રાષ્ટ્રિકા/એ ગાંધી સંતસુજાણ
← વિધિની વાટે | રાષ્ટ્રિકા એ ગાંધી સંતસુજાણ અરદેશર ખબરદાર |
સ્વામી શ્રદ્ધાનંદ → |
એ ગાંધી સંતસુજાણ
• અગ્નિશિખા છંદ [૨] •
અંધારાના ગઢ ભેદીને આવ્યું એક કિરણ અણમોલ,
રણની ધગધગતી રેતીમાં ફૂટ્યું અમીઝરણું રસલોલ;
દશ દિશનાં લોચન મીંચાતાં,
જનજનનાં તનમન ધૂંધવાતાં,
ભારતનું ઉર ગ્લાનિ રહ્યું ભરતું ત્યાં ફરી ઊતર્યો પ્રભુબોલ :
લાવ્યો કોણ પરમ એ વાણ ? -
એ ગાંધી સંતસુજાણ,
એ ગાંધી સંતસુજાણ,
એ નવભારતનો પ્રાણ !
જીવતાં પણ મૂએલાં ખોખાં અહીં તહીં ફરતાં ભારતભોમ,
જાણે નહિ લેવા દમ પૂરો, થથરે શીત પડે કે ધોમ;
જ્યારે માના કેશ વિંખાતા,
સુત ભય હિંસામાં ભટકતા,
લડતા ભ્રાતાશું પ્રિય ભ્રાતા , ત્યારે સાંધી ધરતી વ્યોમ
કોણે ફૂંક્યા સૌમાં પ્રાણ? —
એ ગાંધી સંતસુજાણ,
એ ગાંધી સંતસુજાણ,
એ નવભારતનો પ્રાણ !
હાલ્યાં ચેતન મૃત મટ્ટીમાં, ફાલ્યાં જડ હૃદયેથી ફૂલ,
હિમઢગલેથી ભડકા ઊઠ્યા, ઝબકી સોનારજ ભરધૂળ;
પથ્થરની પ્રતિમા ત્યાં ચાલી,
ફૂટી મૂશળમાં પણ ડાળી,
જનજનના મનમાં નવરંગે પાછી ઊગી આશ અતૂલ:
એવી વર્તી કોની આણ? —
એ ગાંધી સંતસુજાણ,
એ ગાંધી સંતસુજાણ,
એ નવભારતનો પ્રાણ !
નહિ વીરત્વ વસે તરવારે, નહિ શૂરત્વ વસે કો બાથ;
છે વીરત્વ ખરું અંતરમાં, એ સૌ શીખ્યાં સાચી ગાથ;
મૃત્યુ વિષે નવજીવન લાધ્યું,
જીવનમાં નવચેતન સાધ્યું,
મરીને જીતવાનો નવમંત્ર મળ્યો એ કોનો પાવન હાથ ?
કોણે દીધી એ રસલહાણ ? -
એ ગાંધી સંતસુજાણ,
એ ગાંધી સંતસુજાણ,
એ નવભારતનો પ્રાણ !
સત્ય અહિંસા સ્નેહતણા મર્મો જ્યાં ઊઘડ્યા તારક પેઠ,
દેહબળે માનવ દિનદિન શિર ધારે દુનિયાની વધુ વેઠ;
કુંદનનો કસ અંકાવીને,
નવનવ તાવણીમાં તાવીને,
ત્યાં આ આતમકિમિયું દેખાડીને બાંધ્યું પશુબળ ભેઠ :
કોણે સ્પર્શ્યાં એ ઊંડાણ ? -
એ ગાંધી સંતસુજાણ,
એ ગાંધી સંતસુજાણ,
એ નવભારતનો પ્રાણ !
હરિજનમાં હરિજન થઇ બેઠા, સુરજનમાં સુરજનના રાજ,
ક્રોડ કેરા હ્રદય કેરા હૃદયવિસામા, લાખોની લાખેણી લાજ;
જગનાં પાપ ઉઠાવ્યાં માથે,
જગ પર ઢોળ્યાં અમૃત હાથે,
અર્ધ ઉઘાડા અંગે જીવી ઢાંક્યો ધ્રૂજતો દલિત સમાજ:
એનાં જડશે ક્યાં પરિમાણ ? -
એ ગાંધી સંતસુજાણ,
એ ગાંધી સંતસુજાણ,
એ નવભારતનો પ્રાણ !
ધીકે ધગધગ જેનું હૈયું નિશદિન માનવ બાંધવ માટ,
પેટ ભરી મૂઠી અન્ને જે સૂએ તૂટી ફૂટી ખાટ,
આકાશે તારકશા ઊડે,
જેના ઉરતણખા દુખ ઊંડે,
એવો કોણ ઊભો જગ સામે ભારતરક્ષક આત્મવિરાટ ?
કોનો એ અવતાર પ્રમાણ ? -
એ ગાંધી સંતસુજાણ,
એ ગાંધી સંતસુજાણ,
એ નવભારતનો પ્રાણ !
જુગજુગનો એ અમ્મર જોગી, જુગજુગનો એ નવઅવતાર;
ભારતજનના પ્રિય બાપુજી, રંકોના એકલ આધાર:
એનું કીધું કોથી થાશે?
એનું કીધું કેમ ગવાશે?
જુગજુગ જેવો પુણ્યપરાર્થી, કરતા સત્યતણો ટંકાર !
સાધો સંતત જગકલ્યાણ !
એ ગાંધી સંતસુજાણ,
એ ગાંધી સંતસુજાણ,
એ નવભારતનો પ્રાણ !
- ↑ આ નવા છંદની રચના માટે ૨૮ મા પૃષ્ઠ પર "સૌની પહેલી ગુજરાત"ની નીચેની નોંધ વાંચવી.
- ↑ આ નવા છંદની રચના માટે ૨૮ મા પૃષ્ઠ પર "સૌની પહેલી ગુજરાત"ની નીચેની નોંધ વાંચવી.