લખાણ પર જાઓ

રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/ગુન્નોરની રાણી

વિકિસ્રોતમાંથી
← ઝીમા ચારણી રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
ગુન્નોરની રાણી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ઝેબા ચહેરા →


१६५-गुन्नोरनी राणी

ધ્ય હિંદુસ્તાનમાં હાલના ભોપાળ શહેરની પાસે ગુન્નોર નામનું એક નાનું હિંદુ રાજ્ય હતું. જે વખતે એક પછી એક હિંદુ રાજ્યો મુસલમાનોના તાબામાં આવવા માંડ્યાં હતાં, તે સમયે નાનાસરખા ગુન્નોરના રાજ્યે પોતાની સ્વતંત્રતા જાળવવા ધૈર્યપૂર્વક પ્રયત્ન કર્યો હતો. એ સમયમાં દિલ્હીમાં પઠાણોનું રાજ્ય રહ્યું નહોતું. મોગલાનાં ઝુંડનાં ઝુંડ પરદેશમાંથી આ દેશમાં આવવા લાગ્યાં હતાં. પઠાણો પર વિજય મેળવીને તેઓ ભારતવર્ષમાં પોતાના રાજ્યનો વિસ્તાર વધારતા હતા, પઠાણોને જ્યારે મોગલોના ત્રાસથી દિલ્હી છોડવું પડ્યું, ત્યારે તેઓ ભારતવર્ષના બીજા પ્રાંતોમાં અધિકાર જમાવવા નીકળ્યા. માળવા, ગુજરાત, વગેરે પ્રાંતોમાં જઈને તેઓ ત્યાંના નાના નાના હિંદુ રાજાઓને પરાજિત કરીને તેમનાં રાજ્યો પડાવી લેતા. આ પ્રમાણે દિલ્હીમાંથી નાઠેલો એક પઠાણ પોતાના સાથીઓ સાથે ગુન્નોર રાજ્યમાં આવ્યો અને ત્યાં આગળ મુસલમાનોનું રાજ્ય સ્થાપવાનો પ્રયત્ન કર્યો. એણે ધાર્યું હતું કે, ગુન્નોર નાનું સરખું રાજ્ય હોવાથી એને સર કરવામાં વિશેષ પરિશ્રમ પડશે નહિ, પરંતુ યુદ્ધ આરંભ્યા પછી એને ખબર પડી કે, ગુન્નોરને કબજે કરવું એ નાનુંસૂનું કામ નથી. શત્રુના આક્રમણના સમાચાર મળતાંવારજ ગુન્નોરના રાજા પોતાના સૈન્ય સાથે પઠાણની સામે યુદ્ધ કરવા ગયો અને પઠાણસૈન્યને એક એક ડગલું આગળ વધતાં ત્રાહે ત્રાહે પોકારાવી; પરંતુ મુસલમાનોનું સૈન્ય પ્રબળ હતું. એનો પરાજચ કરવાને ઘણાએ પ્રયત્ન કર્યા છતાં રાજા પોતાના ઉદ્દેશમાં સફળ થયો નહિ અને પોતાના અનેક વીર સૈનિકો સાથે રણભૂમિમાંજ મરણ પામ્યો.

