રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/વીરમતી
← ગુણસુંદરી | રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો વીરમતી શિવપ્રસાદ દલપતરામ પંડિત |
સુહડા દેવી → |
१४२–वीरमती
તેરમા સૈકામાં દક્ષિણમાં દેવગિરિ અથવા દેવગઢમાં યાદવ રાજાઓનું રાજ્ય હતું. રાજાનું નામ રામરાજા હતું; તેને એક કન્યા હતી. એ ઘણી સુંદર હોવાથી એને પરણવા સારૂ ઘણા શત્રુ રાજાઓ રામરાજા ઉપર ચડાઈ કર્યા કરતા હતા. રામરાજાના સેનાપતિ ઘણો સ્વામીભક્ત અને સાચો મરાઠા રજપૂત હતો. જ્યારે કોઈ શત્રુ રામરાજાની સાથે યુદ્ધ કરવા આવતો ત્યારે એ સેનાપતિજ સામે જતો અને શત્રુઓને મારીને નસાડી મૂકતો હતો. આ પ્રમાણે એણે ઘણાં યુદ્ધોમાં વિજય મેળવ્યો હતો; પરંતુ દૈવ કાંઈ સદા અનુકૂળ હોતું નથી. એક વખતે શત્રુઓની સાથે યુદ્ધ કરવા જતાં એ વીરગતિને પ્રાપ્ત થયો.
એ સેનાપતિને વીરમતી નામની એક કન્યા હતી. પિતાના મૃત્યુથી એ નિરાધાર થઈ ગઈ; પણ રામરાજાએ તેને પોતાના મહેલમાં બોલાવી લીધી; ત્યાંજ તેનું પાલનપોષણ થવા લાગ્યું. રાજા તેને પોતાની કન્યા જેટલું જ ચાહતો,એટલે વીરમતી રાજકુટુંબના એક બાળક જેવી થઈ ગઈ. રાજાની કન્યા અને વીરમતી વચ્ચે ઘણી પ્રીતિ બંધાઈ ગઈ. એ બે જણીઓ એકબીજીને સગી બહેન જેવી ગણવા લાગી. યોગ્ય વય થયા પછી રામરાજાએ પોતાની પુત્રીનું લગ્ન કરી દીધું. એ વખતે વીરમતીની ઉંમર જરા નાની હતી, એટલે તેનું લગ્ન કર્યું નહિ પણ તેનું સગપણ કૃષ્ણરાવ નામના એક મરાઠા સરદારની સાથે કરી દીધું.
કૃષ્ણરાવ દેખાવમાં રૂપાળો અને ઊંચા કુળનો યુવક હતો. વીરતામાં પણ એ એક્કો હતો. તેના ગુણોની પ્રશંસા સાંભળીને વીરમતી ઘણી પ્રસન્ન થતી અને એ વર આપવા માટે મનમાં ને મનમાં પરમેશ્વરને સેંકડો ધન્યવાદ આપતી. ધીમે ધીમે લગ્નનો સમય પણ નજીક આવી પહોંચ્યો. પરંતુ એ વખતે એક એવી દુર્ઘટના થઈ ગઈ કે જેને લીધે વીરમતી અને કૃષ્ણરાવનું લગ્ન થઈ શક્યું નહિ.
ઈ. સ. ૧૨૯૪ માં ખિલજી વંશના બાદશાહ અલાઉદ્દીને દક્ષિણ ઉપર ચડાઈ કરી હતી. અલાઉદ્દીનનો ઉદ્દેશ નવા પ્રાંતને પોતાના રાજ્યમાં મેળવીને રાજ્ય અને ધનની વૃદ્ધિ કરવાનો તથા સાથે વીરમતી જેવી યુવાન સુંદરીઓને પ્રાપ્ત કરવાનો પણ હતો. અલાઉદ્દીનની પાસે મોટી સેના હતી અને દક્ષિણમાં આ તેની પહેલી સવારી હતી, એટલે લોકો ઘણા ગભરાટમાં પડ્યા હતા.
