રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/સાહેબકુંવરી

વિકિસ્રોતમાંથી
← વીરા રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
સાહેબકુંવરી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
તાઇબાઈ →




४५–साहेबकुंवरी

પંજાબમાં પતિયાલા નામનું એક રાજ્ય છે. પંજાબમાં જમ્મુ અને કાશ્મીરથી ઊતરતો નંબર એ રાજ્યનો છે. એ ઘણું મોટું રાજ્ય છે અને એના રાજાને ૧૭ તોપોની સલામીનું માન છે. પંજાબના રાજા મહારાજાના દરબારમાં તેમની બીજી બેઠક છે.

એ રાજ્યમાં સાહેબસિંહ નામના એક રાજા થઈ ગયા છે. તેમનામાં રાજ્ય ચલાવવાની યોગ્યતા નહોતી, પરંતુ એમની બહેન સાહેબકુંવરી ઘણીજ યોગ્ય અને ચતુર હતી. પોતાના ભાઈને રાજ્યને કારભાર ચલાવવા માટે અયોગ્ય જોઈને બાઈ સાહેબકુંવરી પોતાના પતિની આજ્ઞાથી પતિયાલામાં રહીને રાજ્ય વહીવટ પોતે ચલાવવા લાગી. રાણી સાહેબકુંવરીના સુપ્રબંધથી રાજ્યની દશા ઘણી સુધરી ગઈ; સર્વ પ્રકારે રાજ્યની ઉન્નતિ થઈ અને પ્રજા પણ સુખશાંતિમાં રહેવા લાગી.

કોઈ પણ ગુણમાં સાહેબકુંવરી પુરુષો કરતાં ઊતરે એવી નહોતી. તેનામાં રાજ્યનો પ્રબંધ કરવાની જેવી યોગ્યતા હતી તેટલીજ યુદ્ધ કુશળતા અને વીરતા પણ હતી. એક વાર પોતાના પતિ સરદાર જયમલસિંહને એમના કાકાના છોકરા ફતેહસિંહે કેદ કર્યા અને તેમના રાજ્યને પોતાના કબજામાં લઈ લીધું. રાણી સાહેબકુંવરીને કાને આ વાત પહોંચી એટલે એ તરત ફોજ લઈને ફતેહગઢ પહોંચી અને સરદાર ફતેહસિંહને હરાવીને કેદમાંથી પતિને છોડાવ્યા તથા એમનું રાજ્ય પાછું અપાવ્યું.

સંવત ૧૭૯૪ માં મરાઠાઓની સેનાએ પતિયાલા ઉપર ચડાઈ કરી. કેટલાએક શીખ સરદારોને એ લોકોએ પોતાને સ્વાધીન કર્યા હતા અને હવે પતિયાલાને પણ શરણે આવવાની ખબર મોકલી હતી. મરાઠાઓ જાણતા હતા કે, પતિયાલાનો રાજ્યપ્રબંધ એક સ્ત્રીના હાથમાં છે, એટલે એને વશ કરવામાં શી વાર લાગવાની છે? પણ પતિયાલાની સ્થિતિ તો જુદાજ પ્રકારની હતી. પરતંત્ર થવાના સમાચાર સાંભળતાંવારજ રાણી સાહેબકુવરીનું હૃદય ક્રોધથી બળી જવા લાગ્યું. તેણે તરતજ યુદ્ધની તૈયારી કરી અને સાત હજાર સૈનિકોને મરાઠાઓની સાથે લડવા માટે મોકલ્યા. અંબાલાની પાસે મરદાનપુરના મેદાનમાં યુદ્ધ થયું. એ સમયે મરાઠાઓ પણ વીરતા, પરાક્રમ અને યુદ્ધનિપુણતામાં એક્કાજ હતા. પતિયાલાની શીખસેના એ વખતે યુદ્ધકળાથી અજાણી હતી, એટલે પ્રવીણ મરાઠાઓ આગળ ટકી રહેવું તેમને માટે અઘરું થઈ પડ્યું. રાણીને કાને આ સમાચાર ગયા એટલે પોતે તરત યુદ્ધક્ષેત્રમાં આવી. પતિયાલાની સેના પીઠ દેખાડવાની તૈયારીમાં હતી, એટલામાં રાણી હાથમાં તલવાર લઈને રથમાંથી કૂદી પડીને પોતાના સૈનિકોને કહેવા લાગીઃ “મારા વીર ચોદ્ધાઓ ! યુદ્ધમાં પીઠ બતાવવી એ મોટી નામર્દાઈ છે. એવી નામર્દાઈ કરતાં તો લડાઈમાં યુદ્ધ કરતાં કરતાં મરવું એજ વધારે સારું છે. યુદ્ધમાં મરી જવાના ભયથી આજે તમે નાસી જશો, પણ પછીથી કોઈ દિવસ મરવું નહિ પડે? મરવું તો એક દિવસ જરૂર છે, તો પછી વીર પુરુષોની પેઠે લડીને રણભૂમિમાં શા માટે નથી મરતા કે મર્યા પછી પણ તમારાં વખાણ થાય ? આ શરીરમાં પ્રાણ છે, ત્યાં સુધી યુદ્ધ કરવાને તૈયાર છું. યુદ્ધભૂમિમાંથી હું એક ડગલું પણ પાછી નહિ હઠું. તમે બધા નાસી જશો અને હું મરી જઈશ તોપણ તમે શું મોં દેખાડશો ? હું તમારા રાજાની બહેન છું એટલે તમારી પણ બહેન છું. ચાલો ભાઈઓ, બહેનની વારે ધાઓ.”