આ શોકજનક સમાચાર જ્યારે ગુન્નોર નગરમાં પહોંચ્યા, ત્યારે રાણીને ઘણોજ શોક થયો; પરંતુ આ શોક કરવાનો સમય નહોતો. એણે પોતાના દુઃખને મનમાંજ સમાવી દીધું. એણે પોતાના શહેરમાંથી મળી આવે એટલા નવા સૈનિકો એકઠા કર્યા અને તેમનું સેનાપતિપણું પોતે સ્વીકારીને શત્રુઓ સાથે યુદ્ધ કરવા ગઈ. ગુન્નોરના વીર સૈનિકોના હૃદયમાં રાણીનો આટલો બધો ઉત્સાહ જોઈને નવીન બળનો સંચાર થયો. રાણી શસ્ત્રવિદ્યા અને રણકૌશલ્યમાં ઘણીજ પ્રવીણ હતી. પોતાના સ્વર્ગસ્થ પતિની પેઠે એ પણ ઘણી વીરતાથી પઠાણો સાથે લડી. સૈનિકોએ પણ સ્વદેશની ખાતર પ્રાણ આપવામાં બાકી ન રાખી, પરંતુ દૈવ સાનુકૂળ નહિ હોવાથી તેમના બધા પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. પઠાણોનું સૈન્ય ઘણું વિપુલ હતું અને રાણીના સૈનિકો એમના પ્રમાણમાં ઘણાજ થોડા હતા. દિનપ્રતિદિન રાણીના વીર સૈનિકો યુદ્ધમાં મરણ પામતા ગયા અને શત્રુઓના હાથમાંથી ગુન્નોરનું રક્ષણ કરવાની આશા નિરાશામાં બદલાઈ ગઈ, પરંતુ એમ છતાં પણ રાણીએ યુદ્ધ બંધ રાખ્યું નહિ. ઘોર યુદ્ધ કર્યા વગર મુસલમાનોના હાથમાં એક તસુ પણ જમીન ન જવા દેવાનો એણે નિશ્ચય કર્યો હતો; પરંતુ મુસલમાનો પોતાના પ્રબળ સૈન્યને લીધે એકે એકે ગુન્નોર રાજ્યના કિલ્લા પોતાના અધિકારમાં લેતા ગયા, પાંચ કિલ્લાઓ શત્રુઓના હાથમાં આવી ગયા પછી, રાણીએ નર્મદાના કિનારે આવેલા એક મજબૂત કિલ્લામાં આશ્રય લીધો; પરંતુ નદી ઓળંગીને રાણી કિલ્લામાં પ્રવેશ કરે તે પહેલાં શત્રુઓને તેના ઇરાદાની ખબર પડી ગઈ. તેઓ તેની પાછળ પડ્યા. રાણી પોતાના કેટલાક વિશ્વાસુ સૈનિકોને લઈને શત્રુઓના આવતા પહેલાંજ, દુર્ગમાં પહોંચી ગઈ અને ત્યાં જઈને દુર્ગનાં દ્વાર બંધ દીધાં, પરંતુ આ નાસાનાસમાં રાણીના પક્ષના અનેક સિપાઈઓ માર્યા ગયા. હવે રાણી પાસે કિલ્લાની અંદર ગણ્યાગાંઠ્યા મનુષ્યો હતા, મુસલમાનોએ નિસરણીઓ મૂકી મૂકીને કિલ્લાની અંદર પ્રવેશ કરવા માંડ્યો હતો. આ વખતે પોતાના બચાવ થવો અસંભવિત જાણીને રાણીએ બીજી યુક્તિ રચી. તેણે પઠાણ સરદારને કહેવરાવ્યું કે, “હું આપને શરણે આવવા તૈયાર છું અને હવે આપ કૃપા કરીને આ વૃથા રક્તપાત બંધ કરો.”

રાણીના તરફથી આ વિનયપૂર્વક સંદેશો પહોંચતાવારજ

ખાનસાહેબ તો પીગળી ગયા. તેના આનંદનો પાર રહ્યો નહિ. રાણીના અપૂર્વ સૌંદર્યની કીર્તિ તો એણે પહેલેથી જ સાંભળી હતી.

હવે તો ગુન્નોરને સર કરવા કરતાં ગુન્નોરની અપૂર્વ સૌંદર્યવતી રાણીને પ્રાપ્ત કરવાની લાલસા તેના મનમાં વધારે પ્રબળ થઈ પડી. જરા પણ અનાકાની કર્યા વગર, એણે રાણીની વિનતિ માન્ય રાખીને તેની સાથે કહેવરાવ્યું કે, “યુદ્ધમાં તમારી અસાધારણ બહાદુરી જોઈને હું ઘણોજ ખુશ થયો છું. આપે આજ સુધી મહારાણીનું પદ ભોગવ્યું છે અને જ્યાં સુધી મારા દેહમાં જીવ છે ત્યાં સુધી તમે એજ પદ ઉપર બિરાજેલાં રહેશો. આ નમ્ર સેવક આપના તાબેદાર તરીકે રહીને આપની આજ્ઞા મુજબ રાજ્યનો વહિવટ કરશે.” ખાનસાહેબનો આ વિવેકપૂર્ણ સંદેશો સાંભળીનેજ ગુન્નોરની રાણી તેનો આંતરિક ઉદ્દેશ શો છે, તે કળી શકી. એ ઘણા ઊંડા વિચારમાં પડી ગઈ. એની વિનતિ સ્વીકારે તો પઠાણને હાથે પોતાનું પાતિવ્રત્ય નષ્ટ થવાનો સંભવ હતો અને ન સ્વીકારે તો પોતાનો તથા પોતાના સ્વામીભક્ત સૈનિકોનો અવશ્ય સંહાર થવાનો પ્રસંગ હતો.

