રાષ્ટ્રિકા/હો ગુજરાત ! હો ગુજરાત !
← ગુજરાતની લીલા | રાષ્ટ્રિકા હો ગુજરાત ! હો ગુજરાત ! અરદેશર ખબરદાર |
સૌની પહેલી ગુજરાત → |
હો ગુજરાત ! હો ગુજરાત !
• વીરવિજય છંદ. [૧] •
જયજય મારા ગુર્જર વીરો !
આવો રંક ફકીર અમીરો ! આજે દિન ઊગ્યો રળિયાત ;
ધોધ પ્રકાશતણા ઝીલીને ઝગમગતી કરવી મહોલાત :
હો ગુજરાત ! હો ગુજરાત ! ૧
આજે લેશો શું તમ સાથે ?
શૌર્ય વસે હ્રદયે કે બાથે ? --તેજ છતાં બુઠ્ઠી તરવાર ;
ફેંકી દો સહુ બુઠ્ઠાંં શસ્ત્રો, સજો હ્રદયનાં નવહથિયાર !
હો ગુજરાત ! હો ગુજરાત ! ૨
હોય વિલંબ હવે શો ઠાલો ?
ધપતા ધપતા આગળ ચાલો : અગ્ર રહી ઘૂમવું છે આજ ;
ધજા રહી છે આ તમ કરમાં, ને ભારતની અમુલખ લાજ !
હો ગુજરાત ! હો ગુજરાત ! ૩
નથી રુધિર રેલવવાં કોનાં ;
નથી હ્રદય ચીરી અરિઓનાં નિજ હ્રદયો કરવાં પ્રભુભંગ ;
નથી વિજયના રંગ રુધિરમાં જ્યાં જનરક્ત ભરે ઉરગંગ :
હો ગુજરાત ! હો ગુજરાત ! ૪
પ્રેમ વસે ત્યાં દ્વેષ રહે ક્યાં ?
આકાશે અંધાર વહે ક્યાં, જ્યાં દિનકરનો થાય પ્રકાશ ?
જ્ઞાનદીપ સળગ્યો જ્યાં અંતર ત્યાં અજ્ઞાનતણો છે નાશ ;
હો ગુજરાત ! હો ગુજરાત ! ૫
મરદાની મુજ ગુર્જર વીરા !
કર્યધુરંધર, શૂર, અધીરા ! મુખ યૌવનનો ગર્વપ્રતાપ ;
અંગ રુધિર ઊછળે નભ અડતાં ; ભરો હરોલે હર્ષ અમાપ !
હો ગુજરાત ! હો ગુજરાત ! ૬
ભૂત બધું પાછળ છે મૂક્યું --
આજ ઉરે નવજીવન ફૂંક્યું, દુનિયા બધે નવી દેખાય ;
નવઆશે નવહાસ્યે ધસવા આજે પાદ અધીરા થાય ;
હો ગુજરાત ! હો ગુજરાત ! ૭
મુખી પડ્યા કે હઠ્યા પછાડી ?
ધસો ધજા લો હાથ ઉપાડી, ફરકાવ્યા જાઓ ધુનભેર :
ધર્મભાર શૂરો જ વહે એ -- એક પડે ત્યાં ઊઠે તેર !
હો ગુજરાત ! હો ગુજરાત ! ૮
કોણ વિકટ પથ કહી ડરાવે ?
પર્વતપરથી કૂદી હાવે સાગરને બાંધીશું બાથ ;
જંગલ તોડી મંગલ કરશું, ગંગ વહાવી દઈશું હાથ !
હો ગુજરાત ! હો ગુજરાત ! ૯
આપણ ગુણગરવા ગુજરાતી !
ક્રુષ્ણધરા અદ્ભુત મદમાતી, ભારતયુદ્ધ જીતે ભડવીર ;
સાહસ, શૌર્ય, અડગ શ્રમથી જે થળથળમાં ગાજે રણધીર ;
હો ગુજરાત ! હો ગુજરાત ! ૧૦
આવો નવરસના રઢિયાળા !
ગિરિગહ્વરમાં ભરી ઉછાળા કેસરિયાશું રમતા બાળ !
વાઘમૂછ પકડીને ફરતા કાઢી ઘોડીના રખવાળ !
હો ગુજરાત ! હો ગુજરાત ! ૧૧
તીર્થે તીર્થે શુચિતા સ્થાપી :
ગરવી સાબરમતી ને તાપી, ભરે નર્મદા નવનવ નૂર ;
ગુણી ગોમતી, સરસ્વતી ને દંમણગંગાનું જળ શૂર !
હો ગુજરાત ! હો ગુજરાત ! ૧૨
છે અદ્ભુતતા એ કંઇ જુદી !
પશ્ચિમસાગરનાં જળ કૂદી ઊછળી ગગન કસે નિજ જોમ ;
વિંધ્ય અને ગિરનાર દિશા બે ઊભી ઝીલે પડતું વ્યોમ !
