લખાણ પર જાઓ

રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/ઝીમા ચારણી

વિકિસ્રોતમાંથી
← નાગબાઈ ચારણી રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
ઝીમા ચારણી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ગુન્નોરની રાણી →


१६४-झीमा चारणी

જાંગલૂ દેશ કે જ્યાં હાલ બિકાનેરનું રાજ્ય છે, ત્યાંના ચારણ બીઠુની બહેન હતી. એ ઘણી વાચાળ અને કવિતાના રસિક હતી. એક વખત પોતાની જાતિની વૃત્તિ મુજબ યાચના કરવા હાલ કોટા રાજ્યમાં આવેલા ગાગરોણના કિલ્લામાં ગઈ. ત્યાંના રાજા ખીચી અચળદાસજી આગળ તેણે પોતાના દેશના માલિક સાંખલીરાવ ખીમસીની પુત્રી ઉમાદેનાં વખાણ એવી સરસ ભાષામાં કર્યાં કે, અચળદાસજીએ મોહિત થઈને એને ચાર ઘોડા આપ્યા તથા ઉમાદે સાથે પોતાનો વિવાહ કરાવી આપવા માટે, ઝીમાની સાથે પોતાના પ્રધાનને મોકલ્યો. ઝીમાએ ઘેર આવીને પોતાના ભાઈ બીઠુની મારફત પ્રધાનને રાવ ખીમસી સાથે મુલાકાત કરાવી આપી અને વિવાહ નક્કી થયો. અચળદાસજી ઘણી ધામધૂમથી જાન લઈને આવ્યા અને ઉમાદે સાંખલીને પરણી ગયા; પરંતુ રાજાની પહેલી રાણી લાલ મેવાડીએ તેમનું ઉમાદે પાસે જવું બંધ કરી દીધુ. લાલાંદે મેવાડી ચિતોડના રાણા મોકળજીની પુત્રી હતી અને અચળદાસજીને પોતાના વંશમાં રાખતી હતી.

ઉમાદે આથી ઘણી દિલગીર થઈ. ઘણાં વર્ષ એણે શોક સંતાપમાં ગાળ્યાં. આ દુ:ખી અવસ્થામાં ઝીમા ચારણી સિવાય બીજું કોઈ એને દિલાસો આપે એવું નહોતું. ઝીમાનો જીવ પણ ઘણો બળી જતો હતો. એક દિવસે રાણી ઉમાદેએ ઘણીજ દુઃખી થઈને ઝીમાને કહ્યું: "બહેન ! તું કેમ કાંઈ ઉપાય કરતી નથી ? તારી વાણી સાંભળીને તો જગલમાં દોડતાં હરણ પણ ઊભાં રહી જાય છે, તો રાણાજીને એ વીણા સંભળાવીને મારે વશ કેમ નથી કરી દેતી?" ઝીમાએ કહ્યું: "બાઇજી! હું રાજાને એક વા૨ મળું, તો તો તરત ઠેકાણે લાવું." ઉમાદેએ કહ્યું. "એનો પણ ઉપાય તું જ કર." ઝીમાએ ઘણો વિચાર કરીને એક યુક્તિ શોધી કાઢી, એણે વાતચીત કરતાં કરતાં સ્ત્રીઓમાં એવી ચર્ચા ફેલાવી કે, "ઉમાદેની પાસે રત્નનો એક એવો હાર છે કે, લાલાંદેજીની પાસે એ હાર કદી નહિ હોય." આ વાત લાલાંદેની પાસે પહોંચી, સ્ત્રીઓને ઘરેણાનો ઘણો શોખ હોય છે. એણે તરતજ ઉમાદેની પાસે પોતાની એક સખી મોકલીને હીરાનો હાર જોવા મંગાવ્યો. એ હાર એને ઘણો પસંદ આવ્યો, તેથી ફરીથી ઉમાદેને કહેવરાવ્યું કે, "આ હારને એક રાત મારી પાસે રહેવા દો. હું રાણાજીને બતાવીને પાછો મોકલીશ." ઉમાદેએ જવાબમાં કહેવરાવ્યું કે, "તમે રાણાજીને એક રાત મારી પાસે મોકલો, તો હું હાર આપું." લાલાંદેએ એ વાતનો સ્વીકાર કરીને હા૨ મંગાવ્યો અને સોળ શણગાર સજીને રાત્રે રાણાજીના શયનગૃહમાં ગઈ. એ જોઈને રાણાજી ઘણા પ્રસન્ન થઈને બોલી ઊઠ્યાઃ "ધન્ય છે મેવાડદેશને કે જ્યાં આવાં આવાં રત્નોનાં આભૂષણ છે ! લાલાંદેએ કહ્યું: "કાલે આ૫ સાંખલી (ઉમાદે)ના મહેલમાં જજો, પણ ખાલી બેસીનેજ પાછા આવજો."

