રાસતરંગિણી/માતૃગુંજન

વિકિસ્રોતમાંથી
← રાજવણ રાસતરંગિણી
માતૃગુંજન
દામોદર બોટાદકર
સુંદરી શીળે ભરી રે →



માતૃગુંજન
(લક્ષ્મણ ! લક્ષ્મણ ! બન્ધવા રે ! વેરી કોણે રે લખિયા ?
 - એ ઢાળ)

આછાં નીરે ઉછળી રહી રે પેલી વાહિની વાધે,
અાંસુભરી અલબેલડી રે આજ સાસરી સાધે;
વહાલાં અનેક વળામણે રે એક અંતર ફાટે,
જેઠ તપી રહ્યો જગતમાં રે એને શ્રાવણ આંખે.
આજ મરી જતી માવડી રે એને કાળજે કાણાં,
દૂધ ભર્યું હજી દાંતમાં રે એને આપવાં આણાં;
ઢોલીડા ! ઢોલ ઢબૂકતો રે ઘડી રોકજે તારો,
ઘાવ ઊંડા ઘટમાં પડે રે નથી વેઠવા વારો.
ધમ ધમ ગાજતી ગોંદરે રે આવી વેલડી ઊભી,
રોકી શકે નહિં રાંકડી રે જતી મહિયરમોંધી;

<poem>

ગોરી ! ધીરે તમે ચાલજો રે મારું ફૂલ ન ફરકે, ઊડી જશે પળ એકમાં રે એનું કાળજું ધડકે.

સાસરવાટ શિલા ભરી રે એને છેક અજાણી, કયાંય શીળી નથી છાંયડી રે નથી પન્થમાં પાણી; લાજભરી મારી લાડકી રે એને મોઢડે તાળાં, કેાણ પળે પળ પૂછશે રે દુઃખ જોઈ દયાળાં.

આજ તપે ક્યમ આવડો રે કે'ને સૂરજ શાણા ? ખાલી ઉરે ખમશે નહિ રે તીણા નહોર એ તારા; આગ ભલે મુજ અંતરે રે વરસાવજે વીરા ! જાઈનો પન્થ તો જાળવી રે રથ ખેડજે રૂડા.

ઊડતી વાટે વસુમતી ! રે તારી રોકજે રેણુ, કમળ કળી થકી કોમળું રે બહેની ! અંગ છે એનું; ઊંચા નીચા તારા અંગને રે સખિ ! દેને શમાવી, જાત કઠણ, એને જોઈને રે ઘડી કરજે સુંવાળી.

વન-વન વીંઝાતા વાયરા રે એને સાચવી વાજો, વીર સમા એ વળાવિયા રે ! વાટે ઠાવકા થાજો; ઘામ વળે એને ઘુમટે રે ઝીણા વીંઝણા દેજો, પાલવડાને પલાળતાં રે લૂછી આંસુડાં લેજો.

વહાલભરી વનદેવીઓ રે ! ઊંડા આદર દેજો, જતન કરી એના જીવનું રે મીઠાં મીઠડાં લેજો; ઝૂકી રહ્યાં પંથ ઝાડવાં રે દેજો સોરમ છાયા,

એક ઘડી એને કારણે રે મન રાખજો માયા.

વાટનાં વીર વિહંગડાં રે ! એની સાબતે રે'જો,
ગીત નવાં-નવાં ગાઈ ને રે ઊંડી ધીરજ દેજો;
હૈયાંસૂની હબકી જતી રે એને રાખજો રાજી,
મેં તો ત્યજી હવે હાથથી રે હતી જાળવી ઝાઝી.

દીકરી વ્યોમની વાદળી રે દેવલોકની દેવી,
જેઈ—ન જોઈ વહી જતી રે વનપંખણી જેવી;
આજ માડી તણે આંગણે રે રૂડા રાસડા લેતી,
કાલ્ય અગોચર ભોમમાં રે ડગ ધ્રૂજતાં દેતી.

સાયર સાચલ સાસરું રે એનાં નીર તો ઊંડાં,
દોડી-દોડી કરે ડોકિયાં રે મહિં જળચર ભૂંડાં;
મીઠા તળાવની માછલી રે પાણી એ કયમ પીશે ?
ઘેરા એના ધુધવાટથી રે મારી બાળકી બીશે.

જાય અહો ! વહી વેલડી રે વીલી માત વિમાસે,
સૂનું થયું જગ સામટું રે ભૂમિ ડોલતી ભાસે;
ઊનો અનિલ આ એકલો રે વહે ધ્રૂસકાં ધીરે,
હાય ! હણાયલી માતને રે ચડી અંતર ચીરે.