમ કહેવાય છે કે, ધીમે ધીમે એને સમાધિનો એટલો બધો અભ્યાસ થઈ ગયો કે એ પંદર દિવસ સુધી ખાવુંપીવું છોડી દઈને શ્વાસ રૂંધીને સમાધિમાં બેસી રહેતી. જ્યારે એ સમાધિમાં બેસતી હતી, ત્યારે લોકો એને એક ઓરડીમાં કુશાસન પર બિરાજેલી છોડી જઈને બહારથી તાળું વાસી દેતા. કોઈ મનુષ્ય એની પાસે જઈ શકતું નહિ. સમાધિ છૂટ્યા પછી બધા સેવકો તેને બહાર લાવતા અને ગરમ પાણીથી સ્નાન કરાવીને પૂજન કરતા. થોડાક જ દિવસમાં ગૌરીબાઈને વચનસિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ અર્થાત્ એના મોંમાંથી જે કાંઈ શબ્દો નીકળતા તે સત્ય નીવડતા. લોકોની ભક્તિ તેના ઉપર ઘણી જ વધી ગઈ અને બધા તેને સાક્ષાત માતા ભગવતીના જેવી ગણવા લાગ્યા. સમાધિ કરવાનો અભ્યાસ કરવા માંડ્યો ત્યારથી એ કેવળ અચ્છેર દૂધ ઉપરજ રહેતી હતી.

સંવત ૧૮૬૦ સુધી આ પ્રમાણે થતું રહ્યું. આખરે તેણે જોયું કે દર્શન કરવા સારૂ લોકોના આવ્યા ગયાથી ઘણી ભીડ રહે છે  અને દૈનિક કર્મ કરવામાં અડચણ પડે છે, તેથી યાત્રા કરવા જવાનો સંકલ્પ કર્યો અને ડુંગરપુરમાંથી પ્રયાણ કર્યું. રસ્તામાં એ જયપુર શહેરમાં ઊતરી. ત્યાંના રાજાએ તેનો ઘણો આદરસત્કાર કર્યો તથા પાંચ મહોરો ભેટ કરી અને જયપુરમાંજ વસવાની પ્રાર્થના કરી; પરંતુ ગૌરીબાઈએ તેમની એ પ્રાર્થનાનો સ્વીકાર ન કર્યો તથા એ સેનામહોરો પણ પાછી આપી. જયપુરના મહારાજના ઘણાજ આગ્રહને વશ થઈને એ પાંચ મહેરો તો એને સ્વીકારવી જ પડી, પણ એમાંથી એક પૈસો પણ એણે પોતાના ઉપયોગમાં લીધો નહિ. બધા પૈસા બ્રાહ્મણોમાં વહેંચી દીધા. ત્યાંથી એ મથુરા, વૃંદાવન આદિ તીર્થોમાં ફરતી ફરતી કાશીમાં જઈ પહોંચી અને ગંગાના કિનારે એક ઝુંપડી બાંધીને ત્યાં રહેવા લાગી.

બનારસના રાજા સુંદરસિંહ ઘણા ધાર્મિક અને સાધુસંતોના ભક્ત હતા. ગૌરીબાઈના કાશીમાં પધાર્યાના સમાચાર સાંભળતાંવારજ એ ત્યાં પહોંચ્યા અને પચાસ હજાર રૂપિયા ગોરીબાઈને ભેટ કર્યા તથા તેની ઘણી સ્તુતિ કરી.

ગૌરીબાઈ ત્યાંથી ચાલીને જગન્નાથપુરી અને રામેશ્વરની યાત્રા કરતી કરતી પાછી બનારસ પહોંચી અને થોડા દિવસ ત્યાંજ રહી. એ અરસામાં પણ એ દરરોજ સમાધિ કરતી.

ગૌરીબાઈની પૂરી કૃપા તેના એક ભાણેજની કન્યા ચતુરીબાઈ ઉપર હતી. ચતુરીબાઈને ગૌરીબાઈનો સત્સંગ પૂરો લાગ્યો હતો. તેની વૃત્તિ સાંસારિક કામો ઉપરથી બિલકુલ ઊઠી ગઈ હતી. તે ગૌરીબાઈના ચરિત્રનું ધ્યાનપૂર્વક અવલોકન કરતી હતી અને તેને જ પગલે ચાલતી હતી. મૃત્યુકાળ પાસે આવ્યો, ત્યારે ગૌરીબાઈને તેની ખબર યોગબળથી પહેલેથી જ પડી ગઈ હતી. ગૌરીઆઈના સદુપદેશથી ચતુરીબાઈનું હૃદય એટલું દૃઢ થઈ ગયું હતું કે, એ સાંસારિક સુખવૈભવોને તુચ્છ ગણીને ધિકકારતી હતી.