રાણીનું આ ઉશ્કેનારૂં ભાષણ સાંભળીને પ્રત્યેક સૈનિકે દૃઢ પ્રતિજ્ઞા કરી કે, “મરી જઈશું તોપણ આ યુદ્ધભૂમિમાંથી પાછા નહિ હઠીએ." ઘોર યુદ્ધ થયું, શીખોની સેના ઘણી મરી ગઈ, તોપણ જે થોડા યોદ્ધાઓ હતા, તે વીરતાથી લડતા રહ્યા. રાણીની દૃઢતા જોઈને કોઈ યુદ્ધમાંથી પાછું હઠ્યું નહિ. જ્યારે રાત પડી, ત્યારે કેટલાક લોકોએ સલાહ આપી કે, “હવે સેના થોડી રહી છે અને એટલી થોડી સેનાથી જિત થવાનો સંભવ બિલકુલ નથી; માટે પતિયાલા પાછા જઈને નવા સિપાઈઓ લાવવાનો બંદોબસ્ત કરો.” રાણીએ એ લોકોની સલાહ ન માની અને કહ્યું કે, “આજ રાતેજ મરાઠાઓ ઉપર હુમલો કરો અને જીવસટે લડો.” આખરે એજ પ્રમાણે શીખ લોકોએ પ્રબળ વેગથી મરાઠાઓ ઉપર આક્રમણ કર્યું અને તેમને હરાવીને જિત મેળવી.

ઈ૦ સ૦ ૧૭૯૬ માં રાજા નાહનની પ્રજાએ બળવો કર્યો, રાણી પોતાની થોડી સેના લઈને નાહન પહોંચી અને ત્રણ મહિના ત્યાં રહીને બળવાખોરોને ઠેકાણે આણ્યા. નાહનના રાજાએ પણ રાણીની વીરતાની પ્રશંસા કરી અને વિદાય થતી વખતે ઘણી કિંમતી ભેટ આપી.

ઈસ. ૧૭૯૮માં જ્યોર્જસ ટોમ્સ નામનો ફ્રેંચ અમલદાર હાંસી હિસાર ઉપર કબજો કરતો કરતો ઘણી મોટી પાયદળ સેના, એક હજાર ઘોડેસવાર તથા પ૦ તોપો લઈને શીખોના રાજ્ય તરફ આવ્યો. એણે ઝીંદ રાજ્યને ઘેરો ઘાલ્યો. બધા શીખ સરદારોની ફોજો ટોમ્સની સેના સાથે લડી, પણ એને ફતેહ મળી નહિ. આખરે રાણી સાહેબકુંવરી પોતાના વીર સૈનિકો સાથે યુદ્ધભૂમિમાં પહોંચી અને વિકટ યુદ્ધ કરીને ટોમ્સની સેનાને એવી હંફાવી મૂકી કે, તેને લાચાર થઈને જેલમની તરફ હઠવું પડ્યું. બીજી શીખ સેનાએ તેમને પાછા હઠતા જોઈને તેમના ઉપર હુમલો કર્યો, પણ ટોમ્સની સેનાએ પાછા વળીને શીખ સેના ઉપર તોપોની એવી વૃષ્ટિ કરી કે તેમને ગભરાઈને આમતેમ નાસી જવું પડ્યું. આ પરાજયથી સાહસહીન થઈને શીખ લોકોને ટોમ્સ સાથે સંધિ કરવી પડી. યાદ રાખવું જોઈએ કે આ નાસી જનારી સેનામાં શાણી સાહેબકુંવરીના સિપાઈઓ સામેલ નહોતા.

