રાષ્ટ્રિકા/ગુજરાતની લીલા
← રાષ્ટ્રિકા:ગરવી ગુજરાત રાસચંદ્રિકા:વર્ષ મુબારક |
રાષ્ટ્રિકા તથા રાસચંદ્રિકા ગુજરાતની લીલા અરદેશર ખબરદાર |
રાષ્ટ્રિકા:હો ગુજરાત ! હો ગુજરાત ! રાસચંદ્રિકા: હજાર માસની રીત → |
ગુજરાતની લીલા
• ધોળ* [૧] •
એ ટાણે ગુજરાતે રહેવું કેવું છે રુડું !
જ્યારે નવરાત્રીમાં ગરબા રોજ ગવાય ,
જ્યારે ગુર્જરસુંદરીનાં પરીઅંગો ડોલતાં
સ્વર્ગ ઉતારી દે ઠમકે તાળીમાં ત્યાંય !
એ ટાણે ગુજરાતે રહેવું કેવું છે રૂડું ! ૧
વર્ષા ઊતરે ને જ્યાં આવે શરદ સુહામણી ,
ભરભર છલકે સરવર ને સરિતાનાં નીર ;
છલકી રહી ત્યાં નવઉલ્લાસે ને નવનૂરમાં
રસરમણે ઝીલવા ગુર્જરીઉર થાય અધીર !
એ ટાણે ગુજરાતે રહેવું કેવું છે રૂડું ! ૨
આંગણ આંગણ રમઝટ જામી રહે ગરબાતણી ,
નક્ષત્રોશી ફુદડી ફરતી સહિયર સર્વ ;
સુંદર સોહાગે ભવશોભન ગુર્જર સુંદરી
ગુલપગલે ગરબા લેતી ગજવે રસપર્વ !
એ ટાણે ગુજરાતે રહેવું કેવું છે રૂડું ! ૩
વૃક્ષે, વિટપે, કુંજનિકુંજે, વનમાં, ખેતરે ,
લોચન ભરતી લૂમેઝૂમે લીલા લાખ ;
પાક્યાં જ્યાં સોનેરી તૂલ બધે ઝૂલી રહે ,
એવી લીલાભર ગુર્જરી ઠારે સહુ આંખ !
એ ટાણે ગુજરાતે રહેવું કેવું છે રૂડું ! ૪
લક્ષ્મીનાં પગલાં નવધાન્યે નવકુસુમે પડે ,
છલછલ છલકી રહે કુદરતકેરી રસછાબ ;
કાવ્યે ગીતે નૃત્યે સરસ્વતી આરાધતી
ગરબે ઘૂમતીગ ગુર્જરી વેરે કંઠગુલાબ !
એ ટાણે ગુજરાતે રહેવું કેવું છે રૂડું ! ૫
ખીલે પચરંગી ગુલબાસ અને બપ્પોરિયા ,
શોભે કાસતણી માંજર નવધવલે રંગ ;
હીંચે સરવરમાં રાતાં કમળો ને પોયણાં ,
ગાજે ગુર્જરીના ત્યાં ગરવા કલાપ્રસંગ !
એ ટાણે ગુજરાતે રહેવું કેવું છે રૂડું ! ૬
માણેકઠારી પૂનમે દૂધપૌંઆ ને ચાંદની ,
દશરાને કુંકુમ દેવીના આશીર્વાદ ;
મંગલ પર્વે પર્વે ઊતરે શા રસપૂજને
મોંઘા ગુર્જર સુંદરીના સૌંદર્યપ્રસાદ !
એ ટાણે ગુજરાતે રહેવું કેવું છે રૂડું ! ૭
ધરતીનો સોહાગ સુભગ ભારતનો બાગ આ ,
નંદનવનનું આંગણ, પરીઓની રસકુંજ !
ગુર્જર સુંદરીની જ્યાં ઊડે ચોગમ ચાંદની ,
વરસે દેવોના ય અદલ ત્યાં ફૂલનપુંજ !
એ ટાણે ગુજરાતે રહેવું કેવું છે રૂડું ! ૮
- ↑ *“માતા જશોદા ઝૂલાવે પુત્ર પારણે,” —એ રાહ.