રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/પદ્મિની

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સુહડા દેવી રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
પદ્મિની
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ગોરાની પત્ની →


१४४–पद्मिनी

ગતનાં શ્રેષ્ઠ વીર વીરાંગનાઓના પુણ્ય લોહીથી પવિત્ર થયેલી મેવાડની ભૂમી ભારતીય વીરધર્મના મુખ્ય તીર્થરૂપ છે. પૌરાણિક યુગમાં જે પ્રમાણે કુરુક્ષેત્ર હતું તે પ્રમાણે ઐતિહાસિક યુગમાં મેવાડ વીરધર્મની સાધના માટે સર્વશ્રેષ્ઠ સાધનભૂમિ હતું. ભારતમાં કદી વીરધર્મનો અભ્યુદય થશે, વીરધર્મ જો કદી ભારતવાસીઓના હૃદયમાં ફરીથી સ્થાન મેળવશે, તો કુરુક્ષેત્ર અને મેવાડ ભારતવર્ષમાં સર્વશ્રેષ્ઠ તીર્થસ્થાન તરીકે પૂજાશે. જો કોઈ પણ દિવસ ભારતવાસીઓ અનુભવશે કે, કુરુક્ષેત્ર અને મેવાડની ધૂળની પ્રત્યેક રજકણ ભારતવાસી વીરોના રક્તથી અભિષિક્ત થયેલી છે તથા તેમાં ભારતવાસી વીરોની વીરતા અને મહાનુભાવતા સમાયેલી છે; તો એ વખતે જાગૃત ભારતવર્ષનાં કરોડો નરનારીઓ એ બંન્ને તીર્થમાં એકઠાં થઈને, એ પવિત્ર ધૂળનો સ્પર્શ કરીને વીરધર્મથી ઉત્તેજિત થશે. વીરત્વહીન ભારતમાં એવો દિવસ આવશે, ત્યારે ભારતના એ મહાન વીરોનો આત્મોસર્ગ સફળ થશે.

આગલા ચરિત્રમાં અમે મેવાડની રાણી કર્માદેવીની અપૂર્વ વીરતાની કહાણી વર્ણવી ગયા છીએ. આ અને આના પછીનાં ચરિત્રોમાં ક્રમસર જે કેટલાક વીરપુરુષ અને વીરાંગનાઓની કીર્તિકથા વર્ણવવામાં આવશે તે ઉપરથી વાચક બહેનો સમજી શકશે કે મેવાડને ભારતના વીરધર્મના મુખ્ય તીર્થ તરીકે પૂજવાનું કહેવામાં અમે વાજબી છીએ કે નહિ ?

સમરસિંહ અને કર્મદેવીના આવિર્ભાવને સો કરતાં વધારે વર્ષ વીતી ગયા પછી ઈ○ સ○ ૧૨૭૫ માં લક્ષ્મણસિંહ ચિતોડની ગાદીએ બેઠા હતા. લક્ષ્મણસિંહ એ વખતે સગીર વયનો હોવાથી રાજ્યનો વહિવટ તેના કાકા ભીમસિંહના હાથમાં હતો. ભીમસિંહ એક પરાક્રમી વીર હતો અને સિંહલની રાજકુમારી પદ્મિનીને સમુદ્રપારથી પરણી લાવ્યો હતો. પદ્મનું સૌરભ જેમ આખા સરોવરને પ્રકુલ્લિત કરી દે છે તથા ધીમે ધીમે તેની સુગંધ દિગદિગંતમાં પ્રસરાવી દે છે, તે પ્રમાણે કમલાસન ઉપર બિરાજતાં લક્ષ્મીદેવીના જેવી સુંદર પદ્મમુખી રજપૂતાણી પદ્મિનીના રૂપનો મહિમા તથા તેના સદ્‌ગુણોની કીર્તિ દિવસે દિવસે આખા ભારત વર્ષમાં પ્રસરી ગયાં.