અલાઉદીનના આવવાની ખબર પડી એટલે રામરાજાએ પણ પોતાનું સૈન્ય એકઠું કર્યું. રજપૂતો ઘણા ઉત્સાહથી લડવા સારૂ તૈયાર થયા. વીરમતીનો ભાવિ પતિ કૃષ્ણરાવ પણ આ યુદ્ધમાં પોતાનું વીરત્વ બતાવવાના ઉમંગમાં શસ્ત્ર અને બખતર સજીને તૈયાર થઈ ગયો અને શત્રુઓની રાહ જોવા લાગ્યો. જેમ જેમ અલાઉદ્દીનની સેના પાસે આવતી જતી હતી, તેમ તેમ રામ૨ાજાની સેના પણ અધિક ઉત્કંઠિત થતી હતી. થોડી વારમાં શત્રુની સેના આવી પહોંચી અને બંને તરફથી લડાઈ શરૂ થઈ. આ યુદ્ધમાં રામરાજાના સૈનિકોએ ઘણું સારૂં પરાક્રમ બતાવ્યું.
અલાઉદ્દીને ઘણી વાર હિંદુસ્તાનના ભિન્ન ભિન્ન પ્રદેશો ઉપર ચડાઈ કરી હતી. અસંખ્ય મનુષ્યોના પ્રાણ અને ધન હરી લીધાં હતાં અને અનેક રાજાઓને પોતાના શરણાગત બનાવ્યા હતા. થોડા સમયમાં જ એણે ભારતમાં પોતાનો વિજયવાવટો ફરકાવ્યો હતો; પરંતુ રામરાજાની સાથે દેવગઢની લડાઈમાં તેણે જેવી હાર ખાધી તેવી પહેલાં કદી ખાધી નહોતી. આથી એને ઘણી શરમ આવી. સીધી રીતે રામરાજાને જીતવાનો કોઇ ઉપાય એને મળ્યો નહિ, ત્યારે તેણે એક પ્રપંચ રચ્યો. તેણે એકદમ પોતાની સેનાને પાછા ફરવાની આજ્ઞા આપી અને ચારે તરફ ખબર ફેલાવી દીધી કે, “રામરાજાની પ્રબલ સેનાથી ડરી જઈને અલાઉદ્દીન બાદશાહ નાસી જાય છે. રામરાજા જેવો શત્રુ એને કોઈ મળ્યો નથી, તેથી લાચાર થઈને પાછા જવું પડે છે.”
શત્રુઓને નાસતા જોઈને રામરાજાની સેનામાં ઘણો હર્ષ ફેલાયો, નિશ્ચિન્ત્ત થઈને સૈનિકો પાછા ફર્યા; પરંતુ થોડી વાર પછી ખબર પડી કે આ સમાચાર જૂઠા છે. અલાઉદ્દીનની ફોજ તો પાંચસાત ગાઉ ઉપરજ સંતાઈ રહી છે. એ સમાચાર સાંભળીને રામરાજાએ કૃષ્ણરાવ અને બીજા સેનાપતિઓને બોલાવીને તેમની સલાહ પૂછી. એ વખતે બધાએ સલાહ આપી કે, “શત્રુઓની પાછળ પડવું જોઈએ, કે જેથી એ લોકો આપણી સીમમાંથી બહાર નીકળી જાય અને પાછા આવવાની હિંમત ન કરે.” રામરાજાને એ વાત યોગ્ય લાગી અને તેણે સેનાને તૈયાર થવાનો હુકમ આપ્યો, પરંતુ એટલામાંજ કૃષ્ણરાવ બોલી ઊઠ્યોઃ “પૃથ્વીનાથ ! શત્રુઓનો જડમૂળથી નાશ કરી નાખવાની મેં એક યુક્તિ વિચારી છે. આશા છે કે ઈશ્વર કરશે તો એમાં આપણે ફાવી જઈશું.”