અચળદાસજી તેના શબ્દોનો મર્મ સમજી ગયા અને તે પ્રમાણે વચન આપીને બીજી રાતે ઉમાદેના વિલાસભવનમાં ગયા અને વાતો કરતાં કરતાં હથિયાર સાથેજ ઊંઘી ગયા. ઉમાદે તેમની પગચંપી કરવા લાગી. ઝીમા ચારણીએ લાગ જોઈને વીણા વગાડવી શરૂ કરી અને આશાવરી રાગમાં પોતેજ રચેલા પ્રસંગને અનુસરતાં ગીત ગાવા લાગી.

કામને ઉત્તેજિત કરનારા એ દોહા સાંભળ્યા છતાં પણ અચળદાસજીએ હથિયાર ઉતાર્યા નહિ અને લાલાંદેને આપેલું વચન નિભાવતા ગયા. આખરે પ્રાતઃકાળ થવા આવ્યો અને લાલાંદેની દાસી તેમને બોલાવવા માટે આવીને ઊભી રહી. એ વખતે ઉમાદેએ કહ્યું :—

“માંગ્યા લાભે જબ ચણા, માંગી લભે જુવાર,
માંગ્યા સાજન કિમિ મિલે, ગહલી મૂઢ ગવાર;
પહો ફાટી પગડો હુઓ, વિછરણરી હૈ વાર,
લે સખિ થારો વાલમો, ઉર દે મારો હાર.”

એટલું સાંભળતાંજ, ઝીમા વીણા ફેંકી દઈને પલંગની પાસે આવીને અચળદાસજીને ઢંઢોળવા લાગી. અચળદાસજીએ કહ્યું: “હું ઊંઠું છું, પણ તેં તારા ગીતમાં એ શું ગાયું હતું કે:—

“હાર સડે પિવ આનિયો.”

ઝીમાએ ગુસ્સે થઈને કહ્યું: "ઠાકોર સાહેબ ! આપને તો લાલાંદેજીએ વેચી દીધા છે અને અમે એક હારમાં ખરીદી લીધા છે. અમારો હાર પણ ગયો અને તમે પણ જાઓ તો પછી અમે શું કમાયાં ?" આ સાંભળીને અચળદાસજીએ ક્રોધના આવેશમાં કહ્યુંઃ "શું મને લાલાંદે મેવાડીએ વેચી દીધો છે?" ઝીમાએ કહ્યું "હા જી." એમ કહી એણે એ સંબંધી એક સરસ કવિતા કહી. અને બધો વૃત્તાંત કહી સંભળાવ્યો; એ સાંભળીને રાણાજીએ કહ્યું: "વાહ ! લાલાંદેએ હારને મારા કરતાં પણ વધારે પ્યારો ગણ્યો ? ઉમા ! ચાલો ઉઠો. તમે કહો તો હવે, હું લાલાંના મહેલમાં જવાના પણ સોગન ખાઉં." ઉમાદેએ કહ્યું: "ના, એમ કરવાથી તો આપના વચનનો ભંગ થાય. આ૫ વચન આપીને આવ્યા છો, તો હાલ તો લાલાંદેજીની પાસે પધારો, પણ મારા ઉપર આજ આપની આટલી બધી કૃપા થઈ છે, તો વચન આપતા જાઓ કે, જ્યારે મારી સખી બોલાવવા આવે ત્યારે તરત પધારજો." વચન આપીને રાણાજી લાલાંદેજીને મહેલ પધાર્યા.

આ વાતને સાતઆઠ દિવસ વીતી ગયા. એક દિવસ લાલાંદે અને રાણાજી અડધી રાતે ચોપાટ રમી રહ્યાં હતાં, એટલામાં ઉમાદેની સખી ત્યાં પહોંચી અને કહેવા લાગીઃ "આપને સાંખલી ( ઉમાદેજી ) બોલાવે છે." અચળદાસજી ઊભા થવા લાગ્યા, તો રાણી લાલાંદેએ તેમનું ધોતિયું પકડ્યું અને કહ્યું: "ક્યાં જાઓ છો ? બાજી તો પૂરી કરો." અચળદાસજીએ કહ્યું: "હવે બાજી શાની પૂરી કરે? તું તો મને સાંખલજીને વેચી ચૂકી છું." એમ કહીને પલ્લો છોડાવીને સાંખલીજી ઉમાદેના મહેલમાં પહોંચ્યા. લાલાંદેએ રોશમાં આવીને કહ્યું કે, "હવે હું તમારી સાથે વાસ કરું તો મને રાણાજીના સોગંદ છે." આ સમાચાર સાંભળીને ઉમાદે તથા ઝીમા ચારણી ઘણાં પ્રસન્ન થયાં. રાવજી હવે ઉમાદેની સાથે જ રહેવા લાગ્યા.

આ પ્રમાણે ઝીમા ચારણીએ પોતાની યુક્તિથી તથા સુંદર કવિતાથી ઉમાદે સાંખલીનું દુઃખ દૂર કર્યું. આ બનાવથી એણે એવી કીર્તિ મેળવી કે, હજુ સુધી રાજસ્થાનના ઇતિહાસમાં તેનું નામ અચળ રહ્યું છે.

ઝીમા ચારણી સંવત ૧૪૬૦ ની લગભગમાં થઈ ગઈ છે.