એ વખતે દિલ્હીની ગાદી ઉપર અલાઉદ્દીન ખિલજી બાદશાહ રાજ્ય કરતો હતો. પદ્મિનીના દેવદુર્લભ સૌંદર્યની વાત એક દિવસ તેને કાને પણ પહોંચી અને એ પ્રશંસાથી એ એટલો બધો મુગ્ધ થઈ ગયો કે પદ્મિનીને પોતાની બેગમ બનાવવાના સંકલ્પથી તેણે ચિતોડ ઉપર પ્રચંડ સૈન્ય સાથે ચડાઈ કરી. જાતીય સ્વાધીનતા અને રાજકુટુંબની લલનાના સન્માનની ખાતર રજપૂત વીરો અદમ્ય ઉત્સાહ અને પરાક્રમથી યુદ્ધ કરવા તત્પર થયા. અલાઉદ્દીન દિલ્હીનો બાદશાહ હતો. તેનું સૈન્ય અને બળ અપરિમિત હતું. પૈસાટકાની પણ ખોટ નહોતી; પરંતુ એવા પરાક્રમી શત્રુઓ સાથે પણ મેવાડ સરખા નાના રાજ્યના રજપૂતો એવા અલૌકિક વીરત્વ અને સાહસથી લડ્યા કે મુસલમાન સેના ચિતોડના કિલ્લા તરફ એક ડગલું પણ આગળ ન વધી શકી.

લાંબા સમય સુધી યુદ્ધ ચાલવાથી બન્ને પક્ષના લોકો થાકી ગયા. અલાઉદ્દીને ભીમસિંહને કહેવરાવ્યું કે, “મારે પદ્મિની જોઈતી નથી. મેં સાંભળ્યું છે કે એ અદ્વિતીય સુંદરી છે. એક વાર તેને આંખેથી જોવાની મારી ઇચ્છા છે, તેની સુંદર મૂર્તિનાં એક વખત દર્શન કર્યા પછી, હું સૈન્ય લઈને પાછો દિલ્હી જઈશ.”

આ સંદેશો સાંભળીને ભીમસિંહ અને ચિતોડના બીજા સરદારો વિચારમાં પડ્યા. અલાઉદ્દીનની પાપી દૃષ્ટિ આગળ રાજકુટુંબની લક્ષ્મી જેવી પવિત્ર સુંદરીનું સૌંદર્ય કેવી રીતે દેખાડાય ? એવી હીનતાનો સ્વીકાર કરવાને કોઈનું મન લલચાયું નહિ. આખરે પદ્મિનીને આ વાતની જ્યારે ખબર પડી, ત્યારે તેણે પતિને કહ્યું: “મારૂં આ ક્ષણભંગુર રૂપ ચિતોડને માટે કાળસ્વરૂપ નીવડ્યું. હવે એ મિથ્યા સૌંદર્યની ખાતર ચિતોડના વીર રજપૂતોનો રક્તપાત મારાથી જોઇ શકાશે નહિ. મને એક વાર માત્ર જોવાથી જ અલાઉદ્દીન બાદશાહ સંતુષ્ટ થતો હોય અને ચિતોડના વીરોનું રક્ષણ થતું હોય, તો પછી એમ કરવામાં શી હાનિ છે ? હું એકદમ તેને મોં દેખાડવાને તો તૈયાર નથી. આરસીમાં મારૂં મોં જોવાથીજ એની આકાંક્ષા તૃપ્ત થતી હોય તો એને તમે પુછાવી જુઓ કે એમ કરવાને એ રાજી છે ?”

ઘણો વિચાર કર્યા પછી પદ્મિનીની એ સલાહ ભીમસિંહે પસંદ કરી. આ સમાચાર અલાઉદ્દીનને પહોંચાડવામાં ચાવ્યા. અલાઉદ્દીને એ સૂચના કબૂલ કરી.

નિયત દિવસે અલાઉદ્દીનને ચિતોડના રાણાજીના મહેલમાં લઈ જવામાં આવ્યો. ઉદાર હૃદયના વીર રજપૂતો એક વખત વચન આપ્યા પછી કદી પણ ફરી જતા નથી. શત્રુને પણ મિત્ર અથવા અતિથિ તરીકે પોતાના ઘરમાં નોતર્યા પછી તેઓ કોઈ દિવસ તેની સાથે વિશ્વાસઘાત કરતા નથી. રજપૂતના આ ગુણવિષે અલાઉદ્દીન બાદશાહની પણ ખાતરી હતી, તેથી એ પણ ફક્ત ગણ્યાગાંઠયા અનુચરોને સાથે લઈને નિર્ભય ચિત્તે રાણા ભીમસિંહના મહેલમાં ગયો.