સાધુ પાસેથી પોતાને મળેલી મૂર્તિ પણ ગૌરીબાઈએ અંત સમયે ચતુરીબાઈને આપી હતી અને તેની અંતઃકરણપૂર્વક સેવા કરવાનો ઉપદેશ આપ્યો હતો.

સંવત ૧૮૬૫, ચૈત્ર સુદ ૯ ને દિને, મધ્યાહ્‌ન કાળે રઘુપતિ રામના જન્મોત્સવની આખા શહેરમાં ધામધૂમ થઈ રહી હતી, એ સમયે ગૌરીબાઈએ નશ્વર દેહનો ત્યાગ કર્યો. મૃત્યુ સમયે તેની વય પચાસ વર્ષની હતી.

ગૌરીબાઈને કવિતા રચવાનો સારો અભ્યાસ હતો, “એનાં ૬પર પદોની હસ્તલિખિત પ્રત છે, પણ તેમાંનાં જૂજ છપાયેલાં છે. કૃષ્ણ-બાળલીલા અને શિવ-સ્તુતિનાં કેટલાંક પદ છે અને ઘણાંક તો બ્રહ્મજ્ઞાનનાં છે. પ્રાચીન ગુજરાતીમાં વેદાંતી કવિ તરીકે તો અખો શ્રેષ્ઠ છે. તેનાં કાવ્ય પેઠે જ ગૌરીબાઈનાં બ્રહ્મજ્ઞાનનાં કાવ્યનો અર્થ સરળતાથી સમજી શકાય તેવો નથી. શુદ્ધ બ્રહ્મજ્ઞાનનાં પદમાં કવિતાની ઊર્મિ કાંઈક ઓછી છે, તેમાં અદ્વૈતમતનું પ્રતિપાદન કરેલું છે અને ઉપદેશ પણ છે. બીજા કાવ્યોમાં તેની ભાષા સંસ્કારી છે અને કેટલાંક કવિતામય સુંદર કાવ્યો એવા છે કે બીજી સ્ત્રી-કવિઓમાં નજરે પડતાં નથી. “વનેશ્વર વિશ્વમાં વિલાસ્યા, જેમ ફુલનામે બાસ,” "ચંદમેં તું ચૈતન્ય, સૂરજમેં તું તેજ, ” “ગવરી ભેટી બ્રહ્મસનાતન્, જેમ સાગરમાં ગંગ” વગેરે. એનાં કાવ્યનાં ઉદાહરણ તરીકે એક લઇએ:–

“હરિનામ બિના રે ઓર બોલના ક્યા? હરિકથા બિના ઓર સુનના ક્યા ? સુખસાગર સામળીઓ ત્યાગી, ફૂપ ડાબમેં ડોલના ક્યા ? ઘટ ગિરધર ગિરધારી પાયા, બાહેર દ્રિંગ અબ ખોલના ક્યા ? આત્મા અખંડ આવે ન જાવે, જન્મ નહિ તો ફિર મરના ક્યા ? ગવરી બ્રહ્મ સકલ મેં જાન્યા, જાન્યા તો જદ ખોલના ક્યા ?

બાળપણમાં વૈધવ્ય પ્રાપ્ત થયું, તથાપિ ગૌરીબાઈએ પોતાનું જીવન એળે ન ગાળતાં તેને સાર્થક કર્યું છે અને પોતાનું નામ અમર કરી ગઈ છે. ગુજરાતી સ્ત્રી કવિઓમાં એ સર્વથી સંસ્કારી હતી અને તેનું જ્ઞાન પણ સર્વથી ચઢિયાતું હતું."*[૧]

  1. * જુઓ શ્રી. વિદ્યાબહેન રમણભાઈ નીલકંઠ રચિત “ગુજરાતની સ્ત્રી-કવિઓ” વિષયક નિબંધ.