આ બન્ને આપત્તિઓમાંથી મુક્ત થવાને માટે તેણે ઘણો વિચાર કરીને એક યુક્તિ શોધી કાઢી. પઠાણ સરદારની વિનતિના ઉત્તરમાં તેણે કહેવરાવ્યું કે, “હું પણ રણસંગ્રામમાં ખાનસાહેબનું અતુલ પરાક્રમ જોઈને અતિ પ્રસન્ન થઈ ગઈ છું. એવા બહાદુર સરદારની પટરાણી થવાની મને ઈચ્છા થાય છે. અમને રજપૂત સ્ત્રીઓને શૌર્ય અને સાહસ એ બે ગુણ ઘણા પ્રસન્ન હોય છે. ખાનસાહેબ મારે માટે યોગ્ય પુરુષ છે. મારી વિનતિનો એ સ્વીકાર કરશે, તો એમણે મારૂં માન રાખ્યું હું માનીશ. મારી ઈચ્છા છે કે, અમારા કુલાચાર પ્રમાણે અમારા ગઢની અગાસી ઉપર ખાનસાહેબ સાથે મારા લગ્નની વિધિ થાય. મારા દરજ્જા પ્રમાણે સુંદર વસ્ત્રાલંકારમાં સજ્જ થવાને મને બે કલાક લાગશે.”

ખાનસાહેબે રાણીની બધી વિનતિનો સાદર સ્વીકાર કર્યો, આજ તેના હર્ષનો કાંઈ પાર નહોતો. આજ એ પોતાના જીવનને ધન્ય થયું સમજતો હતો; થોડીકજ વાર પછી ગુન્નોરની રાણીએ પોતાના ભાવી પતિને માટે એક કિંમતી કિનખાબનો પોશાક તથા અમૂલ્ય રત્નોનો કંઠો પ્રેમના ઉપહાર તરીકે મોકલી આપ્યો અને બે કલાક પછી એ પોશાક સાથે મહેલમાં પધારવાને કહેવરાવ્યું અત્યારે યુદ્ધનાં રણશિંગડાં બંધ કરી દેવરાવવામાં આવ્યાં હતાં. મંગળ વાદ્ય ચારે તરફ વાગી રહ્યાં હતાં. પોતાના સરદારના આજે ભારતવર્ષની એક અત્યંત રૂપવતી રમણી સાથે ‘નિકાહ’ થશે, એ સમાચારથી પઠાણ સૈનિકોમાં હર્ષ વ્યાપી ગયો હતો. પઠાણો તલવારને તંબૂમાં મૂકી દઈને મોજમજા, ગાનતાલ અને નાચતમાશામાં મશગૂલ થઈ ગયા હતા. ઘણા દિવસોથી જે સુંદરીના અપ્રતિમ રૂપલાવણ્યની પ્રશંસા પોતે સાંભળ્યા કરતો હતો, તેનાં આજે દર્શન કરવા, તેને આલિંગન દેવા પઠાણ સરદારનું મન તલપાપડ થઈ રહ્યું હતું.