આરસીમાં તેણે પદ્મિનીની પ્રતિમૂર્તિ દેખી. તેને ખાતરી થઈ કે પોતાની કલ્પના વડે હૃદયમાં તેણે પદ્મિનીનું જે સૌંદર્ય આંકી રાખ્યું હતું, તેના કરતાં હજારગણું સૌંદર્ય પદ્મિનીનું છે. જોતાંવારજ તેની પાપવાસના દૂર થવાને બદલે સોગણી વધારે પ્રદીપ્ત થઈ ગઈ, પણ પદ્મિનીને મેળવવાનો ઉપાય શો ? મનમાં ને મનમાં તેણે એક યુક્તિ શોધી કાઢી અને જતી વખતે મિત્રભાવે ઘણાં મધુર વચનમાં રાણા ભીમસિંહને પોતાના તંબૂમાં પધારવાનું નિમંત્રણ કર્યું. સરળ સ્વભાવનો ભીમસિંહ કાંઈ પણ આનાકાની કર્યા વગર અલાઉદ્દીનના તંબૂમાં ગયો. અલાઉદ્દીનના પેટમાં તો પાપ હતું જ. તેણે ભીમસિંહને કેદ કરી દઈને ચિતોડવાસીઓને જણાવ્યું કે, “પદ્મિની નહિ આપો, ત્યાંસુધી ભીમસિંહને છોડવામાં નહિ આવે.”

યથાસમયે આ સમાચાર પદ્મિનીને કાને પહોંચ્યા. ચિતોડના રાજકુટુંબની વધૂના સન્માન અને રક્ષણ સારૂ, ચિતોડવાસીઓ જીવસટ્ટે લડવા તૈયાર છે એ તે જાણતી હતી. દૈવસંયોગે ચિતોડવાસીઓનો એ પ્રયત્ન નિષ્ફળ જાય અને મુસલમાનોનો વિજય થાય, તો ચિતાના અગ્નિમાં પ્રવેશ કરીને નારીધર્મનું રક્ષણ કરતાં પણ પદ્મિનીને આવડતું હતું, પરંતુ એ અત્યંત પતિભક્ત સ્ત્રી હતી. પતિ ભીમસિંહનું રક્ષણ કેવી રીતે થાય, મુસલમાન શત્રુના હાથમાંથી એ કેવી રીતે છુટકારો મેળવે, એજ બાબતની એને ચિંતા હતી. ધર્મના રક્ષણ સારૂ, દેશના રક્ષણ સારૂ, સતીઓના સતીત્વના રક્ષણ સારૂ, શત્રુને હાથે સમરક્ષેત્રમાં તલવારથી મરવું એ રજપૂત વીરની શ્રેષ્ઠ ગતિ છે. પોતાના સ્વામી કુલધર્મને છાજતી આ ગતિને પામ્યા હોત, તો સતી પદ્મિનીને એટલો શોક ન થાત, પણ આ તો પોતાના મહાવીર સ્વામીની, વિશ્વાસઘાતી આતતાયી શત્રુને હાથે નીચપણે કતલ થશે, એ ચિંંતા સતી પદ્મિનીને અસહ્ય થઈ પડી. બીજી સાધારણ સ્ત્રીઓની પેઠે પતિની આ વિપત્તિને સમયે જરા પણ ગભરાયા વગર સ્થિર ચિત્તે સ્વામીના ઉદ્ધારની યુક્તિ શોધવા લાગી. તેની સાથે તેના પિયેરથી ગોરા અને બાદલ નામના બે વિશ્વાસુ વીરો ચિતોડમાં આવ્યા હતા. આ વખતે તેણે તેમને બોલાવીને સલાહ લીધી; અને ત્રણે જણાએ એકમત થઈને એક યુક્તિ શોધી કાઢી.

પદ્મિનીએ અલાઉદ્દીનને કહેવરાવ્યું: “સ્વામીને છોડાવવા સારૂ હું બાદશાહને તાબે થઈશ; પરંતુ તે પહેલાં બાદશાહે મારી એક વિનંતિ મંજૂર રાખવી પડશે. હું એક રાજકન્યા અને રાજમહિષી છું. મારે ઘણી બહેનપણીઓ છે. તેમાંથી સાતસો બહેનપણીઓ મ્યાનામાં બેસીને મારી સાથે આપની છાવણીમાં આવશે. એમાંની કેટલીક તો પાછી જશે અને કેટલીક સાથે રહેશે. એ બધી સખીઓ સારા ઘરની રજપૂતાણીઓ છે. તેમના સન્માનાર્થે મુસલમાન સૈનિકો એ દૂર ઊભા રહેવું પડશે. બીજું એ કે, તંબૂમાં જતાં પહેલાં હું મારા સ્વામી પાસે એક વા૨ છેવટની વિદાય લેવા જઇશ. એ વખતે એમના બંદીખાનાની આસપાસ પણ મુસલમાનોને ઊભા ન રહેવા દેવા.” સંદેશો મળતાંવારજ અલાઉદ્દીન હર્ષઘેલો થઈ ગયો. આનંદમાં ઉન્મત્ત થયેલો બાદશાહ પદ્મિનીની બધી શરતો પાળવા તૈયાર થયો. પદ્મિનીએ દિવસ અને સમય નક્કી કરીને બાદશાહને ખબર મોકલી.