રામરાજાએ ઘણુ પ્રેમપૂર્વક પૂછ્યું: “એ કયી યુક્તિ છે ?”
કૃષ્ણરાવે ઉત્તર આપ્યો: “યુક્તિ એવી છે કે, એક મનુષ્ય વેશ બદલીને શત્રુસેનામાં જાય અને અંદર જઈને સારી પેઠે જોઈ આવે કે તેમનું સૈન્ય કેટલું છે, સરસામાન કેટલો છે, દારૂગોળો કેટલો છે, વગેરે. એ બધો ભેદ જાણ્યા પછી એમના કરતાં વધારે બળવાન ફોજ લઈને આપણે હલ્લો કરીશું, એટલે એ લોકોનો સમૂળગો નાશ થઈ જશે.”
રાજાએ કહ્યું: “આ કામ જેવા તેવા આદમીનું નથી. એને માટે તો કોઈ બહુ હોશિયાર અને પ્રમાણિક મનુષ્યની જરૂર છે. વળી એ માણસનો જાન પણ ભારે જોખમમાં છે, કારણકે શત્રુઓને ખબર પડી જાય કે એ છૂપો દૂત છે તો તેઓ તરતજ તેના પ્રાણ લઈ લેશે.”
કૃષ્ણરાવ તરત બોલી ઊઠ્યોઃ “મહારાજ ! આપ એ બાબતની ચિંતા ન કરશો. હું જાતે જવાને તૈયાર છું, ફક્ત હજૂરના હુકમની રાહ જોઉં છું.”
રાજાએ એને જવા દેવાની એકદમ હા કહી નહિ, પરંતુ કુષ્ણરાવે ઘણોજ આગ્રહ કર્યો એટલે આખરે તેને કબૂલ કરવું જ પડ્યું. કૃષ્ણરાવની મનોકામના પૂર્ણ થઈ ગઈ. મનમાં ને મનમાં એ ઘણો પ્રસન્ન થવા લાગ્યો. એ તરતજ ત્યાંથી ઊઠીને વેશ બદલીને શત્રુની સેના તરફ જવાની તૈયારી કરવા લાગ્યો.
પોતાના ભાવિ પતિને શત્રુના મુખમાં જતો જોઈને વીરમતી કાંઈક પ્રસન્ન અને કાંઈક દુઃખી થઈ. કૃષ્ણરાવને મળીને એ એકાંતમાં કહેવા લાગી: “હજુ સુધી મારૂં લગ્ન આપની સાથે થયું નથી, તો પણ સગપણ થઈ ચૂક્યું છે અને મારૂં હૃદય મેં આપને સમર્પણ કરી દીધું છે, એટલે આપ મારા પતિ છો અને આપનું સુખદુઃખ તે મારૂં સુખદુઃખ છે. શત્રુસેનામાં જવું એ યમરાજની પાસે જવા બરાબર છે. તમે માથું હાથમાં લઈને સ્વામીનું કલ્યાણ સાધવા જાઓ છે, તેથી મને ઘણો સંતોષ થયો છે. સાચા ક્ષત્રિયો અને વીર મરાઠાઓનો એજ ધર્મ છે. હું આપને આપનું કર્તવ્ય કરતાં રોકતી નથી, પણ મારી એક પ્રાર્થના છે કે, આપ મને પણ આપની સાથે લઈ ચાલો. હું પુરુષનો વેષ બદલીને આવીશ એટલે મને કોઈ ઓળખી શકશે નહિ.”
કૃષ્ણરાવે કહ્યું: “પ્રિયે ! તું કહે છે એ તો ઠીક છે, પણ સ્ત્રીઓ ગમેતેટલો પુરુષનો પોષાક પહેરે તો પણ એ મરદ બની શકતી નથી. તું મારી સાથે આવીશ તો મારો જીવ તારામાં જ રહેશે અને મારાથી મારૂં કામ પૂરેપૂરૂં થઈ શકશે નહિ.”