આખરે નિયત સમયે રાણીનો દૂત ખાનસાહેબને તેડવા આવ્યો. ખાનસાહેબ એ રત્નજડિત કિનખાબનો પોશાક પહેરીને ઉતાવળો ઉતાવળો મહેલમાં ગયો. ત્યાં જઈને રાણીનાં જ્યારે સાક્ષાત દર્શન કર્યા, ત્યારે ખાનસાહેબને ખાતરી થઇ કે, તેનું સૌંદર્ય પાતે સાંભળ્યું હતું તેના કરતાં પણ શ્રેષ્ઠ હતું. પોતે કોઈ સ્વર્ગની અપ્સરાને જોતો હોય એમ તેને લાગ્યું. એક મોટા સિંહાસન ઉપર મખમલના ગાલીચા ઉપર રાણી સુંદર વસ્ત્રાલંકાર પહેરીને બેઠી હતી અને તેની આસપાસ બીજા સાધારણ ગાલીચાઓ ઉપર તેની સખીઓ બેઠી હતી. દાસીઓના હાથમાં નાની નાની સળગતી મશાલો હતી. એ મશાલોના પ્રકાશમાં રાણીનું સૌંદર્ય ઘણું દીપી ઊઠતું હતું. રાણીએ મૃદુ વચનોથી ખાનસાહેબને પલંગ ઉપર બિરાજવા કહ્યું. ખાનસાહેબ તો રાણીના રૂપથી એટલા બધા મુગ્ધ થઈ ગયા હતા કે, રાણીના આદેશનું પાલન કરવામાં જરા પણ વિલંબ કરતા નહિ. રાણીએ તેની સાથે મીઠી મીઠી વાતો કરવાનો આરંભ કર્યો. એ વાતમાં ખાનસાહેબને એટલો બધો રસ પડ્યો કે, સમય પૂર્ણ વેગથી ચાલ્યો જતો હતો, તેનું તેમને જરા ભાન નહોતું. ગુન્નોરની રાણીના સૌંદર્યનું દર્શન કરવાથી તેને એક કલાક એક મિનિટ જેટલો લાગતો. આ પ્રમાણે વાર્તાલાપ ચાલી રહ્યો હતો, એવામાં ખાનસાહેબની તબિયત બગડી આવી, તેમનો જીવ ગભરાવા લાગ્યો, તેમનું મુખ નિસ્તેજ થવા લાગ્યું, તથા શરીરમાં અત્યંત બળતરા થવા લાગી; રાણીની દાસીઓ પંખો નાખવા લાગી, પીવાને માટે ઠંડાં શરબત આપવામાં આવ્યાં, પણ કશાથી પઠાણ સરદારની તબિયત સુધરી નહિ. ધીમે ધીમે તેની વેદના વધતી જ ગઈ. એ વસ્ત્ર ફાડવા લાગ્યો. તેની આ દશા જોઈને ગુન્નોરની રાણી પોતાના આસન ઉપરથી ઊભી થઈને બોલી:

“ખાનસાહેબ, હવે તો તમારી છેલ્લી ઘડી આવી પહોંચી છે. તમે જે પોશાક પહેર્યો છે, તે ઝેરી છે અને એ ઝેર તમારી રગેરગમાં વ્યાપી ગયું છે. મારૂં શિયળ સાચવીને તમારો સંહાર કરવાનો એજ એક માત્ર રસ્તો મારે માટે ખુલ્લો હતો.” આ શબ્દો સાંભળીને ખાન અને તેના થોડાઘણા સૈનિકો આભાજ થઈ ગયા. એ લોકોને પોતાની ખરી સ્થિતિનું ભાન થાય તે પહેલાં તો ગુન્નોરની રાણી કિલ્લા ઉપરથી નર્મદામાં કૂદી પડી હતી.

પોતાની સાથે દગો થયેલો જોઈને પઠાણો ત્યાં બેઠેલી રજપૂત સ્ત્રીઓ તરફ ધસ્યા; પણ એ લોકો તેમના અંગનો સ્પર્શ કરે, તે પહેલાં તો તેમણે પોતાના ગાલીચાની નીચે દાબેલા દારૂગાળાના કોથળાઓને મશાલ અડકાડી દીધી. તરતજ એક ભયંકર ગર્જના સાથે કિલ્લો તૂટી પડ્યો અને ખાન પોતાના સૈનિકો સાથે એક ક્ષણભરમાં ભસ્મીભૂત થઈ ગયો.

આ પ્રમાણે ગુન્નોરની વીર અને તેજસ્વી રાણીએ પોતાનું પાતિવ્રત્ય સાચવીને શત્રુઓનો સંહાર કર્યો.