નિર્દિષ્ટ દિવસે સાતસો મ્યાનાઓ પઠાણ છાવણીમાં ભીમસિંહના કારાગારની સન્મુખ ઉપસ્થિત થયા, મુસલમાન સૈનિકો અને પહેરેગીરો બધા છેટે હતા. પદ્મિની કોઈ ન જાણે એવી રીતે ભીમસિંહને પોતાની સાથે મ્ચાનામાં બેસાડી પલાયન કરી ગઈ. રક્ષક તરીકે બીજા કેટલાક મ્યાનાઓ તેમની સાથે ગયા. બાકીના મ્યાનાઓ ત્યાં તંબૂ આગળજ રહ્યા. મુસલમાનો સમજ્યા કે પદ્મિનીની સાથે આવેલી જે બહેનપણીઓ પાછી જવાની હતી તે ચિતોડ પાછી જઈ રહી છે. પદ્મિની હવે થોડા વખતમાં બાદશાહના તંબૂમાં જશે.

આમ રાહ જોતાં જોતાં ઘણા વખત થઈ ગયો, પણ પદ્મિની બાદશાહ પાસે દેખાઇજ નહિ. બાદશાહ વિચાર કરવા લાગ્યો કે સ્વામીને ત્યાગ કરવા તો આવી છે અને વળી આટલો બધો વખત વાતચીત શાની કરે છે ? બાદશાહનું મન ચંચળ થઈ ગયું. ધીમે ધીમે તેના શંકાશીલ હૃદયમાં કાંઈક શક પણ ઉત્પન્ન થયો. સૈનિકો સાથે તેણે ભીમસિંહના કારાગાર આગળ આવીને તંબૂનો પડદો ઉપાડવાનો હુકમ કર્યો. એકદમ વીરગર્જના કરીને તંબૂની અંદરથી તથા એ મ્યાનાઓમાંથી હથિયારબંધ રજપૂત વીરો નીકળી આવ્યા. મ્યાના ઉપાડનારા ભોઈઓએ પણ પોતાનો કપટીવેશ છોડી દઈને ખરા ૨જપૂત તરીકે શસ્ત્રો ધારણ કર્યાં. મુસલમાનો અને રજપૂતો વચ્ચે ઘોર યુદ્ધ મચી ગયું.

પદ્મિની આમ સાતસો યોદ્ધાઓને પોતાની બહેનપણીઓ તરીકે તથા દરેક મ્યાના દીઠ છ છ મળીને બોંતેર રજપૂતોને મ્યાના ઉંચકનારા ભોઈ તરીકે લઈ ગઈ હતી અને યુક્તિ તથા કુશળતાપૂર્વક શત્રુના હાથમાંથી પતિને છોડાવી ગઈ હતી.

બે જગ્યાએ ભીષણ યુદ્ધ આરંભાયું. મુસલમાનોનું એક લશ્કર ઝપાટાબંધ પદ્મિની અને ભીમસિંહની પાછળ ગયું. રસ્તામાં બન્ને પક્ષ વચ્ચે ખૂબ ઝપાઝપી ચાલી. રજપૂત અને મુસલમાન સૈનિકોના રક્તથી યુદ્ધભૂમિ રંગાઈ ગઈ, પણ ભીમસિંહ અને પદ્મિની ક્ષેમકુશળ ચિતોડગઢમાં પહોંચી ગયાં.