હો ગુજરાત ! હો ગુજરાત ! ૧૩
એવાં હો ગુર્જર સંતાનો !
હિંદુ, પારસી, મૂસલમાનો, ખ્રિસ્તી, બૌધ કે જૈન ચહેલ !
ભુજશું ભુજ ભીડીને આવો: એક જ પ્રેમતણી છો વેલ !
હો ગુજરાત ! હો ગુજરાત ! ૧૪
અહો અડગ બાંધવ ટેકીલા !
દ્વેષ વિષે બનવું નવ વીલા ; દ્વેષ કદી નવ આપે જીત ;
અંતરરિપુનો કરો પરાજય પ્રથમ અખંડ ધરી ઉર પ્રીત !
હો ગુજરાત ! હો ગુજરાત ! ૧૫
દ્વેષે શું રહેશો અથડાયા ?
હજાર વર્ષતણી જડમાયા પડી હ્રદયમાં છે પથરાઇ ,
ઉકેલતાં પરદોષ ઉરે તો નિજ અંધાર વધે ધુંધવાઇ ;
હો ગુજરાત ! હો ગુજરાત ! ૧૬
લોચનના પડદા દો ખોલી !
ભૂત બધાં ઉર ખાતાં ફોલી તેને પ્રથમ કરો બળહીન ;
સ્વાત્મબળે, હો ગુર્જર વીરા ! થવું આપણે છે સ્વાધીન !
હો ગુજરાત ! હો ગુજરાત ! ૧૭
રહેવું શુદ્ધ વચન મન કર્મે :
સાર એ જ દીઠો સહુ ધર્મેં, તો ક્યમ થઇએ પતિત નિદાન ?
પ્રેમ તહીં ધિક્કર રહે નહિ : ધિક્કારે નહિ પ્રભુનું સ્થાન.
હો ગુજરાત ! હો ગુજરાત ! ૧૮
એવા શુદ્ધ બનીને આવો !
પછી અડગ તમ પાય ઉઠાવો, હજાર હાથીનું ત્યાં જોર ;
જ્ય કુંકમનાં પડશે પગલાં ડગલે ડગલે ઠોરે ઠોર :
હો ગુજરાત ! હો ગુજરાત ! ૧૯
રે આ થાય બધે અજવાળાં !
ઊઘડ્યાં પુણ્યપ્રભાત રસાળાં ! ઊઘડ્યાં ભાગ્ય ભલેરાં દેશ !
રણશિંગા ફૂંકાય ફરી આ : કર્મવીર ! હઠશો નવ લેશ !
હો ગુજરાત ! હો ગુજરાત ! ૨૦
સ્વપન ફળે જુગજૂનાં સાચે :
દેવ ફિરસ્તા ઊતરી રાચે, પયગમ્બર ને પીર અનેક !
સગાઇ સ્વર્ગતણી ભૂલેલી દૃઢ બંધાશે ફરી સટેક !
હો ગુજરાત ! હો ગુજરાત ! ૨૧
કુંકમથાળ અનેરી લાવો !
પત્નીઓ, પુત્રીઓ, આવો ! માતાઓ, ભગિનીઓ સર્વ !
અમ પડખે ઊભીને રાખો ગરવી ગુજરાતણનો ગર્વ !
હો ગુજરાત ! હો ગુજરાત ! ૨૨
જય જય મારા ગુર્જર વીરા !
આજ અધીરા ઉરના ચીરા જીવનને જાણે નહિ જોખ ;
મરવું તો શૂરાને ગરવું : કાયર ખોળે ઘરના ગોખ :
હો ગુજરાત ! હો ગુજરાત ! ૨૩
શ્વેત ધજા ભારતમાં રોપો !
થાશે પુષ્પ વરસતી તોપો, શસ્ત્રો સહુ શણગાર સ્વરુપ ;
જગબંધુત્વ ભણી તમ દ્વારે દુનિયા થશે નવીન અનૂપ !
હો ગુજરાત ! હો ગુજરાત ! ૨૪
ધન્ય ધન્ય મોહનની લીલા !
પુણ્યભર્યા પ્રભુપાદ રસીલા ઘરઘર ભરે નવીન પ્રભાત :
સત્વર વીરા ! પડો મોખરે, ગજવો જય જય ભારતમાત !
હો ગુજરાત ! હો ગુજરાત ! ૨૫
- ↑ આ છંદની નવીન રચના વીરરસને અનુકૂળ આવે તેવી રિતે કીધી છે. ચરણાકુળ અને ચોપાઇનાં ચરણો મેળવતાં સવૈયા એકત્રીશા છે. આ નવીન છંદનું પહેલું ચરણ ચરણાકુળનું, બીજું અને ત્રીજું ચરણ સવૈયાનું તથા ચોથું ચરણ ઉધોરનું છે. એવી રીતે એક જ વર્ગના છંદોનો મેળ આ છંદમાં સ્વાભાવિકપણે થયેલો છે.