વીરમતી બોલી: “મારાથી બનશે તેટલી હું આપને મદદ આપીશ; હું આપને કોઈ પણ જાતની તસ્દી આપીશ નહિ. આપ કાળનાં મુખમાં જાઓ અને હું સુખે બેસી રહું, એ વાત મારાથી કદી બનવાની નથી.”
એ સાંભળી કૃષ્ણરાવે વીરમતીને વીનવી: “સ્ત્રીઓને યુદ્ધમાં સાથે લઈ જવી એ ઠીક નથી. લોકો મારી નિંદા કરશે.”
વીરમતીએ વીરાંગનાને છાજે તે રીતે કહ્યું: “સ્વામીનાથ ? મને લઈ જવાથી આપની નિંદા થશે, તો આપને એકલા મોકલવા માટે વીરાંગનાઓ મારી પણ નિંદાજ કરશે; પણ હું બીજી વાતનો આપની પાસે ખુલાસો ચાહું છું. મેં સાંભળ્યું છે કે, આ૫ કપટથી શત્રુસેનાનો ભેદ લેવા જાઓ છો. મારા વિચાર પ્રમાણે એવું છળકપટ કરવું એ ઠીક નથી.”
કૃષ્ણરાવે વાતને ફેરવી નાખતાં કહ્યું: “હું તો શત્રુઓની ફોજને જાતે જોવાજ જઉં છું, કે જેથી લડવામાં સગવડ પડે; કારણકે હજારો મનુષ્યોને પકડીને તેમના પ્રાણ લેવા કરતાં તથા રક્તની નદી વહેવરાવવા કરતાં તે શત્રુને અચાનક ઘેરી લઈને છાનામાના પકડી લેવા એ સારૂં કામ છે.”
વીરમતી બોલી: “પ્રાણનાથ ! દેશ અને ધર્મના રક્ષણ સારૂ હજારો વીર પુરુષોએ પોતાના પ્રાણ ખોયા છે. સાચા વીરપુરુષનું કામ તો મરવું અને મારવું એજ છે. તેને પ્રાણનો ભય હોતો નથી. રણક્ષેત્રમાં મરી જવાથી સીધા સ્વર્ગમાં જવાય છે. મુસલમાનો છળકપટથી કામ લે છે તો તે માટે તેમની કેટલી બધી નિંંદા થાય છે ? તમારે હાથે એવું નિંદનીય કૃત્ય ન થાય, તેની બહુ સંભાળ રાખવી જોઈએ. મારા પ્રાણ ! મારી નમ્ર વિનંતિ ઉપર ધ્યાન આપો અને મારી સૂચના પ્રમાણે કર્યું કરો.”
“હમણાં તો હું ફક્ત શત્રુઓનું બળ જોવા માટે જ જાઉં છું. તું નાહક ચિંતા શા સારૂ કરે છે ?” એટલું કહીને કૃષ્ણરાવ ઘોડા ઉપર સવાર થઈને ચાલી નીકળ્યો. વીરમતીથી એકલાં રહેવાયું નહિ. પતિ શત્રુઓના દળમાં જાય અને પોતે નિશ્ચિંત થઈને ઘેર બેસી રહે, એ તેનાથી સહન થઈ શક્યું નહિ. તેણે પુરુષનો વેશ ધારણ કર્યો અને એક તેજ ઘોડા ઉપર સવાર થઈને કૃષ્ણરાવ ગયો હતો તે રસ્તે જવા માંડ્યું. આગળ કૃષ્ણરાવ ઘોડો દોડાવતો જઈ રહ્યો હતો, પાછળ વીરમતી પણ ઘોડાને પૂરપાટ દોડાવતી જઈ રહી હતી. કૃષ્ણરાવને તો વીરમતીના પાછળ આવવાની ખબરજ નહોતી, પરંતુ કૃષ્ણરાવ પણ ઝાડીઓમાં એટલે દૂર નીકળી ગયો હતો કે, વીરમતીની દૃષ્ટિ તેના સુધી પહોંચી શકતી નહોતી. બેએક કલાક એ પ્રમાણે ચાલ્યા પછી વીરમતીએ થોડે દુર ઘોડાના પગનો ખખડાટ સાંભળ્યો અને એ બે માણસોને આ પ્રમાણે વાર્તાલાપ કરતાં સાંભળ્યા :–
“કોણ ?”