ગોરા નામનો પદ્મિનીનો પિયર સંબંધી એ સમયે ચિતોડમાં સેનાનાયક હતો. તેણે અને તેના બાર વર્ષના ભત્રીજા બાદલે આ યુદ્ધમાં અતુલ પરાક્રમ દેખાડ્યું. પોતાની તલવારથી અસંખ્ય મુસલમાન સૈનિકોનો વધ કરીને ગોરા રણમાં સૂતો. બાળકવીર બાદલ મુસલમાનોના લશ્કરને ભેદીને ચિતોડ આવ્યો અને પોતાની કાકીને ગોરાના મૃત્યુના સમાચાર જણાવ્યા. બીજી તરફ ચિતોડ જીતવાની તથા પશ્ચિનીને વરવાની આશા મિથ્યા છે એમ જાણીને અલાઉદ્દીન બાદશાહ વીલે મોંએ દિલ્હી પાછો ગયો.

ઘણાં વર્ષ વીતી ગયાં. પદ્મિનીના ચાતુર્યને લીધે પોતે જે છક્કડ ખાધી હતી તે તેના હૃદયમાં ખૂંચ્યા કરતી હતી. પદ્મિની, ભીમસિંહ અને ચિતોડના રજપૂતોનું વેર લેવા માટે તેના હૃદયમાં પ્રબળ ડંખ લાગ્યા કરતો હતો, એટલા સારૂ લાગ જોઈને ઈ. સ. ૧૨૯૭ માં તેણે ચિતોડ ઉપર બીજી વાર ચઢાઈ કરી.

પહેલા યુદ્ધમાં રાજપૂતોના મોટા મોટા શૂરા સામંતો માર્યા ગયા હતા. એ લોકો હજુ સુધી પોતાની ખોટ પૂરી કરી શક્યા નહોતા, એટલામાં અલાઉદ્દીને પ્રચંડ સૈન્ય સહિત ચિતોડને ફરીથી ઘેરી લીધું. રજપૂતો જલદીથી જેટલી સેના એકઠી થઈ શકે તેટલી કરીને, મુસલમાનોની સાથે મરણિયા થઈને લડવાને તૈયાર થયા. એ યુદ્ધ ઉપર ટીકા કરતાં ‘ઇતિહાસ રાજસ્થાન’ ગ્રંથના લેખક ચારણ રામનાથ રત્નુ લખે છે કે, “સિસોદિયાઓએ ગઢમાં બેસી રહીને લડાઈ કરી એ એમની મોટી ભૂલ થઇ અને એમના પછી પણ મહારાણા પ્રતાપસિંહજીના વખત સુધી એ ભૂલ ચાલુ રહી, જેને લીધે મુસલમાનોને ઘણુંખરૂં જીત મેળવવાનો અવસર મળ્યો; કેમકે ગઢમાં બેસીને લડવાથી ૨જપૂતો ઘેરાઈ જતા હતા, આ દેશ શત્રુઓના હાથમાં આવી જતો હતો; પ્રજાને શત્રુઓથી બચાવનાર કોઈ રહેતું નહિ. શત્રુઓને બધી જાતની સુખસગવડતા મળતાં. એમને ફક્ત એટલીજ ફિકર રાખવી પડતી કે કિલ્લાની અંદર બહારથી અન્ન અને જળ પહોંચવા ન પામે. આને લીધે કિલ્લાની અંદરના રજપૂતોને અન્નજળ વગર બેચાર દિવસ રહેવાનો પ્રસંગ આવતાં જ તેઓને બેબાકળા થઇ જઈને કિલ્લો છોડીને બહાર લડવાને નીકળી આવવું પડતું. એ વખતે શત્રુએ તંદુરસ્ત હાલતમાં રહેતા અને રજપૂતો ભૂખ્યા તરસ્યા બે ત્રણ દિવસના અપવાસી હોવાથી જો કે એ લોકો પુષ્કળ વીરતાથી લડતા, તોપણ આખરે થાકીને ઘણાખરા માર્યા જતા. જે બચતા તે માંહોમાંહે કપાઈ મરતા; કેમકે એવા ભયંકર યુદ્ધ વખતે ક્ષત્રિયો સદા પોતાની સ્ત્રીઓને સળગાવી મૂકીને કેસરિયાં કરવા નીકળતા; એટલે પરાજિત અવસ્થામાં સંસારમાં રહેવું એમને કદાપિ પસંદ નહોતું. આ પ્રમાણે બધા રાજાઓએ દિલ્હીના બાદશાહની આગળ પરાજય મેળવ્યો.

મહારાણા પ્રતાપસિંહે એવા પ્રકારની લડાઈ છોડી દીધી. તેનું પરિણામ એ આવ્યું, કે અકબર જેવો બાદશાહ પણ એમને વશ ન કરી શક્યો. અસ્તુ !

