લખાણ પર જાઓ

રાસતરંગિણી/સરિત્સુંદરી

વિકિસ્રોતમાંથી
← મધમાખ રાસતરંગિણી
સરિત્સુંદરી
દામોદર બોટાદકર
પોયણી →


સરિત્સુન્દરી

(હું તો ઈશ્વર પૂજવાને નીસરી રે લોલ-એ ઢાળ)

હું તો ડુંગર દાદાકેરી દીકરી રે લોલ,
શીળે સ્વભાવ સરિત્સુન્દરી રે લોલ;

હું તે માતપિતાને પગે પડી રે લોલ,
વહાલાને પન્થ પળી એકલી રે લોલ.

વાંકી-ચૂંકી એ વાટડી વટાવતી રે લોલ;
વચમાં અનેક ઠેસ વાગતી રે લોલ;

પડે પ્રીતમનો પન્થ નહિ પૂછવો રે લોલ,
કેડો એ નેહનો નથી નવો રે લોલ.

<poem>

મળે વગડા વેરાન કૈંક વાટમાં રે લોલ,

ગાઢા નિકુંજ ઘણા ઘાટમાં રે લોલ;

મને રે'વી તો રાત કયાંય ના ગમે રે લોલ;

સૂરજ ને સોમ ભલે આથમે રે લોલ.

મારા ઉરમાં અખંડ એક દીવડો રે લોલ,

ઝળકે એ પ્રેમભર્યો જીવડો રે લોલ;

મને ભીતિ જરાય નહિ ભૂતની રે લોલ,

રાખડી બાંધેલ પુણ્ય પ્રીતની રે લોલ.

મને લૂંટારા લોક કૈંક લૂંટતા રે લોલ,

જીવનને જો૨ કરી ઝૂંટતા રે લોલ;

તોય મોળી પડે નહિ મુસાફરી રે લોલ,

આશાની વાટ હોય આકરી રે લોલ.

એ તો પ્રેમીના પ્રેમતણાં પારખાં રે લોલ,

વિધિએ લલાટમાં હશે લખ્યાં રે લોલ;

કોઈ કહેશે: “વિજોગણી ! પાછાં વળો રે લોલ,

“વહાલાનો દેશ ઘણો વેગળો રે લોલ.

“ખોળ કરતાં આયુષ્ય બધું ખૂટશે રે લોલ,

“મનના તરંગ છેક તૂટશે રે લોલ;"

એવું કહેતાં યે લેાક નથી લાજતા રે લોલ,

ભૂડાં શું ભાવભૂલ ભાગતા રે લોલ !

વળે પાછાં તે વ્યોમનાં વિહંગડાં રે લોલ,

કંપીને ભાગશે કુરંગડાં રે લોલ !

વળે માયાનાં બાળ મોળાં માનવી રે લોલ,
એની શી શીખ ઉરે આણવી રે લોલ ?

રવિરથડા તે વાટ જતા નહિ મળે રે લોલ,
ચન્દાની ચાલ કદી નહિ વળે રે લોલ;
એવો વહાલપનો વેગ પાછો નહિ વળે રે લોલ,
માગ્યું મળે કે ભલે ના મળે રે લોલ.

કેાઈ કહેશે: “એ ખારભર્યો ખીજતો રે લોલ,
“ઊંડો ને અંતરે અધૂકડો રે લોલ;”
જૂઠા જગની તે જૂઠ લવે જીભડી રે લોલ,
એની ન આંખ હજી ઊઘડી રે લોલ.

ખારા-મીઠાનો ભેદ એને ખૂંચતો રે લોલ,
સ્વારથમાં સાર નથી સુઝતો રે લોલ;
એને ઊંડા અંદેશાભર્યા અંતરે રે લોલ,
કુડી એ કલ્પના કર્યા કરે રે લોલ.

એવો જગનો ખારો તે મારો મીઠડો રે લોલ,
કપટી જાણે શું એનો કોયડો રે લોલ;
ઘેલી દુનિયા તો દોષ રહી દેખતી રે લોલ;
ઉરના એ રંગને ઉવેખતી રે લોલ.

ભોળા હૈયાને એ હશે ભમાવતી રે લોલ,
વહેમીના વહાલ હશે વિંખતી રે લોલ;
મારું હૈયું હજીય મારા હાથમાં રે લોલ,
રહેતાં એ સ્વારથીના હાથમાં રે લોલ.

એવું સુણવા હું લેશ નથી ઊભતી રે લોલ;
થાકી કયારેય નથી થંભતી રે લે લોલ;
જશે થાકી તે સેવકો શરીરના રે લોલ,
એવાં તે રોદણાં અધીરનાં રે લોલ.

પણે ઊભો પ્રાણેશ રહ્યો રાજતો રે લોલ,
ઘેરાં શાં ગાન વડે ગાજતો રે લોલ;
આવે સામો અચૂક અલબેલડો રે લોલ,
વહાલો જણાય વહાલઘેલડો રે લેાલ.

હું તો થંભી લગીર ગઈ લાજથી રે લોલ,
વહાલે વધાવી મને વહાલથી રે લોલ;
પડ્યા હૈયે પ્રકાશ હેત–હાસના રે લોલ,
એવા આનન્દ રૂડા રાસના રે લોલ.