રાસતરંગિણી/સાસરી

વિકિસ્રોતમાંથી
← આણાં રાસતરંગિણી
સાસરી
દામોદર બોટાદકર
રૂપાળી રાત →


સાસરી
(ઉગમણી ધરતીનાકોરા કાગળ આવ્યા રે–એ ઢાળ)

ઊંચી અાંબલિયાની ડાળીએ ડોલે રે,
માંહિ બેડી બાળી કોયલ બોલે રે,
આવ્યાં સખિ એવાં સાસરી સેવી રે,
કહોને સોહાગણ ! સાસરી કેવી રે ?

નવલા જગત કેરી શી શી નવાઈ રે ?
કહોને એની કળ-કૂંચીઓ કાંઈ રે;

<poem>

કેવાં સાસુ, કેવાં નણંદ-જેઠાણી રે? કેવી પાડોશણ ને પિતરાણી રે?

લોક નવા, નવી ધરતી અજાણી રે, ક્યમ કરી બહેનડી ! પ્રીત બંધાણી રે? ત્યાં નહિ દાદા ને ત્યાં નહિ માડી રે, ત્યાં નહિ એકે સહિયર સમાણી રે.

ત્યાં નહિ ભીનલા ભાઈ-ભોજાઈ રે, નાની-મોટી નહિ માડીની જાઇ રે; કોણ આંખલડીનાં આંસુંડાં લો'તું રે? કોણ લળી-લળી મોઢડાં જોતું રે?

વીતક વાતડી ક્યાં જઈ કરતાં રે? દાઝ્યાં દિલ સખિ ! ક્યાં જઈ ઠરતાં રે? શે મિયે વીસર્યાં મહિયર મીઠાં રે? દીઠલાં કેમ કર્યાં અણદીઠાં રે?

દાદાએ દીધીને માડીએ માની રે! એ સુખ સોહ્યલી સાસરી શાણી રે! માડી સમાં ત્યાં તો સાસુ સલુણાં રે, આપે-આપે તોયે થાય નઊણાં રે.

'વહુ' કેરે વેણલે સાદ સૂકાતા રે, ઉરભરી અમૃત પળ-પળ પાતાં રે, જોડ જેઠાણીની માજણી જેવી રે, ઓછી-ઓછી થતી નણદલ એવી રે.

પ્રીતમની જાણે પ્રીત પુરાણી રે,
વહાલભરી એની મીઠડી વાણી રે;
એ જ આંખલડીનાં આંસુડાં લો'તાં રે,
એ જ લળી-લળી મોઢડાં જોતાં રે.

નવલું જગત નવા હેતથી હરખે રે
મીઠી આશિષોના મેહુલા વરસે રે;
ઉંચી આશા કેરી ડાળીઓ ડોલે રે,
ત્યાં સખિ ! વાલ્યમ હૈયાં હિંચોળે રે.

તો ય ન મહિયર મનથી વછૂટે રે,
એક ઘડી એનો તાર ન તૂટે રે;
સૂતાં સેજલડીમાં સોણલાં આવે રે,
ભીંજવે આંખ ને તનડાં તપાવે રે.