ચિતોડવાસીઓ સ્વદેશના રક્ષણ સારૂ આ વખતે પણ જીવસટ્ટે યુદ્ધ કરવા લાગ્યા; પરંતુ ભારતના બાદશાહની પ્રબળ શક્તિ આગળ નાનકડું મેવાડ કેટલા દિવસ ટકી શકે ? ઘણા દિવસ સુધી ટકી શકાશે નહિ એમ સમજવા છતાં દેહમાં પ્રાણ હોચ ત્યાંસુધી બીજા કોઈની તાબેદારી સ્વીકારવાને બદલે રજપૂત વીરો દેશનું ગૌરવ સાચવવા સારૂ દેહવિસર્જન કરવા તૈયાર થયા.

એક દિવસ રાણા લક્ષ્મણસિંહ ઘાડી રાત્રે એકલા પડ્યા પડ્યા ચિતોડ ઉપર આવી પડેલી આ વિપત્તિનો વિચાર કરતા હતા; એટલામાં ગંભીર સ્વરે “મેં ભૂખી હું” એ શબ્દ રાણાના સાંભળવામાં આવ્યા. ચમકી જઈને રાણાએ જોયું તો ચિતોડની અધિષ્ઠાત્રી ચતુર્ભુજા દેવી ભયંકર મૂર્તિ ધારણ કરીને સન્મુખ ઉભી છે. રાણાએ દેવીને પ્રણામ કરીને કહ્યું: “મા ! ઘણા વર્ષોથી હજારો રજપૂતો રણક્ષેત્રમાં પ્રાણ અર્પણ કરી રહ્યા છે, એમના એટલા બધા લોહીથી પણ તમારું પેટ નથી ભરાયું ?”

દેવીએ કહ્યું: “ના, હું હજુ ધરાઈ નથી. મારે રાજરક્ત જોઈએ છે. તારા બાર પુત્રો એકેએક રાજ્ય ઉપર અભિષિક્ત થઈને રણભૂમિમાં પ્રાણ આપશે, ત્યારે તેમના તાજા લોહીથી મારી તૃપ્તિ થશે. નહિ તો હું કોઈ દિવસ ધરાવાની નથી અને ચિતોડનું રક્ષણ પણ થવાનું નથી.”

દેવી અંતર્ધાન થઈ ગઈ. બીજે દિવસે રાણા લક્ષ્મણસિંહે રાજપુત્ર, મંત્રી અને સરદારોને બોલાવી આ અદ્ભુત ઘટના કહી સંભળાવી; પરંતુ બધાએ એજ કહ્યું કે, “ફરીથી એક વાર દેવી અમારી સમક્ષ એ પ્રમાણે કહે, તો અમે એવું કરવા દેવા તૈયાર છીએ.” એ રાતે દેવીનો આદેશ સાંભળવા માટે બધા ભક્તિપૂર્ણ ચિત્તે લક્ષ્મણસિંહના મહેલમાં સૂઈ રહ્યા.

યથાસમયે દેવીએ ફરીથી આવિર્ભૂત થઈને બધાને પોતાનો આદેશ સંભળાવ્યો, દેશરક્ષાને સારૂ દેશની અધિષ્ઠાતા ચતુર્ભુજા દેવી જાતે આવીને તેમના લોહીની માગ કરે છે, એના કરતાં વધારે સદ્ભાગ્ય ચિતોડવાસી વીરરાણાવંશી રાજપુત્રોને માટે બીજું શું હોય ? આનંદ અને ઉત્સાહથી રાજપુત્રો ઉન્મત્ત થઈ ગયા.

એકે એકે અગિયાર રાજકુમારોએ ગાદી ઉપર બેસીને સૈન્યસહિત યુદ્ધક્ષેત્રમાં પ્રાણ વિસર્જન કર્યા.

રાણાના બાર પુત્રોમાં એક ફક્ત અજયસિંહ જીવતો હતો. અજયસિંહના મૃત્યુ પછી રાણાવંશ નિર્મૂળ થવાનો સંભવ હતો. એટલે અજયસિંહને બીજે મોકલીને તેની જગ્યાએ પોતે પ્રાણ આપવાને રાણો લક્ષ્મણસિંહ તૈયાર થયો.