“અલાઉદ્દીન બાદશાહનો દોસ્ત.”
“તમારૂં નામ ?”
“કૃષ્ણરાવ.”
“વાહ ! કૃષ્ણરાવ ! શાબાશ ! શાબાશ ! મને એજ ફિકર થયા કરતી હતી કે તમે પાછા આવીને અમને બાતમી આપી શકશો કે નહિ ?”
“કેમ, એમાં શક લાવવા જેવું શું હતું ? એક વખત વચન આપી ગયા પછી મારાથી ફરી જવાય એમ થોડું જ હતું ? આજ હું ઘણી યુક્તિઓ કરીને આવ્યો છું; રામરાજાની આંખમાં ધૂળ નાખીને આવ્યો છું. એ બિચારો તો એમજ જાણે છે કે હું શત્રુસેનાનો ગુપ્ત ભેદ જાણવા આવ્યો છું, પણ એને હજુયે ખબર નથી કે બંદા થોડી વાર પછી એનીજ ગાદીએ બેસશે.”
“બેશક ! તમે જ્યારે અમારા બાદશાહ સલામતને આ પ્રમાણે મદદ કરશો ત્યારે એ તમને જરૂર આ ઈલાકાના સૂબા બનાવશે. તમે ઘણું હિંમત અને અકલમંદીનું કામ કર્યું છે.”
આ શબ્દો સાંભળતાવારજ વીરમતી ચોંકી ઊઠી. દશ હજા૨ વીંછીઓએ એક સાથે ડંખ માર્યો હોય એવી સખ્ત વેદના તેને થવા લાગી. નખથી માથા સુધી એનું શરીર ચિંતાગ્નિથી સળગવા લાગ્યું. તેના મનમાં ઉપરાઉપરી અનેક વિચારો આવવા લાગ્યા. થોડી વારમાં જ તેણે કર્તવ્યનો નિર્ણય કર્યો. કમરમાંથી એક ચળકતી તલવાર કાઢીને એ પોતાના ભાવિ પતિ કૃષ્ણરાવની તરફ દોડી અને ક્રોધ અને તિરસ્કાર દર્શાવીને બોલી: “દુષ્ટ ! નીચ અધમ ! પાપિ ! વિશ્વાસઘાતિ ! રાજદ્રોહિ ! કુલાંગર ! ચાંડાલ ! તારા જેવા દેશદ્રોહીઓએજ ભારતવર્ષને પાયમાલ કરી દીધું છે.”
