રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/સુહડા દેવી

વિકિસ્રોતમાંથી
← વીરમતી રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
સુહડા દેવી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
પદ્મિની →


१४३–सुहडादेवी

બુના રળિયામણા પર્વત ઉપર પ્રવાસ કરી આવેલી અમારી વાચક ભગિનીઓ ત્યાંના પુરાતન જૈન મંદિરોનું અપૂર્વ સૌંદર્ય જોઈને મુગ્ધ થઈ ગઈ હશે. ત્યાં આગળ નેમિનાથ મહારાજનું એક મંદિર છે, જે વસ્તુપાલ તેજપાલના મંદિર તરીકે પ્રસિદ્ધ છે. એ મંદિર વસ્તુપાલના નાના ભાઈ તેજપાળે પોતાના પુત્ર લૂણસિંહ અને પોતાની પ્રિય પત્ની અનુપમદેવીની સદ્‌ગતિ નિમિત્તે કરોડો રૂપિયાનું ખર્ચ કરાવીને ઈ○ સ○ ૧૨૩૧ માં બંધાવ્યું હતું. એ એક ઘણું જ સુંદર મંદિર છે અને ત્યાંનાં ઉત્તમ મંદિર વિમળશાહના દહેરાની ઘણા અંશમાં સમાનતા કરી શકે છે. એ મંદિરની કારીગરીના સંબંધમાં ભારતીય શિલ્પકલાના અભ્યાસી પ્રસિદ્ધ લેખક ફર્ગ્યુસન સાહેબ પોતાના પુસ્તક “પિક્ચરસ ઈલસ્ટ્રેશન્સ ઑફ એન્શન્ટ આર્કિટેકચર ઇન હિંદુસ્તાન” (અર્થાત્ ‘હિંદુસ્તાનમાં પ્રાચીન કોતરકામનાં જોવાલાયક ચિત્રો)માં લખ્યું છે કે, “આ મંદિર આરસપહાણનું બનેલું છે. અત્યંત પરિશ્રમ સહન કરી શકનાર હિંદુઓના ટાંકણાથી, બારીકાઈથી એટલી મનોહર આકૃતિઓ બનાવી છે કે, તેની નકલ ઉપર ગમે તેટલી મહેનત કર્યા છતાં અને ગમે તેટલો સમય રોકાયા છતાં, હું કાગળ ઉપર ઉતારી શકતો નથી.” તેના ઘૂમટોની કારીગરીનાં વખાણ કરતાં કર્નલ ટૉડ લખે છે કે, “એનું ચિત્ર તૈયાર કરતાં કલમ થાકી જાય છે અને અત્યંત પરિશ્રમ કરનારા ચિત્રકારની કલમને પણ એમ કરતાં ઘણો પરિશ્રમ પડશે.” ગુજરાતના ઇતિહાસકાર ફાર્બસ સાહેબે પણ “રાસમાળા” માં એ મંદિરના કોતરકામની ઘણી પ્રશંસા કરી છે. એ મંદિરને બંધાવનારા વસ્તુપાળ અને તેજપાળ ગુજરાતની જૂની રાજધાની અણહિલપુર પાટણના રહેવાસી પોરવાળ વાણિયા હતા. તેમના બાપનું નામ અશ્વરાજ (આસરાજ) હતું અને તેઓ ગુજરાતમાં ધોળકા પ્રાંતના (બઘેલ) વંશના રાણા વીરધવળના મંત્રી હતા. જૈનધર્મનાં મંદિર બંધાવવામાં એમના જેટલું દ્રવ્ય બીજા કોઈએ ખરચ્યું નથી. તેમણે પોતાના કુટુંબનાં અનેક સ્ત્રીપુરુષોનાં નામ ઉપરથી નાનાંમોટાં (બાવન) દહેરાં બંધાવ્યાં છે. મુખ્ય મંદિરના દ્વારની બન્ને તરફ ઘણી સરસ કારીગરીવાળા બે ગોખલા છે. એ ગોખલાને લોકો ‘દેરાણી જેઠાણીનાં આળિયાં’ કહે છે, ‘એ આળિયાં’ ને માટે એમ કહેવાય છે કે એક આળિયું વસ્તુપાળની સ્ત્રીએ અને બીજું તેજપાળની સ્ત્રીએ પોતાને ખર્ચે બંધાવ્યું હતું. મહારાજ શાંતિવિજયજીની બનાવેલી ‘જૈનતીર્થ ગાઈડ’ માં પણ એ પ્રમાણે લખેલું છે; પરંતુ પ્રખ્યાત ઈતિહાસવેત્તા પંડિત ગૌરીશંકરજી એ વાતને સ્વીકારવા યોગ્ય ગણતા નથી. તેમના કહેવા પ્રમાણે એ બન્ને ગોખલા વસ્તુપાલે પોતાની સ્ત્રી સુહડાદેવીના સ્મારકમાં તેની સદ્‌ગતિ નિમિત્તે બંધાવ્યા હતા.સુહડાદેવી પાટણના મોઢ વાણિયા જાલ્હણના પુત્ર આસાજીની પુત્રી હતી. એ વખતે ગુજરાતમાં પોરવાળ અને મોઢ વાણિયામાં પરસ્પર લગ્નવ્યવહાર હતો.

સુહડાદેવી ઘણી યોગ્ય સ્ત્રી હોવી જોઈએ; કેમકે તેના મૃત્યુ પછી તેના પતિએ તેનું સ્મારક જાળવી રાખવા ઘણું મોટું ખર્ચ કર્યું હતું. એ બતાવી આપે છે કે પોતાની હયાતીમાં તેણે પતિનો પ્રેમ ઘણી સારી રીતે સંપાદન કર્યો હશે.