આ તરફ, ચિતોડ હવે બિલકુલ વીરશૂન્ય થયું. આ છેવટના યુદ્ધ પછી ચિતોડની રમણીઓની આબરૂ સાચવે એવું કોઈ રહેવાનું નહોતું. દેવીની આજ્ઞા મુજબ બાર રજપૂતોના બલિદાનનું ફળ ક્યારે મળશે, તે તો દેવી જાણે ! પણ ચિતોડ મુસલમાનોના તાબામાં જશે, એ વાત એ વખતે બધા સમજી શક્યા હતા.

આ વખતે પદ્મિનીએ ચિતોડવાસી સ્ત્રીઓને એકઠી કરીને કહ્યું: “બહેનો ! આપણા સ્વામી, પુત્ર અને ભાઈઓમાંથી અનેક વીરો વીરશય્યામાં સૂઈ ગયા છે. જે લોકો બચ્યા છે, તેઓ પણ આજે એજ શય્યામાં શચન કરશે. આપણા સ્વમાનરક્ષણનો ભાર આજે આપણે પોતાના જ હાથમાં છે. રજપૂત લલનાઓ મરતાં બીતી નથી. અગ્નિકુંડમાં દેહ અર્પણ કરવો, એ આવે વખતે રજપૂત બાળાઓનું અવશ્ય ભાવિ નિર્માણ હોય છે; ધર્મરક્ષાનો આ એકમાત્ર ઉપાય છે. રજપૂત વીરો પ્રશાંત ચિત્તે રણક્ષેત્રમાં પ્રાણસમર્પણ કરી રહ્યા છે, તો હે બહેનો ! રજપૂત વીરોની યોગ્ય અર્ધાગનાઓ આપણે પણે આજે અગ્નિમાં પડીને તેમનું અનુગમન કરીએ, મુસલમાનો પણ જોશે કે એમની પાશવશક્તિ કરતાં પણ આપણું ધર્મબળ કેટલું બધું ઉચ્ચ છે. જગત જોશે કે રજપૂત વીરાંગનાઓ કેવી રીતે પાશવશક્તિ ઉપર પોતાનું મહત્વ સિદ્ધ કરી શકે છે.”

બધી રજપૂતાણીઓએ એક અવાજે પદ્મિનીની વાતને અનમેદન આપ્યું. રાજધાની ચિતોડમાં એક ઊંડો વિશાળ કૂવો હતા. તેમાં મોટી ચિતા સળગાવવામાં આવી. ગગનસ્પર્શી ઝાળ એ ચિતામાંથી ઊઠવા લાગી. એ રજપૂત લલનાઓમાં પદ્મિની સૌની આગળ હતી. તેણે પહેલવહેલું એ ચિતામાં ઝંપલાવ્યું અને તેની સાથે સેંકડો રજપૂત સુંદરીઓએ હસતે મોંએ પ્રચંડ અગ્નિદેવને પોતાના રૂપમય દેહ સમર્પણ કર્યા.

ચિતાના ધુમાડાથી ચિતોડ આચ્છાદિત થઈ ગયું. એ ધુમાડાને ભેદીને લક્ષ્મણસિંહ અને ભીમસિંહ, બચેલા રજપૂત વીરોને લઈ પ્રબલ વેગથી મુસલમાન સેના ઉપર તૂટી પડ્યા. પઠાણ સૈન્યનો નાશ કરતાં કરતાં, તેમના લોહીથી પવિત્ર રણભૂમિમાં છંટકાવ કરતા કરતા, રજપૂત વીરો એકેએક યુદ્ધમાં કામ આવી ગયા.

યુદ્ધમાં અલાઉદ્દીનનો વિજય થયો અને યુદ્ધ સમાપ્ત થયા પછી, વીર રજપૂતોના લોહીથી ખરડાયેલા ચિતોડમાં, વીરાંગનાઓની ચિતાના ધુમાડાથી આચ્છાદિત થયેલા, એક પણ મનુષ્ય વગરના ચિતોડમાં તેણે પ્રવેશ કર્યો.

જે ચિતામાં પદ્મિની હજારો રજપૂત વીરાંગનાઓ સાથે દેહ સમર્પણ કર્યો હતો, તે કુંડ હજુ પણ ચિતોડમાં જોવામાં આવે છે. કોઈ મનુષ્ય એમાં પ્રવેશ કરી શકતો નથી. કહે છે કે એક પ્રચંડ અજગર રાતદિવસ ત્યાં આગળ પહેરો ભરે છે.