વીરમતીના કોમળ કંઠમાંથી આ કઠોર શબ્દો નીકળ્યા; શબ્દોની સાથે સાથે જ તેના સુકોમળ હાથે એવી સરસ રીતે તલવાર ચલાવી કે કૃષ્ણરાવ પોતાની તલવાર ઉપર હાથ મૂકે તે પહેલાંજ વીરમતીની તલવાર તેની છાતીમાં ઊંડી પેસી ગઈ. કૃષ્ણરાવ તરતજ ઘોડા ઉપરથી નીચે ઢળી પડ્યો. તેણે ઊંચે જોયું તો વીરમતીનું ઉગ્ર સ્વરૂપ તેના દીઠામાં આવ્યું. એ મંદ સ્વરે બોલી ઊઠ્યો : “કોણ વીરમતી ? હાય મારી…” તેને આગળ બોલતો અટકાવીને વીરમતી બોલી: “બસ ! બહુ થયું. ચૂપ રહે દુષ્ટ ! વિશ્વાસઘાતિ ! ખબરદાર, મોંમાંથી એક પણ અક્ષર કાઢ્યો છે તો ! દેશને હાનિ પહોંચાડનાર તારા સરખા નરાધમની તો આજ દશા થવી જોઈએ, જે મોંએ તે વિશ્વાસઘાતી વચનો કહ્યાં છે, તે અપવિત્ર મુખમાંથી મારૂં નામ ઉચ્ચારીને મને અપવિત્ર ન કરીશ. તું દેશદ્રોહી છે, સ્વજનદ્રોહી છે, સ્વામીદ્રોહી છે, સ્વાર્થી છે અને મહાપાપી છે. મોંએ મીઠું બોલીને અંદરખાનેથી દેશની સ્વાધીનતાનો નાશ કરવા ઈચ્છના૨ દગાબાજ પુરુષને હું પતિ બનાવવા નથી માગતી.”
કૃષ્ણરાવને વીરમતીની તલવારનો જે ઘા લાગ્યો હતો તે ઘણોજ કારી હતો. તેની જીવનયાત્રા પૂરી થવાને પાંચદશ પળનીજ વાર હતી. મૃત્યુ સમયે વીરકન્યા વીરમતીનો તિરસ્કાર સાંભળીને કૃષ્ણરાવને પોતાના કૃત્ય માટે પશ્ચાતાપ થયો. તેના મુખમાંથી છેવટને વખતે નીકળી ગયું કે, “પ્રિયે ! તેં મને આવા મોટા કલંકમાંથી બચાવ્યો એ ઘણું સારૂં કર્યું. હજુ સુધી કશું બગડ્યું નથી.”
વીરમતીએ કહ્યું: “પતિનો ધર્મ સ્ત્રીને અધર્મમાંથી બચાવવાનો છે, તેવી જ રીતે પુરુષ પણ નિંદનીય અને કલંકિત માર્ગે જતો હોય, તો તેને ઠેકાણે લાવવો એ પત્નીનું કામ છે. હું પણ વીરપુરુષની કન્યા છું. તમે મારા પતિ છો. હું તમને ખરા અંતઃકરણથી ચાહું છું. હું જાણીજોઈને તમને કુમાર્ગે કેવી રીતે જવા દઈ શકું ? તમે એમ ન સમજશો કે તમને મારી નાખીને હું પોતે સુખમાં જીવન ગાળીશ. હું તો તમારી સાથે જ આવું છું. આ દુનિયામાં રહીને હવે શું કરવાની છું ? તમારા વગર સંસાર મારે માટે નીરસ અને શૂન્ય છે.”
એટલું કહીને વીરમતીએ પતિના રક્તથી ખરડાયેલી તલવાર એકદમ પોતાની છાતીમાં ખોસી પતિ સાથે સ્વર્ગે સિધાવી.
આ પ્રમાણે આ પ્રેમી યુગલની જીવનલીલા પૂર્ણ યૌવનાવસ્થામાંજ એકાંત વનમાં સંપૂર્ણ થઈ. રામરાજાએ એ બન્નેની ઘણીએ શેાધ કરાવી, પણ પત્તો લાગ્યો નહિ. ઘણે દિવસે અલાઉદ્દીનની સેનાએ દેવગઢનો કિલ્લો પોતાના હાથમાં લીધો ત્યારે મુસલસાન સૈનિકને મોંએ આ ભેદ પ્રગટ થયો.
વીર રમણીઓ સ્વદેશ અને સ્વધર્મની ખાતર પ્રિયમાં પ્રિય વસ્તુની પણ પરવા કરતી નથી. ધન્ય છે એમના જીવનને !!