આ યુદ્ધ કરીને રાણી પતિયાલા પાછી ગઈ. હવે રાજ્યને કોઈ બહારના શત્રુનો ભય ન રહ્યો, ત્યારે રાજા સાહેબસિંહના સ્વાર્થી સલાહકારોએ રાજાને ભંભેર્યો અને રાણીની વિરુદ્ધ રાજાના મનમાં એવો વિચાર ઠસાવી દીધો કે, એ બેવકૂફ રાજા પોતાની બહેનના બધા ઉપકાર વીસરી ગયો અને ખોટો આરોપ મૂક્યો કે, “મને સાહેબકુંવરી તરફથી મારા પ્રાણનો ભય છે.”

રાણી સાહેબકુંવરી ભાઈની દાનત ફરી ગયેલી જોઈને, પતિયાલા છોડીને પોતાની જાગીરમાં જઈને રહેવા લાગી. ત્યાં આગળ તેણે એક મજબૂત કિલ્લો બંધાવ્યો. રાજાએ ત્યાં પણ રાણીને ન રહેવા દેતાં હુકમ મોકલ્યો કે, “કિલ્લો ખાલી કરીને  પતિના રાજ્યમાં ચાલી જા.” રાણી પતિની પાસે જવામાં તો ઘણી ખુશ હતી, પણ અપ્રતિષ્ઠા સાથે જવું તેને ઘણું કારમું લાગ્યું. તેણે પતિયાલા જવાનો વિચાર કર્યો. રસ્તામાં એક વિશ્વાસપાત્ર પુરુષે તેને સમજાવી કે, “રાજાનું ચિત્ત ચગડોળે ચડ્યું છે, એવી દશામાં પતિયાલા જવું એ વાજબી નથી.” રાણી પાછી પોતાના કિલ્લામાં આવી. રાજાએ ગુસ્સે થઈને પોતાની બહેન સાથે લડવાની તેયારી કરી, પણ મંત્રીઓએ સલાહ આપી કે, “સાહેબકુંવરીબાઈએ મોટા જબરજસ્ત મરાઠાઓ અને ફિરંગીઓને હંફાવ્યા છે, તો તમે શી ગણતરીમાં છો?” રાજાએ એમની સલાહ માનીને બહેનની જોડે સંપ કર્યો અને કહ્યું કે, “પતિયાલામાં પહેલાંની માફક જ તમારું માન સાચવવામાં આવશે.” રાણી ભાઈની વાત ખરી માનીને ત્યાં ગઈ, એટલે ભાઈએ તેને ઢોક્રોધનના કિલ્લામાં કેદ કરી દીધી. ત્યાં ઘણો વખત કેદ રહ્યા પછી, એ પોતાના નોકરના વેશમાં બહાર નીકળી ગઈ અને ભેરયાંમાં જઈને રહેવા લાગી. ત્યાં આગળ રાણીના શુભચિંતક નોકરોથી ડરી જઈને રાજાએ તેને હેરાન કરી નહિ.

જ્યાં સુધી જીવતી રહી ત્યાં સુધી રાણીએ પોતાની જાગીરનો બંદોબસ્ત ઘણી સારી રીતે કર્યો અને પતિયાલા રાજ્ય સાથે જરા પણ સંબંધ ન રાખ્યો. રાણી ઘણી પતિપરાયણ હતી, પરંતુ રાજકાજને માટે તેને પતિયાલામાં ઘણું રહેવું પડ્યું, તેથી પતિપત્ની ઘણા થોડા દિવસ ભેગાં રહ્યાં. ઈ૦ સ૦ ૧૭૯૯માં રાણી સાહેબકુંવરીનું મૃત્યુ થયું એમ કહેવાય છે. ભાઈની કૃતઘ્નતાને લીધે એના ચિત્તને એવો ઊંડો ઘા લાગ્યો હતો કે, એ ચિંંતામાં ને ચિંંતામાંજ એ મરી ગઈ. બહેનના મરી ગયા પછી પતિયાલાના રાજાને પણ પોતાના પાછલા અન્યાયને માટે ઘણોજ પશ્ચાતાપ થયો, પણ પાછળથી પસ્તાયે શું થાય ?