લખાણ પર જાઓ

રાસતરંગિણી/બાપુ

વિકિસ્રોતમાંથી
← વાત્સલ્ય રાસતરંગિણી
બાપુ
દામોદર બોટાદકર
મોસાળ →


<poem>

બાપુ (એાધા ! નંદનો છોરો તે નમેરો થયો જો, અથવા મહા કોપ થયો તે કળિકાળમાં જો–એ ઢાળ)

સખિ ! મીઠો આષાઢ કેરો મેહુલે જો, આભ ઘેરી ઉભેલ દીસે એકલો જો. સખી !

એના ઘટમાં અનેક ગાન ગાજતાં જો, માંહિ રસના તરંગ રૂડા રાચતાં જો. સખી !

પ્રાણ આપી એ પ્રાણીઓને પાળતો જો,
કૈંક તનડાના તાપ રહે ટાળતો જો. સખી !

ભરે સર ને સરિત નવાં નીરથી જો,
એને દેતાં અંદેશડા ઉરે નથી જો. સખી !

એવાં મનડાં મીઠાશભર્યા તાનમાં જો,
માંહિ હીંચે હિલોળ કૈંક હેતના જો. સખી !

એવી છાયામાં રંગભર્યા રાચીએ જો,
નિત્ય નવલા ઉમંગ ધરી નાચીએ જો. સખી !
એની અાંખે ને અંતરે અમી ઝરે જો,
ભાગ્યકેરા ભડાર ભવનમાં ભરે જો. સખી !

એક પળમાં હજાર વાંક વીસરે જો,
'કર્યું' એનું તે કોણ લગીરે કરે જો? સખી !

એના અંતરમાં એક રમે 'આ૫વું' જો,
એની વર્ષાનું 'નીર' તો નવું નવું જો. સખી !

ભલે ભૂલી આનન્દ 'આજ'નો જશું જો, સખી !
કદી બાપુના ભાવ નહિ ભૂલશું જો. સખી !