લખાણ પર જાઓ

રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/ગુણસુંદરી

વિકિસ્રોતમાંથી
← રૂપસુંદરી (માધવપત્ની) રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
ગુણસુંદરી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
વીરમતી →


१४१–गुणसुंदरी

રમણી ગુજરાતના રાજા કરણ વાઘેલાના પ્રધાન માધવના નાના ભાઈ કેશવની પત્ની હતી. એ જો કે પોતાની જેઠાણી રૂપસુંદરી જેવી ખૂબસૂરત નહોતી, તો પણ નામ પ્રમાણે તેનામાં અનેક ગુણ હતા. એ સુશીલ, ભણેલગણેલ, કાર્યકુશળ અને પતિવ્રતા સ્ત્રી હતી. રૂપસુંદરીના રૂપ ઉપર મોહી જઈને કરણ રાજાએ તેનું હરણ કરવા સૈન્ય મોકલ્યું અને એ સૈન્ય સામે લડીને ભાભીનો બચાવ કરવા જતાં ગુણસુંદરીનો વીર પતિ ભરજુવાનીમાં કામ આવી ગયો, તે આપણે આગલા ચરિત્રમાં જોઈ ગયા છીએ. પતિને મરણ પામેલો જોઈને એ નાગર રમણીએ સતી થવાનો સંકલ્પ કર્યો. આડોશીપાડોશી તથા સગાંવહાલાંઓએ તેને ઘણુંએ સમજાવી; પણ એણે કોઈનું કહ્યું માન્યું નહિ. ગુણસુંદરી શાસ્ત્ર અનુસાર કાર્ય કરીને પતિનું સહગમન કરવા તૈયાર થઈ હતી, તેથી તેની માતા અંદરખાનેથી ખુશ થઈ હતી; પણ પોતાની પુત્રીનું વધારે પારખું જોવા સારૂ તેણે પણ વિલાપ કરીને સતી ન થવાની સલાહ આપી, પરંતુ ગુણસુંદરીએ વિનયપૂર્વક માતાને સમજાવ્યું કે, “સ્ત્રીને માટે પતિ વગરનું જીવન મિથ્યા છે. સંસારમાં સગાંસંબંધીઓના ટપલા ખાઈને અને દુનિયામાં લોકોનું અપમાન સહન કરીને જીવન ગાળવા કરતાં મરણ પામવું ઘણું સારૂં છે.” એ પ્રમાણે કહીને તે ‘જય અંબે’ ‘જય અંબે’ કરતી સતી થવાના આવેશમાં આવી જઈને નીચે ઊતરી. સર્વ કોઇ તેને સતી ગણીને પૂજવા લાગ્યાં. તેણે શાસ્ત્રની વિધિ પ્રમાણે પતિને પિંડદાન કર્યું તથા પતિના શબને ખોળામાં લઈને સળગતી ચિતામાં ચડી બેડી. તેણે મરતી વખતે પોતાના બે હાથ ચોળી, બળતા અંગારાએ ખોબો ભર્યો અને પાટણ શહેર ઉપર એ અંગારા ફેંકી દઈને બોલી કે, “જે રાજાએ વગર વાંકે પોતાના વિશ્વાસુ પ્રધાનની સ્ત્રી અને તે પણ નાગર જેવી ઊંચી બ્રાહ્મણ જાતિની–એવીનું હરણ કર્યું, તે રાજા થોડા દિવસમાં રણમાં ને વગડામાં રઝળશે, તેની સ્ત્રીને બીજા લોકો લઈ જશે, તેની પુત્રી દુઃખ પામી પામીને પરપુરુષના હાથમાં પડશે; રાજા પોતાનું મોત પોતાને હાથે માગશે; તે ક્યાં મૂઓ અને ક્યારે મૂઓ તેનો પણ પત્તો નહિ લાગે. તેના સમૃદ્ધિવાન નગરનો નાશ થશે, તેનું દ્રવ્ય લૂંટાઈ જશે તથા સર્વ રીતે તેની પાયમાલી થશે.”

આ પ્રમાણે કહીને તેણે સૂર્યદેવનું આહ્‌વાન કર્યું અને જોતજોતામાં તેનો પવિત્ર દેહ ભસ્મીભૂત થઈ ગયો.